પવિત્ર શ્રાવણ માસના આજે અંતિમ દિવસ સોમવારથી ભાવિકો સોમનાથ મહાદેવના શિવલિંગને સ્વહસ્તે જળાભિષેક કરતા હોય તેવી અનુભૂતિ કરાવતા વર્ચ્યુઅલ 4 ડી પ્રોજેકટની શરૂઆત કરવામાં આવી છે. આ 4 ડી પ્રોજેકટ થકી શિવભકતો વાસ્તવીક રીતે મહાદેવના જળ ચડાવતા હોવાની અનુભુતિ સાથે યાદગીરી રૂપે તેનો ફોટો પડાવી લઇ જઇ શકે તેવી સુવિઘા ઉપલબ્ઘ કરાવાવમાં આવી છે. આજથી જગવિખ્યાત સોમનાથ મંદિરના સાંનિઘ્યે શિવભકતો માટે નવી સુવિઘાનો પ્રાંરભ કરવામાં આવેલ છે. જે અંગે સોમનાથ ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવેલ કે, સોમનાથ મંદિરના ગર્ભગૃહમાં પૂજારીઓ સિવાય કોઇને પ્રવેશ કરવાની પરવાનગી નથી. જેથી સામાન્ય ભાવિકો સોમનાથ મહાદેવના શિવલિંગને સ્વહસ્તે જળાભિષેક કરી શકતા નથી. ત્યારે ભાવિકો સ્વહસ્તે સોમનાથના શિવલિંગ પર જળાભિષેક કરતા હોય તેવી અનુભૂતિ કરી શકે તે માટે ખાસ વર્ચ્યુઅલ 4 ડી પ્રોજેકટ તૈયાર કરવામાં આવેલ છે.સોમનાથ મંદિર પરિસરમાં આવેલા ક્લોકરૂમની બાજુના એક રૂમમાં આ સુવિધા માટે જરુરી વ્યવસ્થા ઉભી કરવામા આવી છે. આ સુવિધા માટે કોઈ ચાર્જ નક્કી કરવામા આવ્યો નથી. ભાવિકે જળાભિષેક કરતા હોય તેવો ફોટો યાદગીરી રૂપે મેળવવા માટે રૂપિયા 150નો ચાર્જ ચુકવવાનો રહેશે. ભાવિકને અહીં ગણતરીના સમયમાં જ ફોટોગ્રાફ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામા આવી છે.સોમનાથ મહાદેવના શિવલિંગ પર ભાવિકો સ્વહસ્તે જળાભિષેક કરી શકે તે માટે 4 ડી પ્રોજેકટ એક હજાર સ્કવેર ફીટની જગ્યાવાળા રૂમમાં કાર્યરત કરાયેલ છે. રૂમમાં 360 ડીગ્રીની સુવિઘાવાળો હાઇ રીઝોલ્યુશનની સુવિઘાવાળો કેમેરો, એક મોટી ટીવી સ્ક્રીન અને એક કળશ ગોઠવી મંદિરના ગર્ભગૃહ જેવો સેટ ઉભો કરવામાં આવેલ છે. જેમાં સામેની દીવાલમાં રખાયેલ ટીવી સ્ક્રીનમાં સોમનાથ મંદિરનું ગર્ભગૃહ અને શિવલીંગ દર્શાવતી તસ્વીર હશે જેની આગળ નીચે જમીનમાં એક કળશ રાખવામાં આવેલ છે. કળશથી સાઇડમાં થોડે દૂર ઉભી ભાવિકો જળાભિષેક કરશે ત્યારે તેમનું જળ નીચે રખાયેલ કળશમાં જશે પરંતુ 360 ડીગ્રીની સુવિઘાવાળા કેમેરામાં તે ર્દશ્ય શિવલીંગ પર જળાભિષેક થતુ હોય તેવું કેદ થશે. આમ, 4 ડી ટેકનીક થકી શિવભકતો સ્વહસ્તે સોમનાથના શિવલિંગ પર જળાભિષેક કરતા હોય તેવી અનુભૂતિ કરી શકશે. આ અનુભૂતિને કાયમી યાદગીરી રાખવા માટે શિવભકતો ફોટોગ્રાફ યાદગીરીરૂપે લઇ જઇ શકે તેવી સુવિઘા રાખવામાં આવી છે. આ ઉપરાંત ફોટો પ્રીન્ટ લઇ જનાર ગુગલ પ્લેના ધોરણે તેને ઘરે પણ દર્શન જોઇ શકે છે.