Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતના આ શહેરમાં બનેલા પતંગોની આફ્રીકા,અમેરીકા સહિત લંડનમાં છે ડિમાન્ડ

ગુજરાતના આ શહેરમાં બનેલા પતંગોની આફ્રીકા,અમેરીકા સહિત લંડનમાં છે ડિમાન્ડ
, ગુરુવાર, 14 જાન્યુઆરી 2021 (12:55 IST)
આકાશમાં ઉડતી પતંગને જોઇને જ કદાચ મનુષ્‍ય પોતાની ઉડવાની ઇચ્‍છા સાકાર કરવા વિમાનની શોધ કરવા પ્રેરાયો હશે. પતંગનો ફેલાવો જાપાન,કોરીયા,થાઇલેન્‍ડ,બર્મા, ઉત્તર આફ્રીકા અને ચીન એમ દુનિયાના અનેક વિસ્‍તારોમાં થઇ ભારતમાં પ્રવેશ્‍યો અને આ પતંગ ભારતની સંસ્‍કૃતિમાં અને સભ્‍યતામાં ઉત્‍સવના રૂપમાં વણાઇ ગયો.આ ઉત્‍સવને સમગ્ર ભારત સહિત ગુજરાતમાં પણ ખુબ ઉત્‍સાહ પૂર્વક ઉજવવામાં આવે છે.
 
આણંદ જિલ્લાનું ખંભાત નગર પણ વર્ષોથી પતંગ ઉત્‍પાદન ક્ષેત્રે નામાકિંત છે. અહીના કારીગરોને પતંગ ઉત્‍પાદનની કલા ભલે પેઢી દર પેઢી વારસામાં મળી હોય પણ તેઓ કંઇક નવુ જ કરવાની પોતાની ઇચ્‍છા શક્‍તિના કારણે પતંગોને અધ્‍યતન રૂપરંગ અને આકાર આપવામાં અનેરા ઉત્‍સાહી છે.ખંભાત બનાવટની પતંગો  ગુજરાતના વિવિધ શહેરો ઉપરાંત અન્‍ય રાજ્‍યો સહિત સાત સમંદર પાર અમેરીકા,આફ્રીકા લંડન જેવા અનેક દેશોમાં પહોચી રહી છે.
 
પતંગ ઉદ્યોગ સાથે સંકળાયેલ ચુનારા અને મુસ્‍લીમ સમાજના લોકો સહિત બાર હજાર ઉપરાંતના કારીગરોને રોજગારીનો અવસર પુરો પાડે છે.ખંભાતના પતંગોનું ફીનીશીંગ ગુજરાત અને અન્‍ય રાજ્‍યોમાં ખુબ વખણાય છે. અહીયા બે ઇંચથી માડીને બાર ફૂટ સુધીના પતંગો એક રૂપિયાથી લઇને બે હજાર રૂપિયા સુધીની કિંમતના બને છે. ખંભાતમાં વિવિધ બાર જાતની પતંગો બને છે  જે આઠ પ્રકારની વિવિધ પ્રક્રીયામાંથી પસાર થાય છે. પતંગો માટેના વાંસ વલસાડ અને આસામથી મંગાવવામાં આવે છે તેમાથી ઢઢ્ઢો અને કમાન તૈયાર કરાય છે.
 
વાસને છોલી તેનુ સંતુલન જોઇ કમાન તૈયાર કરાય છે જેથી પતંગ હવામાં સ્‍થીર રહી શકે. એક કાગળમાંથી છ પતંગ,ત્રણ પતંગ બે કે ચાર પતંગ બને જેને અડધીયુ, પાવલુ, પોણીયુ કે આખુ કહેવાય  જ્‍યારે ચીલ, ઘેસીયો ચાંપટ, ગોળ અને સૂર્ય પતંગો પણ  વિવિધ કલરમાં ખંભાતમાં બનાવવામાં આવે છે.  ઉંદરો પતંગને કાતરી ન ખાય તે માટે મેદામાં મોરથુંથું  નાખવામાં આવે છે.  અઢાર સળી અને એક માન વાળો ગોળ પતંગ એક કારીગર એક દિવસમાં બનાવી શકે છે. 
 
હવે તો પતંગો બનાવવામાં પણ નિત નવી ટેકનોલોજીના ઉપયોગથી  પી.વી.સી. અને હલકા મેટલમાંથી પણ રંગબેરંગી પતંગો બનાવવામાં આવી રહ્યા છે.ખંભાતમાં ઉત્તરાયણના દિવસે,બીજા દિવસે અને ઉત્તરાયણ પછીના રવિવારે ખંભાતવાસીઓ દરીયાદેવના સાનિધ્‍યમાં ઉત્તરાયણ મનાવે છે. આમ ત્રણ વખત ઉત્તરાયણ મનાવવામાં આવે છે. અહી વર્ષે બે કરોડ ઉપરાંતના પતંગો તૈયાર કરવામાં આવે છે.  વાર્ષિક ચાર કરોડ જેટલુ ટર્ન ઓવર ખંભાતનો પતંગ ઉદ્યોગ ધરાવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બિહારમાં બર્ડ ફ્લૂનો ખતરો: મુઝફ્ફરપુરમાં મરઘાં પછી કાગડાઓ અને કબૂતર મરી ગયા, લોકો ગભરાયા