સમગ્ર ગુજરાતમાં ભારે ચકચાર મચાવનાર લોકરક્ષક ભરતી પ્રક્રિયામાં રવિવારે પેપર લીક થવાની ઘટના સામે આવી હતી. જેમાં સોમવારે ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ભાજપના જ અમુક આગેવાનોની પેપર લીક કરવામાં સંડોવણી સામે આવી છે. સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર વડોદરાનો યશપાલ સિંહ સોલંકી હોવાનું બહાર આવ્યું છે. યશપાલસિંહ વડોદરામાં કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરે છે. તેણે ઉત્તર ગુજરાતના ભાજપના બે આગેવાનો મનહર પટેલ અને મુકેશ ચૌધરી સાથે સંપર્ક કર્યો હતો. આ ટોળકીએ લાખો રૂપિયા લઇ પેપર વેચ્યા હતા.
ઉપરાંત ગાંધીનગર વાયરલેસ PSI પી વી પટેલની પણ સંડોવણી બહાર આવી છે. પોલીસે મનહર પટેલ, મુકેશ ચૌધરી અને PSI પી વી પટેલની ધરપકડ કરી લીધી છે. જ્યારે પેપર lic કૌભાંડનો મુખ્ય સૂત્રધાર યશપાલસિંહ ફરાર છે. સૂત્રો અનુસાર ગઈકાલે લોકરક્ષક ભરતીનું પેપર શરૂ થાય તે પહેલાં જ યશપાલસિંહ ફરાર થઈ ગયો હતો.
લોકરક્ષકની ભરતીમાં ભાજપના બે અગ્રણીઓના નામ ખુલતા અને તેમની ધરપકડ થતા કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામું માગી લીધું છે. તેમજ કોંગ્રેસના નેતાઓ જણાવે છે કે લોક રક્ષક ભરતીના પેપર જો તે તપાસ કરશે તો ભાજપના અનેક મોટા માથાઓ સુધી પહોંચી શકે છે.
ભાજપના બે આગેવાનો મુકેશ ચૌધરી અને મનહર પટેલને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના આદેશથી ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મનહર પટેલ અરવલ્લી જિલ્લાના અરજણ ગામનો રહેવાસી છે જ્યારે મુકેશ ચૌધરી બનાસકાંઠા જિલ્લાના એદરાણા ગામનો વતની છે. મુકેશ ચૌધરી વડગામ તાલુકા પંચાયતનો સભ્ય પણ છે. બીજી બાજુ ગામની યુવતી રૂપલ શર્મા પણ આ કૌભાંડમાં સંડોવાયેલી છે. પોલીસ દ્વારા તમામ આરોપીઓની તપાસ શરૂ કરાઈ છે.