Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સર્પદંશથી થતા મૃત્યુ હવે ઘટશે: ગુજરાત સરકારની ખાસ યોજના, ધરમપુરમાં તૈયાર થયું દેશનું અદ્યતન 'સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ'

Snake Research Institute
Snake Research Institute
ગુજરાત સરકારે સાપ કરડવાથી થતા મૃત્યુદરને રોકવા માટે એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે રાજ્યની પ્રથમ સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SRI) કાર્યરત કરવામાં આવી છે, જે સ્થાનિક ઝેરી સાપના ઝેરમાંથી જ એન્ટિવેનોમ તૈયાર કરવામાં મદદરૂપ થશે.
 

સ્થાનિક એન્ટિવેનોમ કેમ જરૂરી?
 

ઇન્સ્ટિટ્યૂટના ઉપપ્રમુખ ડૉ. ડી.સી. પટેલે જણાવ્યું હતું કે, સાપના ઝેરની અસરમાં પ્રદેશ મુજબ તફાવત હોય છે. બીજા રાજ્યો કે દૂરના વિસ્તારોના સાપના ઝેરમાંથી બનેલું એન્ટિવેનોમ ઘણીવાર સ્થાનિક દર્દીઓ પર ઓછું અસરકારક સાબિત થાય છે. આ સમસ્યાના ઉકેલ માટે હવે ગુજરાતના જ સાપમાંથી ઝેર એકત્ર કરી એન્ટિવેનોમ બનાવવામાં આવશે, જેથી સારવાર વધુ સચોટ બનશે.
 
ધરમપુરની આ સંસ્થામાં સાપની માવજત અને ઝેર કાઢવાની સમગ્ર પ્રક્રિયા વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના નિર્ધારિત પ્રોટોકોલ અને માર્ગદર્શિકા મુજબ કરવામાં આવે છે. આધુનિક ટેકનોલોજીની મદદથી સાપના ઝેર પર પ્રક્રિયા કરી તેને પાવડર (Lyophilized) સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવે છે. ત્યારબાદ, આ ઉચ્ચ ગુણવત્તાયુક્ત પાવડરની ઇ-હરાજી કરી તેને લાઇસન્સ પ્રાપ્ત એન્ટિવેનોમ ઉત્પાદકોને વહેંચવામાં આવે છે, જેમના પાસેથી તૈયાર થયેલ એન્ટિવેનોમ સરકાર સીધું ખરીદીને રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં જરૂરિયાત મુજબ પહોંચાડશે.
 
આ સંશોધન કેન્દ્રમાં મુખ્યત્વે ગુજરાતના ચાર સૌથી ઝેરી સાપ - ઇન્ડિયન કોબ્રા (નાગ), કોમન ક્રેટ (કાળોતરો), રસેલ્સ વાઇપર (ખડચિતરો) અને સો-સ્કેલ્ડ વાઇપર (ફુરસો) પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ગુજરાતના જ સાપમાંથી એકત્ર કરેલા આ ઝેર દ્વારા તૈયાર થયેલું એન્ટિવેનોમ સ્થાનિક સર્પદંશના કિસ્સામાં અત્યંત અસરકારક સાબિત થશે, જેનાથી રાજ્યમાં સાપ કરડવાથી થતા મૃત્યુદરમાં મોટો ઘટાડો આવવાની આશા છે.
 
તાજેતરમાં થયેલી ઇ-હરાજીમાં ગુજરાતના સાપના ઝેરની ગુણવત્તા એટલી ઊંચી હતી કે કોબ્રાનું ઝેર ₹44,000 પ્રતિ ગ્રામ અને ફુરસાનું ઝેર રૂ.56,500 પ્રતિ ગ્રામ સુધીના ઊંચા ભાવે વેચાયું હતું.
 

મૃત્યુદરમાં આવશે મોટો ઘટાડો
 

ધરમપુરના જાણીતા સર્જન ડૉ. ડી.સી. પટેલ, જેઓ છેલ્લા 35 વર્ષથી 98% સફળતા દર સાથે સર્પદંશની સારવાર કરે છે, તેમના મતે આ સંસ્થા રાજ્ય માટે આશીર્વાદરૂપ બનશે. આ સંસ્થા ગાંધીનગર સ્થિત ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશન (GFRF) હેઠળ કાર્યરત છે. સરકારની આ પહેલથી માત્ર સારવાર જ સસ્તી નહીં થાય, પણ કિંમતી જીવ બચાવવામાં પણ મોટી સફળતા મળશે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Rajkot Mega Demolition - રાજકોટના જંગલેશ્વરમાં 'મેગા ડિમોલિશન'નો બીજો દિવસ: આજે વધુ 300 મકાનો પર ચાલશે બુલડોઝર