સૌરાષ્ટ્રમાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો છે. સૌરાષ્ટ્રમાં આવેલા માળીયાહાટીના સહિત અનેક ગામોમાં ભૂકંપનો આંચકો આવ્યો છે. જુનાગઢ જિલ્લાના કેશોદ, માળિયા , માંગરોળ, માણાવદર પંથકમાં 6.24 વાગ્યે ધરતીકંપનો આંચકો આવ્યો છે. 3.5 તીવ્રતાનો આંચકો નોંધાયો છે.અચાનક જ ભૂકંપનો આંચકો આવતા લોકો ભયભીત થયા હતા. ભૂકંપનો આંચકો અનુભવતા લોકો પોતાના ઘરની બહાર દોડી ગયા હતા.
જુનાગઢ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડિઝાસ્ટર ઓફિસર ક્રતુ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આજે સાંજના 6:30 વાગ્યે માળીયા તેમજ આસપાસ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેને લઇ ગાંધીનગર ઇન્સ્ટિટયૂટ ઓફ લોજિકલ રિસર્ચ સેન્ટરનો સંપર્ક કર્યો હતો અને જ્યાંથી માંગરોળથી 27 કિલોમીટર દૂર 3.5 તીવ્રતાનો આંચકો આવેલાનું જણાવ્યું હતું.
ભૂકંપને લઈ કોઈપણ નુકસાની થઈ નથી
ભૂકંપના આંચકાને લઈ જુનાગઢ ડિઝાસ્ટર ટીમ દ્વારા માંગરોળ માળિયા, કેશોદ ,મેંદરડા, માણાવદર તેમજ આસપાસના વિસ્તારોમાં પરિસ્થિતિ જાણવા મામલતદારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારે હાલ ભૂકંપને લઈ પંથકમાં કોઈપણ નુકસાની થઈ નથી.