Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પર્વ અને પરંપરા: સોમવારે ગુજરાતના કવાંટ અને મધ્ય પ્રદેશમાં બે સ્થળે ભરાશે ભંગોરિયાના હોળી મેળાઓ: હકડેઠઠ્ઠ માનવ મહેરામણ ઉમટશે

પર્વ અને પરંપરા: સોમવારે ગુજરાતના કવાંટ અને મધ્ય પ્રદેશમાં બે સ્થળે ભરાશે ભંગોરિયાના હોળી મેળાઓ: હકડેઠઠ્ઠ માનવ મહેરામણ ઉમટશે
, સોમવાર, 14 માર્ચ 2022 (13:24 IST)
પર્વ અને પરંપરા: હોળી મેળાઓમાં આદિવાસીઓ ગુજરાત અને મધ્ય પ્રદેશનો ભેદ ભૂલીને મહાલે છે રોટી બેટી વ્યવહારોને સરહદ નો કોઈ વાંધો નડતો નથી
 
પર્વ અને પરંપરા: સરહદ રાજ્યોને જુદાં પાડે છે લોક સંસ્કૃતિ રિવાજો પરંપરા પહેરવેશ ઉત્સવો એ જુદાઈ વળોટીને લોકોને જોડાયેલા રાખે છે
 
નદીયાં પવન કે ઝોંકે..કોઈ સરહદના ઇન્હેં રોકેં... જો કે સરહદની આ અદ્રશ્ય રેખાઓ લોક સમુદાયોની બોલી,સંસ્કૃતિ, પરંપરાઓ,વિધિવિધાનો,તહેવારો,ઉત્સવો, મેળાઓ,સંગીત,નૃત્ય અને ગીતો,પહેરવેશ અને આભૂષણો ને જુદાં પાડી શકતી નથી. જેનું બોલકું ઉદાહરણ પૂર્વ પટ્ટીના છોટાઉદેપુર અને મધ્ય પ્રદેશના અલીરાજપુર,ઝાબુઆ ક્ષેત્રોમાં હોળીના તહેવારો ના ભાગરૂપે યોજાતા હોળી મેળાઓ છે જેમાં સરહદના ભેદ વગર બંને રાજ્યોના આદિજાતિ સમુદાયો હરખભેર સાથે મળીને માણે છે.આ આદિજાતિ ક્ષેત્રોના હોળી મેળાઓમાં ભંગોરિયા કે ભગુરિયાના નામે ઓળખાતા  હોળી પહેલાના સાપ્તાહિક હાટ,હોળી પછી ભરાતા ગેરના મેળાઓ અને ચૂલના મેળાઓ નો સમાવેશ થાય છે.
 
આજે સોમવારે (તા.૧૪/૦૩)ના રોજ ગુજરાતના કવાંટ ની સાથે મધ્ય પ્રદેશના અલીરાજપુર અને ભાભરા ( વીર ચંદ્રશેખર આઝાદનું જન્મ સ્થળ) ખાતે સાપ્તાહિક હાટ પ્રસંગે ભંગોરિયાના ઢોલના તાલે અને વાંહળી ના નાદે નૃત્યની મસ્તીમાં ઝૂમતા હોળી મેળાઓ ભરાવાના છે. દશેરાના મેળા પછી પિહવા વગાડવાનું બંધ કરીને વાંહળી વગાડવામાં આવે છે. દિવાસા થી પીહવા અને અખાત્રીજ થી ઘાઘરી નામનું વાદ્ય વગાડવા માં આવે છે.
 
કવાંટનું ભંગોરિયું અને હોળીના ધુળેટી પછીના દિવસે યોજાતી ગેર મુલ્ક મશહૂર છે જેનું શ્રેય એક સમયે આદિજાતિ કલ્યાણ પ્રવૃત્તિઓ થી ધમધમતા રંગપુર( કવાંટ) ના આનંદ નિકેતન આશ્રમ ને જાય છે જેને લીધે વિશ્વના લોક સંસ્કૃતિ સંશોધકો એક સમયે આ મેળાઓ માણતા અને તેનું ડોક્યુમેન્ટેશન કરતા. સૂત્રો પાસે થી મળતી જાણકારી પ્રમાણે આ વર્ષે ભંગોરિયા ના હોળી હાટો ની શરૂઆત ૧૧ મી માર્ચ થી થઈ હતી અને તા.૧૭ મી માર્ચ સુધીમાં સરહદની બંને બાજુના ગામો/ નગરોમાં ૨૫ જેટલા ભંગોરિયા ભરાઈ રહ્યાં છે.
 
પૂર્વ સંયુક્ત માહિતી નિયામક અને સમૃદ્ધ આદિજાતિ સંસ્કૃતિના ઊંડા અભ્યાસી ભાવસિંહ રાઠવા જણાવે છે કે મધ્યપ્રદેશ અને ગુજરાત નો સરહદી છોટાઉદેપુર જિલ્લો મોટા ભાગે આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે, હોળી ની અગાઉ એક સપ્તાહ પહેલા આ વિસ્તારમાં ભંગોરીયા હાટ ની શરૂઆત થઈ જતી હોય છે.
 
ભંગોરીયા એ કોઇ તહેવાર કે મેળા નહીં પણ હોળી ના અગાઉ ના સપ્તાહ માં જે સ્થળે અઠવાડિક હાટ ભરાય છે તે જ સ્થળે હોળીના તહેવાર માટે ની ખરીદી માટે ભરાતો પારંપારિક વિશેષ હાટ છે, જેમાં અહીંના આદિવાસી લોકો હોળી પર્વ માટેની જીવન જરૂરિયાતની વસ્તુઓ ઉપરાંત હોળી ના તહેવાર માટે ની વિશેષ ખરીદી માટે ઉમટી પડતા હોય છે, સાથે આદિવાસી વાજિંત્રો વાંસળી તથા મોટલા(ખૂબ મોટા જંગી કદ ધરાવતા) ઢોલ અને કરતાલ ના તાલે નાચગાન કરીને હોળી પૂર્વે ના ભંગોરીયા હાટ ની મોજ માણતા હોય છે.
 
પહેરવેશ અને ઘરેણાંની વિશેષતા.....
ખાસ કરીને જુવાનિયાઓ અને  પહેરવા માટે એક જ ડિઝાઈને તૈયાર કરવામાં આવેલા કપડાં ઉપરાંત આદિવાસી યુવતી ઓ એકજ ડિઝાઇનના કપડાં ઉપરાંત પારંપારિક આભૂષણો જેવા કે ચાંદીના હાર, ચાંદીની હાંહડી,ચાંદીના કલ્લાં ( કડીવાળાં અને મૂંડળીયા, એમ બે પ્રકારના) ચાંદી ના કડાં, ચાંદીના આંમળીયા, ચાંદીના પાંચીયા, ચાંદીના બાહટીયાં, ચાંદીની હાંકળી(સાંકળી), ચાંદીના  કહળા (કંદોરા), કેડ ઝૂડો, ચાંદીના લોળીયા, ચાંદીના વિટલા, ચાંદીની ફાંસી વગેરે ખાસ કરીને ચાંદીના જ આભૂષણો નો ભરપૂર ઉપયોગ કરતા હોય છે.
 
પુરુષોના આભૂષણો...
જ્યારે આદિવાસી યુવાનો ચાંદીના ભોરીયાં, ચાંદીના કડાં ચાંદીના કાંટલા (બટન) ,ચાંદીની કિકરી, કહળો (કંદોરા)વગેરે આભૂષણો થી સજ્જ થઈ ને ભંગોરીયા હાટ ની મજા માણવા ઉમટી પડે છે.
 
એક સરખો પહેરવેશ જે તે ગામની ઓળખ બને છે
એક જ ડિઝાઇન ના પહેરવેશ માં સજ્જ પોતાના ગામ કે પોતાના ફળીયા ની એક પ્રકારની એકતા અને વિશેષતા બતાવવા નો પ્રયાસ કરાતો હોય છે, એક જ ડિઝાઇન કે એક જ રંગ ના કપડાં પહેરવા  નો હેતુ એ પણ રહેલો છે કે ભંગોરીયા હાટની  મોટી ભીડમાં પોતાનો સાથી કે પોતાની સખી ક્યાંક અટવાય કે ભૂલા ન પડે અને ક્યાંક ભૂલા પડી ગયા હોય ત્યારે સરળતાથી મળી જાય..!
 
ભંગોરીયા હાટ માં આદિવાસી ઓ પોતાના પરંપરાગત આદિવાસી પહેરવેશ માં સજ્જ થઇ પોતાની આગવી ઓળખ અને પોતાની બેનમૂન આદિવાસી સંસ્કૃતિ ની ઝાંખી કરાવતાં હોય છે,અને આદિવાસી સંસ્કૃતિ ને ઉજાગર અને જીવંત રાખવા નો પ્રયાસ કરતા હોય છે.
 
ખરીદીનો અવસર બને છે આ મેળા....
ભંગોરીયા હાટ માં હોળી ની ખરીદી ઉપરાંત મોટલા ઢોલ અને વાંહળીઓ ખડખળીસ્યા તેમજ તેમની ઓળખ સમા તીરકાંમઠા અને ધારીયાં -પાળીયાં સાથે ગામેગામ થી ઉમટેલા લોકો આકર્ષક પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને એકમેક બની નાચગાન કરી ખુબ આનંદ  લૂટતા હોય છે.ટીમલી નૃત્યની રમઝટ જામે ત્યારે રસ્તો પસાર કરી સામે જવાનું પણ અઘરું પડે. આમ, ભંગોરીયા હાટ એ પૂરા વર્ષ દરમ્યાન પોતાના કામમાં વ્યસ્ત બની રહેતા અહીં ના આદિવાસી લોકો માટે હળવાશ અનુભવી આનંદ ઉત્સાહ મનાવવા માટેનો અવસર બને છે.
 
તેમનું કહેવું છે કે છોટાઉદેપુર જિલ્લાના  આદિવાસી ઓ અને મધ્યપ્રદેશ ના અલીરાજપુર જિલ્લા ના ગુજરાત સરહદી વિસ્તારોમાં વસતા આદિવાસી ઓ એક જ સમુદાયના આદિવાસી ઓ છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસી ઓ ખાસ કરીને રાઠવા આદિવાસીઓ તરીકેની ઓળખ ધરાવે છે, જ્યારે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લા ના આદિવાસીઓ ખાસ કરીને ભિલાલા આદિવાસી તરીકે ની ઓળખ ધરાવે છે, આમ મધ્યપ્રદેશ અને ગુજરાત સરહદી ગામો માં વસતા આદિવાસીઓ એક જ સમુદાયમાથી આવતા હોઈ,  તેઓ ની સંસ્કૃતિ પરંપરાઓ રિત-રિવાજ અને રહેણી કરણી ભાષા બોલી પણ સમાન જોવા મળે છે , છોટાઉદેપુર અને મધ્યપ્રદેશ ગુજરાત સરહદી વિસ્તારોના આદિવાસીઓનો રોટી-બેટી નો વ્યવહાર પણ પ્રાચીન સમયથી ચાલતો આવે છે.
 
ભંગોરીયા હાટ માં મધ્યપ્રદેશ ના આદિવાસી લોકો ગુજરાતમાં પણ આવતા હોય છે તેજ પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓની ટુકડીઓ મધ્યપ્રદેશ ના ભંગોરીયા હાટ માં પણ ઉમટી પડતી હોય છે. અહીં આદિવાસીઓ હાટમાં ખરીદી ઉપરાંત ખેતી કામ માં વ્યસ્તતા માં થી હળવાશ અનુભવી એક બીજા ની ખબર અંતર પુછતા જોવા મળતા હોય છે જેના થી આત્મિયતા વધે છે.
 
ભાવસિંહભાઇ જણાવે છે કે આ વર્ષે  કોરોનાની સ્થિતિ માં સુધારો થતાં ભંગોરીયા ની રોનક પાછી ફરી છે અને હાટમાં હકડેઠઠ મેદની ઉમટી રહી છે. આમ, છોટાઉદેપુર જિલ્લામાં તેમજ ગુજરાત સરહદી મધ્યપ્રદેશ રાજ્ય ના સરહદી વિસ્તારોમાં હોળી અગાઉ  અહીં ના આદિવાસી ઓ પોતાની અનોખી અને અતિ પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરા ઓ ઉજાગર કરતા  હોય છે. પરંપરાગત રીતે યોજાતા ભંગોરીયા હાટનુ આ વિસ્તારના આદિવાસી ઓમાં અનેરુ મહત્વ  છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ વર્ષે પણ અમદાવાદીઓ કલબમાં હોળીની ઉજવણી નહી કરી શકે