Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં વરસાદ ખેંચાતા ચોમાસુ વાવેતર નિષ્ફળ જવાની ભિતી, સિંચાઈ માટે ખેડૂતોની પાણીની માંગ

rain in ahmedabad
અમદાવાદઃ , સોમવાર, 28 ઑગસ્ટ 2023 (18:39 IST)
વરસાદ ખેંચાતા ઉત્તર અને મધ્ય ગુજરાતના જળાશયોમાં પણ પાણીની કટોકટી ઉભી થવાના એંધાણ
 
વરસાદે દસ્તક નહીં દેતા હાલ બાજરી, મગફળી, જુવાર, ગુવાર સહિતના ચોમાસુ પાકમાં ભારે નુકસાન જવાની ભીતિ
 
ગુજરાતમાં બિપરજોય વાવાઝોડા બાદ સમગ્ર રાજ્યને મેઘરાજાએ ધમરોળી નાંખ્યું હતું. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં જળબંબાકાર જેવી સ્થિતિ હતી. બીજી બાજુ ઓગસ્ટ મહિનો આખો કોરો ધાકોર જતાં ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે. વરસાદ ખેંચાતા ચોમાસુ વાવેતર નિષ્ફળ જવાની ભિતી ખેડૂતોને સતાવી રહી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ ઓછો થવાથી પાણીની તંગી વર્તાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને સરહદી ગામડાઓમાં પાણીનો પોકાર સર્જાયો છે. ખેડૂતોએ સરકાર પાસે 10 કલાક વીજળી અથવા તો તળાવ ભરવા માટે કેનાલથી પાણી આપવાની માંગ કરી છે. રાજ્યમાં 28 ઈંચ વરસાદ જ થયો છે. ત્યારે હજી વરસાદની ઘટ હોવાથી પશુપાલકો અને ખેડૂતોમાં ચિંતા સળવળી રહી છે. 
 
ચોમાસુ પાકમાં ભારે નુકસાન જવાની ભીતિ 
બનાસકાંઠા જિલ્લામાં વરસાદે વિરામ લેતા ખેડૂતોની પરિસ્થિતિ દયનિય બની છે.  છેલ્લા દોઢ મહિનાથી વરસાદ ન વરસતા ચોમાસુ સિઝનમાં વાવેતર કરેલો પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. ખેડૂતોની માંગ છે કે વીજળી 10 કલાક આપવામાં આવે અથવા તો પિયતના પાણી માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે.બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી માત્ર 72 ટકા વરસાદ વરસતા હાલ પરિસ્થિતિ દયનિય બની છે. ચોમાસુ સિઝનનું વાવેતર કર્યાના દોઢ મહિનો પસાર થયો છતાં પણ વરસાદે દસ્તક નહીં દેતા હાલ બાજરી, મગફળી, જુવાર, ગુવાર સહિતના ચોમાસુ પાકમાં ભારે નુકસાન જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. 
 
દૂધ સાગર ડેરીના ચેરમેને મુખ્યમંત્રીને પત્ર લખ્યો
ખેડૂતોની માંગ છે કે  પાણીના તળ 1000 થી 1200 ફૂટ ઊંડા જતા ખેડૂતોને પાણી ખેંચવા ડબલ મોટરનો માર થાય છે. જેથી સરકાર દ્વારા 10 કલાક વીજળી આપવામાં આવે અથવા તો પિયત માટેના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. ધાનેરાના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં પણ વરસાદ ના આવતા હાલ વાવેતર કરેલો પાક સુકાઈ જવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે. સરકારે તળાવ ભરવા માટે કેનાલ દ્વારા પાણી પુરૂ પાડવાની વ્યવસ્થા કરવી જોઈએ તેવું ખેડૂતોનું કહેવું છે. બીજી તરફ સમગ્ર ઉત્તર ગુજરાતમાં પાણીની કટોકટી શરૂ થાય તેવા એંધાણ દેખાઈ રહ્યાં છે. દૂધ સાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે ઉત્તર ગુજરાતમાં પાણી આપવાની માંગ કરી છે. વરસાદ ખેંચાતા પશુપાલકો અને ખેડૂતોની હાલત કફોડી બનતાં તેમણે પાણી આપવાની રજૂઆત કરી છે. 
 
ખેડૂતોએ સરકાર પાસે પિયત માટેના પાણીની માંગ કરી
રાજ્યમાં અત્યારસુધી સરેરાશ 28 ઈંચ સાથે મોસમનો 80 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્ય માટે આખો ઓગસ્ટ મહિનો કોરો ધાકોર રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું કે, જૂન જુલાઇમાં વરસાદ સારો રહ્યો છે. જેના કારણે પાણીની અછત જોવા મળી રહી નથી. પરંતુ ખેડૂતોને પિયત માટે જોઇતા વરસાદી પાણીમાં ઘટ જોવા મળી છે. ઓગસ્ટ કોરો ગયો પણ જો સપ્ટેમ્બરમાં વરસાદ નહીં થાય તો પાણીની ભયંકર તંગી સર્જાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં પાણીનો પોકાર શરૂ થયો છે. વરસાદ વધુ ખેંચાશે તો ધરતીપુત્રોની હાલત કફોડી થશે. જેથી ખેડૂતોએ સરકાર પાસે પિયત માટે કેનાલ દ્વારા પાણીની માંગ કરી છે. 
 
વરસાદ ખેંચાશે તો ખેડૂતોની હાલત કફોડી થશે
રાજ્યમાં 27 ઓગસ્ટ સુધીમાં 28 ઈંચ સાથે 81 ટકા વરસાદ થયો છે. પરંતુ હજુ વરસાદની ઘટ સાલી રહી છે. બિપરજોય વાવાઝોડા બાદ વરસાદે રાજ્યને ધમરોળવાનું શરૂ કર્યું હતું અને કાયમ કોરા ધાકોર રહેતા કચ્છમાં જળબંબાકારની સ્થિતિ સર્જી નાંખી હતી. સૌરાષ્ટ્રમાં પણ વરસાદે સદી ફટકારી છે. સૌરાષ્ટ્રમાં ગઈકાલ સુધીમાં 110 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 73.60 ટકા વરસાદ થયો છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની ખોટ વર્તાઈ છે. ઉત્તર ગુજરાતમાં 67.96 અને મધ્ય ગુજરાતમાં 66.19 ટકા જ વરસાદ થયો છે. જો હજુ વરસાદ ખેંચાશે તો ખેડૂતોની હાલત કફોડી થશે. 
 
207 જળાશયોમાં 75.97 ટકા પાણીનો જથ્થો
રાજ્યના ડેમમાં પાણીના જથ્થાની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 74.19, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 48.85, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 78.30, કચ્છના 20 જળાશયોમાં 63.89 અને સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 83.38 ટકા પાણીનો જથ્થો છે. સરદાર સરોવરની વાત કરીએ તો હાલ ડેમમાં 79.96 ટકા પાણીનો જથ્થો છે. રાજ્યના 207 જળાશયોમાં 76.22 ટકા પાણીનો જથ્થો છે. ઓગસ્ટમાં વરસાદ ખેંચાયો હોવા છતાં 90 ટકાથી વધુ ભરાયેલા 93 જળાશયો હાઈ એલર્ટ પર છે. જ્યારે 80 ટકાથી વધુ ભરાયેલા 26 જળાશયો એલર્ટ પર છે. તે ઉપરાંત 70 ટકાથી વધુ ભરાયેલા 15 જળાશયો વોર્નિંગ પર છે. જ્યારે 72 જળાશયોમાં 70 ટકાથી ઓછું પાણી છે. 
 
13 સપ્ટોમ્બરે ઉનાળાનો અહેસાસ થાય તેવી ગરમી પડશે
રાજ્યમાં ઓગસ્ટ મહિનો આખો કોરો ગયો છે. માત્ર છુટા છવાયા ઝાપટા પડી રહ્યાં છે. પરંતુ વરસાદની આગાહી અંગે સ્થાનિક હવામાન વિભાગ દ્વારા કોઈ આગાહી કરવામાં આવી નથી. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મીડિયાને જણાવ્યું કે, હાલ રાજ્યમાં સારા વરસાદની શક્યતા નહીવત છે. 27થી 30 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા ઝાપટાં પડશે.સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં સારા વરસાદની શક્યતા છે. 13 સપ્ટોમ્બરે ઉનાળાનો અહેસાસ થાય તેવી ગરમી પડશે. 25 ઓક્ટોબર સુધી ગરમી રહેવાની શક્યતા છે. ગુજરાતમાં જૂન અને જુલાઈ મહિનામાં શ્રીકાર વરસાદ વરસ્યો હતો. આ બે મહિનામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો મેઘરાજાને ખમૈયા કહેવું પડે એવો તોફાની વરસાદ જોવા મળ્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને ઝટકો, અમદાવાદ મેટ્રો કોર્ટે સમન્સ ઈશ્યુ કર્યું