Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દૂધ સંજીવની યોજના હેઠળ છેલ્લા 10 વર્ષમાં 87 લાખ લાભાર્થીઓને ફ્લેવર્ડ દૂધનો લાભ અપાયો

દૂધ સંજીવની યોજના હેઠળ છેલ્લા 10 વર્ષમાં 87 લાખ લાભાર્થીઓને ફ્લેવર્ડ દૂધનો લાભ અપાયો
, બુધવાર, 7 ઑગસ્ટ 2024 (18:05 IST)
ગુજરાતના આદિજાતિ વિસ્તારોની મહિલા અને બાળકોમાં પોષણની સ્થિતિ સુધારવા માટે દૂધ સંજીવની યોજના શરૂ કરવામાં આવી હતી. આજે લાખો આદિજાતિ મહિલાઓ અને બાળકો દૂધ સંજીવની યોજનાનો લાભ મેળવી રહ્યા છે. છેલ્લા 10 વર્ષમાં એટલે કે વર્ષ 2014-15થી 2023-24 સુધીમાં દૂધ સંજીવની યોજના હેઠળ કુલ 87 લાખ 89 હજારથી વધારે લાભાર્થીઓને ફ્લેવર્ડ દૂધનો લાભ મળ્યો છે. આ ઉપરાંત રાજ્યના 5 જિલ્લાઓના માત્ર 10 આદિજાતિ ઘટકોમાં શરૂ કરવામાં આવેલી પોષણ સુધા યોજનાનો રાજ્યના તમામ 14 આદિજાતિ જિલ્લાઓના 106 ઘટકોમાં લાભ આપવામાં આવી રહ્યો છે. છેલ્લા એક દાયકામાં આદિજાતિ વિસ્તારોના 90,249 લાભાર્થીઓને આ યોજના હેઠળ પોષણક્ષમ આહારનો લાભ આપવામાં આવ્યો છે.
 
ધાત્રી માતાઓમાં પોષણની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો 
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી મોદીએ 24 ડિસેમ્બર 2009ના રોજ ‘દૂધ સંજીવની યોજના’ શરૂ કરી હતી, જેનો હેતુ આદિજાતિ બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણ સ્તરમાં સુધારો કરવાનો છે. આ યોજના હેઠળ આંગણવાડી કેન્દ્રના 6 માસથી 6 વર્ષના બાળકોને અઠવાડિયામાં 5 દિવસ 100 મિલી અને સગર્ભા, ધાત્રી માતાઓને અઠવાડિયામાં 2 દિવસ 200 મિલી ફોર્ટિફાઇડ ફ્લેવર્ડ દૂધ આપવામાં આવે છે. આ યોજના હેઠળ છેલ્લા 10 વર્ષોમાં કુલ 12,021 કરોડના ખર્ચે 87,89,105 જેટલા લાભાર્થીઓને ફોર્ટિફાઇડ ફ્લેવર્ડ દૂધનો લાભ આપવામાં આવ્યો છે. હાલ સમગ્ર રાજ્યમાં 10 લાખથી વધુ લાભાર્થીઓ આ યોજના અંતર્ગત લાભ મેળવી રહ્યા છે. આદિજાતિ વિસ્તારોમાં દૂધ સંજીવની યોજનાના પરિણામે ભૂલકાંઓ, સગર્ભા અને ધાત્રી માતાઓમાં પોષણની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે.  
 
માતા અને નવજાત માટે વરદાન બની ‘પોષણ સુધા યોજના
માતાના ગર્ભમાં રહેલ શિશુ માટે તેમજ જન્મ બાદ તેને સ્તનપાન કરાવવા માટે માતાને વધુ પ્રમાણમાં પોષણની જરૂરિયાત રહે છે. આ જરૂરિયાતને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે 18 જૂન 2022ના રોજ પોષણ સુધા યોજના એટલે કે સ્પોટ ફીડિંગ પ્રોગ્રામ શરૂ કર્યો હતો. આ યોજનાનો ઉદ્દેશ રાજ્યના તમામ આદિજાતી જિલ્લાઓના તમામ આદિજાતી તાલુકાઓમાં આંગણવાડી કેન્દ્રોમાં નોંધાયેલ સગર્ભા અને ધાત્રી માતાઓમાં પોષણની સ્થિતિ સુધારવાનો, પાંડુરોગવાળા તેમજ જન્મ સમયે ઓછા વજનવાળા બાળકોનાં દરમાં ઘટાડો કરવાનો અને પ્રસૂતિના પરિણામોમાં સુધારો લાવવાનો છે. પોષણ સુધા યોજના અંતર્ગત આંગણવાડી ઉપર નોંધાયેલ સગર્ભા અને ધાત્રી માતાઓને એક વખતનું સંપૂર્ણ પોષણક્ષમ ભોજન આપવામાં આવે છે. આ સાથે આયર્ન અને કેલ્શિયમની ગોળીઓ તેમજ આરોગ્ય અને પોષણ અંગે શિક્ષણ આપવામાં આવે છે.વર્ષ 2023-24માં 90,249 સગર્ભા અને ધાત્રી માતાઓને આ યોજના હેઠળ પોષણક્ષમ ભોજનનો લાભ આપવામાં આવ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નેપાળમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં 5 લોકોના મોત, જાણો કેવી રીતે થયો અકસ્માત