-સમગ્ર નવરાત્રિ મહોત્સવનું આયોજન યોગ્ય રીતે થાય તે જવાબદારી આયોજકોની રહેશે.
-ગરબીની સ્થાપના તેમજ રાત્રિના ગરબાના કાર્યક્રમો જાહેર જનતાને અડચણ/અવરોધરૂપ ન થાય એવી જગ્યાએ દા.ત. કોમન પ્લોટ, જાહેર ઉપયોગી જગ્યાઓ, ખાનગી પ્લોટ વગેરે જગ્યાએ થાય તેની તકેદારી રાખવી.
-એન્ટ્રી/એક્ઝિટ ગેટની સંખ્યા વધુમાં વધુ રાખવાની રહેશે, દરેક દરવાજા ઉપર સિક્યોરિટીના માણસો રાખવાના રહેશે. ગરબા સ્થળના પ્રવેશ અને એક્ઝિટ દ્વાર અલગ-અલગ રાખવા તેમજ ઈમરજન્સી એક્ઝિટ માટેના અલગ ગેટ માટે આયોજન રાખવું તથા મહિલા-પુરૂષોના પ્રવેશ દ્વાર અલગ-અલગ રાખવાના રહેશે તથા તેનું માર્કિંગ કરવાનું રહેશે
-ગરબાના કાર્યક્રમની જગ્યાઓએ 1- લોકોની સલામતી/સુરક્ષા માટે ૨- મહિલા સુરક્ષા માટે ૩ - ટ્રાફિકની જાળવણી માટે તથા 4 - કોઈ પ્રકારના કેફી દ્રવ્યો/ કેફી પ્રવાહી/કેફી પ્રદાર્થના સેવન કરેલ વ્યક્તિ ગરબાના સ્થળે અંદર ન પ્રવેશે તે માટે આયોજક તરફથી એક-એક જવાબદાર વ્યક્તિ ફરજિયાત નીમવાના રહેશે અને તેઓના નામ/સરનામાં તથા મોબાઈલ નંબર સહિતની વિગત પો.સ્ટે. ખાતે આપવાની રહેશે.
- ગરબાનું આયોજન થતું હોય ત્યાં પ્રવેશ દ્વાર પર ડૉરફ્રેમ મેટલ ડિટેક્ટર/હેન્ડ મેટલ ડિટેક્ટર તથા સિક્યોરિટી સ્ટાફ તથા બ્રેથ એનેલાઈઝર વગેરે રાખવા અને શંકાસ્પદ વ્યક્તિની શારીરિક ચકાસણી કરવી. કોઈપણ વ્યક્તિ નશાની હાલતમાં જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની રહેશે. મહિલા સુરક્ષા કર્મચારી પણ સલામતી વ્યવસ્થા માટે રાખવા.
-ગરબાના સ્થળની અંદર કોઈપણ વસ્તુ નહીં લઈ જવા દેવી નહી, પ્રવેશ દ્વાર પર ચેકિંગ કરી અંદર જવા દેવાય તેવી વ્યવસ્થા કરવી. આયોજકોએ ફોટા સહિતનું ઓળખપત્ર ધરાવતો જાણીતો સ્ટાફ રાખવો. જેથી અનઅધિકૃત વ્યક્તિ આયોજક તરીકે પ્રવેશી ન જાય કે ભાંગફોડિયા પ્રવૃત્તિ ન કરી શકે. પ્રવેશની જગ્યાએ તથા ગરબા રમાતા હોય ત્યાં ક્લોઝ સર્કિટ કેમેરા (HD CCTV) મૂકાવવા, અસામાજિક તત્વો દ્વારા અનિચ્છનિય કૃત્ય ન થાય તેની તકેદારી રાખવી. આવનાર તમામ વ્યક્તિઓનું વ્યવસ્થિત ચેકિંગ થાય તે નિયત કરવાની જવાબદારી આયોજકની રહેશે.
-ગરબાના ગ્રાઉન્ડ ઉપર કોઈ બેગ કે બીજી વસ્તુ લઈને આવે તો પ્રવેશ દ્વાર પાસે ટોકન આપી જમા લેવી, શંકાસ્પદ વસ્તુ લાગે તો ચકાસણી કરવી.
-વાહન પાર્કિંગ અને ગરબાની જગ્યા વચ્ચે સુરક્ષિત અંતર રાખી, પાર્કિંગથી ગરબાના સ્થળના પ્રવેશ દ્વાર સુધી યોગ્ય બેરિકેટિંગ રાખવી. ગરબાના સ્થળે ગરબામાં ભાગ લેનાર અને પ્રેક્ષકો વચ્ચે મજબૂત બેરિકેટિંગ રાખવી.
-આયોજનના સ્થળે ફરજ બજાવતા તમામ સ્વયં સેવકો, ઇલેક્ટ્રિશિયન, સિક્યોરિટીના માણસો, સ્ટોલો ઉપરના માણસો, વગેરેને ફોટા આઇડેન્ટી કાર્ડ આપવું અને તેઓના નામ, સરનામા અને ફોન નંબરની માહિતી સ્થાનિક પોલીસને અગાઉથી પૂરી પાડવી.
-આયોજકોએ ગરબાના સ્થળે ક્ષમતા કરતા વધુ પ્રમાણમાં ટિકિટ/પાસનું વેચાણ/વિતરણ કરવુ નહીં.
-નવરાત્રિ ઉત્સવના પ્રવેશ પાસ ઇસ્યુ કરનાર વ્યક્તિની આયોજકે ઓળખ પ્રસ્થાપિત પૂરાવા મેળવવાના રહેશે.(આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ વગેરે) તથા જે અંગેનો રેકર્ડ આયોજકે રાખવાનો રહેશે. જે પોલીસ સ્ટેશનમાં રજૂ કરવાના રહેશે.
-ગરબાના સ્થળે ઈલેક્ટ્રિક સિસ્ટમ માટે મેઇન્ટેનન્સ સ્ટાફ હાજર રાખવો અને કોર્પોરેશને જાહેર કરેલા નિયમો અનુસાર જરૂરી અગ્નિશામક સાધનો રાખવા LMCB/MILLB અવશ્ય લગાવવી. વિજળીનો પ્રવાહ બંધ જઈ જાય તો મુશ્કેલી ઉભી ન થાય તે માટે સ્ટેન્ડ બાય જનરેટર રાખવું અને અગત્યની વસ્તુઓ પ્રકાશિત રહી શકે તેવી વૈકલ્પિક લાઈટની વ્યવસ્થા ગોઠવવી,
કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ ગરબામાં જણાય તો તાત્કાલિક સ્થાનિક પોલીસ અને સિટી પોલીસ કટ્રોલ રૂમ નંબર 100 ઉપર જાણ કરવી.
-ગરબાઓમાં કાર્યક્રમ માટે ઉભા કરવામાં આવતા મોટા સ્ટેજની મજબૂતાઈ અંગે PWDના સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર મેળવવું, તેમજ સ્ટેજ નીચે શંકાસ્પદ વસ્તુઓ અંગે અવારનવાર ચેકિંગ કરવું. શંકાસ્પદ વસ્તુ જણાય તો તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવી અને તે વસ્તુથી લોકોને દૂર રાખવા
-સરકાર દ્વારા નિયત કર્યા મુજબ તા. 3/10/2024થી તા 13/10/2024 સુધી ગરબાના કાર્યક્રમ રાત્રિના 12 વાગ્યા સુધી જ ચલાવવા પરવાનગી આપવામાં આવી છે. જેથી, ગરબા કાર્યક્રમ મંજૂરી આપેલ સમયમર્યાદામાં પૂરા થાય તેની તકેદારી રાખવી. રાત્રિના 12 વાગ્યા બાદ માઈક/સાઉન્ડ સિસ્ટમ વગાડી શકાશે નહીં. આ સિવાયના અન્ય દિવસોમાં ગરબા કાર્યક્રમોની પરવાનગી રાત્રિના 10 વાગ્યા સુધીની રહેશે.
-સમિયાણા સંબંધિત નામદાર સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરવાનું રહેશે.
-દાંડિયારાસની અવધિ દરમિયાન પાર્કિંગની વ્યવસ્થા કરવાની રહેશે. દરેક વાહનના નંબર, વાહનનો પ્રકાર રજિસ્ટરમાં લખવાની વ્યવસ્થા કરાવવાની રહેશે. આરસી બુક અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા પોલિસીના પૂરાવાની વિગતો રજિસ્ટરમાં લખવાની રહેશે.
-હાલમાં મનોરંજનની સ્થિતિમાં નિયંત્રણ માટેના ધારા ધોરણોના જે ગૃહ ખાતાના ઠરાવ નં-33-6-એચ તા. 28/4/8 1ના સરકારી ગેઝેટમાં પ્રસિદ્ધ થયેલ છે તેનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે.
-તાજેતરમાં સમાચારપત્રોમાં જોવા મળતા અહેવાલોને લક્ષમાં લેતા આયોજન સ્થળે એકત્રિત થનાર જનસમૂહ મુજબ જરૂરી પ્રાથમિક સારવાર/મેડિકલ સુવિધાઓ ત્વરિત ઉપલબ્ધ બને તે રીતે વ્યવસ્થા ગોઠવવી.
-નવરાત્રિ મહોત્સવ દરમિયાન આયોજકો/વ્યવસ્થાપકોએ નવરાત્રિના રાસ-ગરબાના સ્થળે પ્રવર્તમાન સંજોગોને ધ્યાને લઈ ગંદકી કે કોઈ રોગચાળો ન ફેલાય તે માટે અગમચેતીના પગલાં ભરવાની જવાબદારી રહેશે.
- દાંડિયારાસમાં સાંસ્કૃતિક કાર્યક્રમ વખતે પારદર્શક કપડા પહેરવા નહીં.
- ગરબીમાં અશ્લીલ પ્રોગ્રામ હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ અઘટીત બનાવ બનશે તો સંપૂર્ણ જવાબદારી આયોજકોની રહેશે.
- આયોજકો દાંડિયા રાસના આયોજન દરમિયાન જાહેર સુરૂચીનો ભંગ થાય કે ધાર્મિક લાગણી દુભાય તેવી ચેષ્ટાવાળા ગીતો વગાડી કે ગવડાવી શકશે નહીં તથા ગરબીમાં રમનારા ખેલૈયાઓએ અશિષ્ટ અભદ્ર વેશભૂષા ધારણ કરવી નહી. દાંડિયા રાસની વ્યવસ્થા કરવાની આંતરિક જવાબદારી આયોજકોની રહેશે અને કોઈપણ ગેરકૃત્ય થશે તો કાયદેસર પગલા લેવામાં આવશે.
- ખાનગી સિક્યોરિટીની મદદમાં ગરબાના આયોજકોએ પોતાના સ્વયં સેવકોને ખાનગી કપડામાં ગરબાના સ્થળ પાર્કિંગ અને આજુબાજુના વિસ્તારમાં શકમંદ હિલચાલ અંગે વોચ રાખવા માટે ગોઠવવા.
- દરેક ગરબા આયોજકોએ ગરબાના સંચાલન બાબતે ભાગ લેનાર દરેક સભ્યને સુરક્ષાને લગતી સૂચનાઓ આપવી અને તેની સમજ આપવી. કોઈપણ પ્રકારની અફવાઓને ઉત્તેજન આપવું નહીં કે તેનું ચાલુ ગરબામાં માઈક સિસ્ટમ દ્વારા પ્રસારણ કરવું નહીં. - કોઈપણ અનિઇચ્છનીય બનાવ બને તો તાત્કાલિક સ્થાનિકે આવેલ બંદોબસ્તની પોલીસને તેમજ કંટ્રોલ રૂમને જાણ કરવી.
ગરબાના સ્થળે ચારેય દિશામાં ચાર વોચ ટાવર ઉભા કરવા અને આ વોચ ટાવર ઉપરથી વીડિયો શુટિંગ રોજે રોજનું કરાવવાનું રહેશે અને ક્લોઝ સર્કિટ વીડિયો કેમેરા લગાડવા અને પોલીસ બંદોબસ્ત પોઇન્ટ ઉપરથી તેનુ નિરીક્ષણ કરી શકે તે રીતે તે જગ્યાએ ટીવી ગોઠવવાના રહેશે.
- આયોજકોએ તેમની હદના પોલીસ સ્ટેશનના તેમજ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરના તેમજ હોસ્પિટલના, ફાયર સ્ટેશનના અને પોલીસ કંટ્રોલરૂમના ટેલિફોન નંબરો મેળવીને અવશ્ય રાખવાના રહેશે. ચીફ ફાયર ઓફિસર તરફથી ઇસ્યુ થયેલ NOCની શરતોનું પાલન કરવાનું રહેશે.
- દિવસ દરમિયાન પણ ગરબાના સ્થળે જરૂરી સુરક્ષા વ્યવસ્થા 24 કલાક કોઈપણ એક વોચ ટાવર ઉપર ચાલુ રાખવી.
નવરાત્રિ ઉત્સવ દરમિયાન માગવામાં આવેલ મંજૂરીવાળા સ્થળ ઉપર નવરાત્રિ ઉત્સવ સમિતિના આયોજકો દ્વારા ઉત્સવવાળી જગ્યાએ રાજકીય કે બિન રાજકીય હોદેદારો/વ્યક્તિ દ્વારા વર્ગ વિગ્રહ, સામાજિક ભાવનાઓ કે શાંતિ જોખમાય એવુ કોઈપણ કૃત્ય ઉશ્કેરણીજનક ભાષણ/પોસ્ટર પ્રદર્શન કે અન્ય કોઈ પ્રવૃતિ કરવાની રહેશે નહીં.
- સરકારની ગાઇડલાઇન મુજબ ગરબા સ્થળે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવાની રહેશે તથા તેના આવવા-જવા માટે ઈમરજન્સી ગેટની વ્યવસ્થા કરવાની રહેશે.