સમગ્ર ગુજરાત વરસાદી માહોલમાં તરબોળ બન્યું હતું અને દરેક વિસ્તારોમાં શ્રીકાર વર્ષાનો માહોલ જામ્યો છે. તાપી જિલ્લના વાલોડ તાલુકામાં 16 કલાકમાં 10 ઇંચ વરસાદ પડતા આ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે.
ગીર-સોમનાથ જિલ્લાના તાલાલામાં આજે સાડા સાત ઇંચ અને કચ્છ જિલ્લાના માંડવીમાં આજે સાત ઇંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે રાજ્યની મોટાભાગની નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે અને ડેમ ઓવરફ્લો થયો છે.
જો કે હવે વરસાદ ધીમો નહીં પડે કે ઉઘાડ નહીં થાય તો ખરીફ પાકને નુકસાન થવાની ભીતિ છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વ્યાપક તેમજ રાજકોટ, મોરબી, પોરબંદર, જામનગર, અમરેલી જિલ્લામાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદ વરસી ગયો હતો,
જે પૈકી તાલાલામાં સાડા સાત ઈંચ, જોડિયામાં પાંચ અને કલ્યાણપુરમાં સાડા ત્રણ ઈંચ વરસાદતી ઠેર-ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ થઈ જવા પામી હતી. આવા અનેક વિસ્તારોમાં હવે વધુ વરસાદથી ખરીફ પાકને નુકશાન થવાની ભીતિ છે ત્યારે આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા વચ્ચે ચિંતાનું મોજું ફેલાયું છે.
આજે તાલાલા શહેરમાં સાડા સાત ઈંચ, ગ્રામ્ય વિસ્તારોમાં દસ ઈંચ સુધી તથા જંગલમાં તો પંદર ઈંચ જેટલો વરસાદ પડતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપૂર તાલુકાના માલેતા ગામ પાસે ભંગ ડેમના પાણીના વહેણમાં બે યુવાનોના ડૂબીને મોત થયા હતા.
દક્ષિણ ગુજરાતમાં રવિવારે વરસાદે આરામ લીધો હતો પરંતુ સોમવારે સવારથી જ વરસાદે આક્રમક રૂપ ધારણ કર્યુ હતું અને 10.8 ઇંચ સુધીનો વરસાદ પડયો હતો. આ વિસ્તારની તમામ નદીઓમાં ઘોડાપૂર આવતા સુરત, તાપી અને નવસારી જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ ઉભી થતાં જનજીવન પ્રભાવિત થયું હતું. સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં બલેશ્વર નેશનલ હાઇવે નં.48 પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસ ર થઇ હતી. અનેક મુખ્ય અને આંતરિક માર્ગો પાણીમાં ગરક થયા હતા. સુરતના માંડવી અને તાપીના વાલોડમાં 10 ઇંચ વરસાદ નોંધાયો હતો.
સુરત જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટીંગ કરતા પાણી-પાણી થઇ ગયું હતું અને માંડવીમાં 10 કલાકમાં જ સાત ઇંચ પાણી પડયું હતું. બારડોલી તાલુકામાં જળબંબાકારની સ્થિતિ ઉભી થતાં અનેક ગામો ટાપુમાં ફેરવાયા છે. કચ્છ જિલ્લામાં પણ આજે મેઘરાજાની સતત મહેર વરસી છે.
જેમાં નખત્રાણામાં માત્ર બે કલાકમાં પાંચ ઈંચ, અંજારમાં પોણા ચાર, માંડવીમાં સાડા ત્રણ, ભુજમાં પોણા ત્રણ, રાપરમાં પોણો અને મુંદરામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. જેના કારણે અનેક ડેમોમાં વરસાદથી પાણીની સારી આવક થઈ છે. અમુક છલવાયા છે
ભારે વરસાદથી કેટલાક રસ્તાઓ બંધ થઈ જતા મુશ્કેલી પડી હતી. આજે બપોરે બાર વાગ્યા બાદ મેઘાએ જમાવટ શરૂ કરતા માંડવી તાલુકાના બિદડામાં બે કલાકમાં અંદાજે 5 ઈંચથી જેટલો વરસાદ પડયો છે. કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષે માંડવીમાં સૌથી વધુ વરસાદ પડયો છે.