મહિલા ગાંજાની ડિલીવરી કરવા જતી હતી અને એસઓજી ક્રાઈમના હાથે ઝડપાઈ ગઈ
અગાઉ ડ્રગ્સની હેરાફેરીમાં બે મહિલાઓ સહિત ચારની ધરપકડ કરાઈ હતી
અમદાવાદઃ શહેરમાં નશાનો કારોબાર વધુ ફેલાઈ રહ્યો છે. શહેરમાં ડ્રગ્સ અને ગાંજાની હેરાફેરીના બનાવો સામે આવી રહ્યાં છે. વિદેશી દારૂની હેરાફેરી પણ શહેરમાં હવે સામાન્ય બની ગઈ હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. શહેરમાં 98 હજારની કિંમતના 9 કિલો ગાંજા સાથે એક મહિલા સહિત બે આરોપીઓની એસઓજી ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે.
9 કિલો 848 ગ્રામ ગાંજાનો જથ્થો પકડી પાડ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરમાં નશાના કારોબારને અટકાવવા માટે પોલીસ કામ કરી રહી છે. એસઓજી ક્રાઈમના અધિકારીઓને મળેલી બાતમીના આધારે શહેરમાં કેમ્પ હનુમાન મંદિરની બાજુમાં આવેલ સિમરન ફાર્મ એન્ડ રેસ્ટોરન્ટ પાસે જાહેરમાં ગાંજાની ડિલિવરી કરવા જતી એક મહિલા અને એક શખ્સને એસઓજી ક્રાઈમે ઝડપી પાડ્યાં છે. બાબુભાઈ ભાટી અને ડાહીબેન સોલંકીને ઝડપીને તેમની પાસેથી 98,480 રૂપિયાની કિંમતનો 9 કિલો 848 ગ્રામ ગાંજાનો જથ્થો પકડી પાડ્યો છે.
બે દિવસમાં જ 17.35 લાખનું ડ્રગ્સ પકડાયું હતું
તાજેતરમાં જ શહેરમાંથી બે દિવસમાં જ 17.35 લાખનું ડ્રગ્સ પકડાયું હતું. જેમાં બે મહિલાઓ સહિત ચારની ધરપકડ કરવામાં આવી હતી. SOG ક્રાઈમ દ્વારા 17 લાખનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું હતું. અગાઉ NDPSના ગુનામાં ઝડપાયેલા જાવેદ ખાન ઉર્ફે બાબા બલોચને આ વખતે પણ ડ્રગ્સના કેસમાં પકડાયો હતો. અમદાવાદમાં ડ્રગ્સ પેડલરો વધી રહ્યાં છે. શહેરમાં અનેક વખત ડ્રગ્સની હેરાફેરી કરતાં પેડલરો પકડાતા હોય છે.