જિલ્લામાં એક બાજું કોરોના વાઈરસનો ભય સતાવી રહ્યો છે ત્યારે કેટલાક વેપારીઓએ માનવતા નેવે મૂકીને માસ્કના કાળાબજાર કરી પૈસા કમાઈ લેવાની વ્ાૃત્તિ અપનાવી છે. કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી તેમ છતાં તેના કાળાબજાર કરી માસ્કની કિંમત પાંચ ગણી વધુ વેપારીઓ લઈ રહ્યા છે.
સાદા માસ્ક પહેલા પાંચ રૂપિયામાં મળતા હતા તેના રૂ. ૨૫ જ્યારે એન-૯૫ માસ્ક કોરોના પહેલા રૂ.૧૦૦માં મળતા હતા તેના હવે રૂ. ૩૫૦ સુધી વસૂલવામાં આવી રહ્યા છે. બજારમાં માસ્કની અલગ અલગ મેડિકલ સ્ટોરમાં અલગ અલગ ભાવ વસૂલમાં આવે છે. સેનિટાઈઝર અને થર્મોમીટરની ડિમાન્ડ છે. સેનિટાઈઝરના ભાવ એમ.આર.પી. મુજબ વસૂલ કરવામાં આવે છે.
સાદા થર્મોમીટર અને ડિજિટલ થર્મોમીટર મળી રહે છે, પણ ક્યાંય આઈ.આર. થર્મોમીટર મળતા નથી. મેડિકલના ધંધાર્થીના જણાવ્યાનુસાર આઇ.આર. થર્મોમીટરની સપ્લાય ઉપરથી જ બંધ છે અને હોલસેલમાં રૂ. ૪૦૦૦ સુધીના ભાવ વસૂલવામાં આવી રહ્યા છે.
જિલ્લા તોલમાપ અધિકારી જીગેશ આડેસરાએ જણાવ્યું હતું કે, ૧૩મીએ રાજકોટ શહેરના હોસ્પિટલ ચોક, વિદ્યાનગર, એસ્ટ્રોન ચોક અને લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલા ૧૦ મેડિકલ સ્ટોરમાં નિરીક્ષકોની ટીમે ચેકિંગ કર્યું હતું. જેમાં વિદ્યાનગર મેઇન રોડ પર આવેલા સેન્ટરમાં રૂ.૯૦૦ના માસ્કનું પેકેટ રૂ.૧૧૫૦માં વેચી કાળાબજાર કરાતા હોય તેમની સામે એમઆરપી કરતા વધુ ભાવ લેવા બદલ કાયદેસર કાર્યવાહી કરી રૂ.૨૦૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
રાજકોટ જિલ્લા પંચાયતની જાહેર આરોગ્ય સમિતિની બેઠક સોમવારે મળનારી છે. આ બેઠકમાં હાલના કોરોના વાઇરસને લઈને ચર્ચાઓ થશે. આરોગ્ય શાખા સમિતિના સભ્યો પાસે તમામ કાર્યવાહીનો સારાંશ રજૂ કરશે. આ ઉપરાંત આરોગ્ય શાખા હસ્તક આવતા આરોગ્ય કેન્દ્રોના બાંધકામ અંગે ચર્ચા થશે તેમ અધિકારીએ જણાવ્યું હતું.