ગુજરાતની ચૂંટણી પહેલાં ભાજપે રાજ્યોના પ્રભારીની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પંજાબ અને કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢનો હવાલો સોંપાયો છે. ભાજપે વિજય રૂપાણીને ગુજરાતમાં કરેલી કામગીરીના જશ સ્વરૂપે પ્રભારી બનાવ્યા છે. આપ શાસિત રાજ્ય પંજાબમાં રૂપાણી માટે ભાજપને બેઠી કરવી એ લોઢાના ચણા ચાવવા સમાન હોવા છતાં હાઈકમાન્ડે રૂપાણી પર ભરોસો જતાવ્યો છે. ગુજરાતની ચૂંટણી પહેલાં જ રૂપાણી નવી ભૂમિકામાં આવી ગયા છે.
પંજાબમાં હવે ચૂંટણી 4 વર્ષ બાદ હોવાથી રૂપાણી માટે એક નવી તક પણ છે. વિનોદ તાવડેને બિહારની તો ઓમ માથુરને છત્તીસગઢની જવાબદારી સોંપાઈ છે.પ્રકાશ જાવડેકરને પણ કેરળના પ્રભારી બનાવાયા છે. રૂપાણી માટે એવું કહેવાય છે કે એ સંગઠનના માણસ છે અને વર્ષોથી સૌરાષ્ટ્રમાં ભાજપને બેઠી કરવામાં એમનો અહમ રોલ રહ્યો છે. એ સંગઠનના સારા જાણકાર હોવાને કારણે તેમને પ્રભારી બનાવાયા છે પણ સાથે એ પણ નક્કી થઈ ગયું છે. ગુજરાતમાં રૂપાણીનો રોલ હવે પૂરો થઈ ગયો છે. રૂપાણીએ ઉમેદવારી માટે સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ ભાજપ હાઈકમાન્ડ ટીકિટ આપશે તો લડશે પણ હવે પ્રભારી બનાવતાં રાજકોટમાંથી ભાજપે બીજો ઉમેદવાર ઉભો રાખો પડશે એ નક્કી થઈ ગયું છે.હાર્યો જુગારી બમણું રમે એમ ભાજપે રૂપાણી પર જુગાર ખેલ્યો છે.
પંજાબમાં હાલમાં આપની સરકાર છે. પંજાબ એ અકાલી અને કોંગ્રેસનો ગઢ ગણાતો હતો. જેમાં આપે પગપેસારો કર્યો છે. હવે સ્થાનિક રાજકારણ પણ બદલાયું છે. ભાજપે અત્યારસુધી પંજાબમાં નાનાભાઈની ભૂમિકા નિભાવી છે. પંજાબમાં અકાલીદલ સાથે ગઠબંધન કરી ભાજપે અહીં પગ જમાવવાનો પ્રયાસ કર્યો છે પણ અકાલી સાથે છૂટાછેડા બાદ રૂપાણી માટે અહીં પગદંડો જમાવવો થોડો અઘરો છે. વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. સૌથી કપરી પરીક્ષા રૂપાણીની અહીં લેવાશે. કહેવાય છે કે ગુજરાતીઓ બીજા રાજ્યોમાં ખીલે છે. રૂપાણી માટે નેશનલ રાજકારણમાં પગપેસારાની આ તક છે. જો તકને અવસરમાં ફેરવી તો રૂપાણી ગણના ભાજપના કદાવર નેતાઓમાં થવા લાગશે.