આધાર કાર્ડના ડેટાની સુરક્ષા પર પહેલાથી સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે તાજેતરમાં મિનિસ્ટ્રી ઓફ ઈલેકટ્રોનિકસ એન્ડ ઈન્ફર્મેશન ટેકનોલોજીએ ખુલાસો કર્યો કે ગુજરાતની ત્રણ ઓફિશિયલ વેબસાઈટ પર આધારનો ઉપયોગ કરનાર લોકોની જાણકારી જાહેર કરી દેવામાં આવી છે. આ આધાર એકટનું ઉલ્લંઘન છે. રવિવારના રોજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, તેમને આ ઈશ્યુ વિષે જાણ નહોતી. ગુજરાત સરકાર, ડિરેકટર ઓફ ડેવલોપિંગ કાસ્ટ વેલફેર ઓફ ધ સ્ટેટ અને ગુજરાત યૂનિવર્સિટીની વેબસાઈટ પર આધારના ડેટાને જાહેર કરવામાં આવ્યો છે. આમાં અકીલા આધાર ધરાવતા લોકોના નામ, સરનામાં અને આધાર ડિટેલ્સ વેબસાઈટ પર દર્શાવી દેવામાં આવ્યા છે.
૨૯મી ડિસેમ્બરના રોજ સંસદમાં આધારના ડેટાની સિકયોરિટી બાબતે ચર્ચા થઈ હતી. દેશભરમાં લગભગ ૨૦૦ વેબસાઈટ એવી છે જેમાં આધારની ડીટેલ્સ જાહેર કરી દેવામાં આવી હોય. આ વેબસાઈટ્સને લોકોનો ડેટા ત્યાંથી રિમૂવ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, મને આ બાબતની કોઈ જાણકારી નથી. સોશિયલ જસ્ટીસ એન્ડ વેલ્ફેર મિનિસ્ટર ઈશ્વર પરમાર જે ડેવલોપિંગ કાસ્ટ વેલ્ફેર ઓફ ધ સ્ટેટ મંત્રાલયના જવાબદાર છે, તેમને પણ આધાર ડેટા લીક વિષે જાણ નહોતી. તેમણે જણાવ્યું કે, મેં તાજેતરમાં જ ચાર્જ સંભાળ્યો છે. માટે મને આ વિષેની કોઈ જાણ નથી. આ સિવાય ગુજરાત યૂનિવર્સિટીના વાઈસ-ચાન્સલર હિમાંશુ પંડ્યાએ કહ્યું કે તેમને પણ આ બાબતે કોઈ જાણ નથી, પરંતુ તે આ ઈશ્યુ પર તપાસ કરાવશે. નિષ્ણાંતોનું કહેવું છે કે, આ ડેટાનો ઉપયોગ ઠગ દ્વારા કરવામાં આવી શકે છે. આ સિવાય આધાર એકટ ૨૦૧૬ના સેકશન ૨૯ મુજબ આ પ્રકારે પર્સનલ ઈન્ફર્મેશનને જાહેર કરવા પર પ્રતિબંધ છે.