Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મહેસાણાના બેચરાજીમાં ડુપ્લિકેટ માર્કશીટનું કૌભાંડ ઝડપાયું, LCBએ બે આરોપીઓને ઝડપી પાડ્યા

fake marksheet scam
મહેસાણા , શનિવાર, 15 જુલાઈ 2023 (11:14 IST)
fake marksheet scam
 
ધોરણ 10-12, ITI અને ડિપ્લોમામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને માર્કશીટમાં સુધારો કરી આપતા હતાં
આરોપીઓએ બે માસમાં 50થી વધુ વિદ્યાર્થીને ધોરણ 10થી માંડી ITI સુધીની નકલી માર્કશીટ બનાવી આપી
 
  બેચરાજીમાં બે યુવકો દુકાન ભાડે રાખીને ધોરણ 10-12, ITI અને ડિપ્લોમામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને માર્કશીટમાં સુધારો કરી આપી ગેરકાયદે પ્રવૃત્તિ કરતાં ઝડપાયા છે. આ બંને યુવકોએ છેલ્લા બે મહિનામાં 50થી વધુ વિદ્યાર્થીઓને નકલી માર્કશીટ બનાવી આપી છે. સુત્રો એવું પણ જણાવી રહ્યાં છે કે, કેટલાક વિદ્યાર્થીઓ નકલી માર્કશીટને આધારે અલગ અલગ કંપનીમાં નોકરીએ પણ લાગી ગયાં છે. આ માર્કશીટો બનાવવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં અનેક ચર્ચાઓ જાગી હતી. યુવક વીડિયોમાં 'હું જ પ્રિન્સિપાલ, હું જ ટીચર' છું', એમ કહીને વિદ્યાર્થીઓને નકલી માર્કશીટ બનાવી વેચતો હતો. 
 
કામના બદલે તે 1500 રૂપિયા ચાર્જ પણ લેતો
મહેસાણા જિલ્લાના બેચરાજી ખાતે આદિત્ય કોમ્પ્લેક્સમાં અંબિકા ઝેરોક્સ નામની દુકાનમાં કેટલાક ઈસમો નકલી માર્કશીટ બનાવવાનું કામ કરતા હોવાની મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી. બાતમીને આધારે પોલીસે દુકાનમાં તપાસ દરમિયાન કોમ્પ્યુટરમાંથી ઓરિજિનલ માર્કશીટ મૂકી હતી, જેને એડિટિંગ કરી અન્ય વિદ્યાર્થીઓનાં નામો એડ કરી તેમને 1500 રૂપિયામાં નકલી માર્કશીટ આપવામાં આવતી હોવાની સામે આવ્યું છે. શંખલપુરમાં રહેતો કુલદીપ પરમાર પોતાના કોમ્પ્યુટરમાં એક ફોલ્ડરમાં ઓરિજિનલ ધોરણ 10, ધોરણ 12, ITI, ડિપ્લોમાં સુધીની માર્કશીટ રાખતો અને જે વિદ્યાર્થીઓને માર્કશીટ ના હોય તેમને અને નાપાસ થયેલા વિદ્યાર્થીઓનાં નામ ઓરિજિનલ માર્કશીટમાં એડ કરી વેચતો હતો.  પોલીસ-તપાસ દરમિયાન સામે આવ્યું કે કુલદીપે બે માસમાં 50થી વધુ વિદ્યાર્થીને ધોરણ 10થી માંડી ITI સુધીની નકલી માર્કશીટ બનાવી આપી છે. આ કામના બદલે તે 1500 રૂપિયા ચાર્જ પણ લેતો હતો. 
 
કુલ રૂ. 86,400નો મુદ્દામાલ જપ્ત કર્યો 
જોકે રેડ દરમિયાન મહેસાણા LCB ટીમે કુલદીપ પરમાર અને વિજય સિંહ લક્ષમણ સિંહને ઝડપી પાડ્યા હતા.સમગ્ર કૌભાંડમાં કુલદીપની ઓફિસમાં તપાસ દરમિયાન આઠ વિદ્યાર્થીનાં સર્ટિફિકેટ અને માર્કશીટ મળ્યાં હતાં. દુકાનમાં તપાસ દરમિયાન માર્કશીટ કાઢવા કેન્ટ કંપનીના હાઈ ગ્લોસી ફોટો પેપર નંગ 15 તેમજ કોમ્પ્યુટર સહિતનાં સાધનો મળી કુલ રૂ. 86,400નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં પૂરતો અભ્યાસ ના કર્યો હોય અને પ્રામાણિકતા ન ધરાવતા કેટલાક વિદ્યાર્થીઓને કુલદીપે નકલી માર્કશીટ અને સર્ટિફિકટ બનાવી આપ્યા હતા. એમાં કેટલાક વિદ્યાર્થીઓ આજ માર્કશીટના આધારે બેચરાજી ખાતે આવેલી નામાંકિત કંપનીમાં નોકરીએ પણ લાગી ગયા હોવાનું સામે આવ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Surat News - સુરતમાં ટપોરીઓનું જાહેરમાં સરઘસ