સુરતની પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ પ્રતીક ડોઇંગ મિલમાં આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી. સવારના સમયે મિલ ચાલુ હોવાને કારણે આગ લાગતા ખૂબ જ ભયનો માહોલ સર્જાયો હતો. આસપાસની ફેક્ટરીઓના કામદારો પણ બહાર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાની સાથે જ અલગ અલગ ફાયર સ્ટેશનની ૧૫ ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
સુરતના પાંડેસરા જીઆઈડીસીમાં આવેલ પ્રતીક ડાઇંગ મિલમાં વેલી સવારે આગ લાગી હતી. ગ્રાઉન્ડ પ્લસ પહેલા માળ ઉપર આગ લાગી હતી. આગ ખૂબ જ પ્રસરી ગઈ હતી.જેના કારણે આસપાસની ફેક્ટરીઓમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો. આગની જ્વાળાઓ ખૂબ જ વિશાળ હતી. ફાયર વિભાગને જાણ થતાં ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક અસરથી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.આગ ખૂબ જ ભીષણ હોવાને કારણે ખૂબ મોટાપાયે ધુમાડો નીકળતો દેખાયો હતો.બે કિલોમીટર દૂરથી ધુમાડા સ્પષ્ટ દેખાતા હતા. કેમિકલ્સ અને કાપડનો જથ્થો હોવાને કારણે ધુમાડો મોટા પ્રમાણમાં નીકળતો હોય છે. જે પ્રકારે આગ શરૂઆતમાં દેખાઈ હતી તે જોતા સ્વાભાવિક રીતે જ કામદારોમાં ભય પણ દેખાયો હતો.
પાંડેસરા જીઆઇડીસીમાં સવારના સમયે લગભગ તમામ ડાઇંગ અને પ્રોસેસિંગ મિલો શરૂ થઈ જતી હોય છે. પ્રતીક ડાઇંગ મિલમાં સવારે અંદાજે 100 જેટલા કામદારો કામ કરી રહ્યા હતા. એકાએક જ સેન્ટ્રલ મશીનમાંથી ધુમાડો નીકળવાનો શરૂ થતા કામદારો ફેક્ટરીની બહાર દોડી આવ્યા હતા. જેને કારણે કોઈ જાનહાનિ થઈ નથી.