દેશમાં કોરોનાની બીજી લહેર ખતરનાક સાબિત થતાં સ્કૂલ, કોલેજ અને અન્ય પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી. જેમાં CA અને CSની પરીક્ષાઓ પણ મોકુફ રહી હતી. હવે ફરીવાર કોરોના નિયંત્રણમાં આવતાં પરીક્ષાઓની નવી તારીખો જાહેર કરવામાં આવી છે. તે ઉપરાંત ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ માટે 10 જૂનથી રજિસ્ટ્રેશન થવાનું હતું તે હવે 17મી જૂનથી થશે. CA ઈન્ટર અને ફાઈનલની પરીક્ષા 5 જુલાઈથી તથા ફાઉન્ડેશન પરીક્ષા 24મી જુલાઈથી અને CSની તમામ પરીક્ષાઓ 10 ઓગસ્ટથી શરુ થશે.
ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા -ICAI દ્વારા મે-જુન સેશનની CA ફાઉન્ડેશન, ઈન્ટરમીડિએટ અને ફાઈનલની તેમજ સીએ સંબંધિત અન્ય પરીક્ષાઓની નવી તારીખો તથા પરીક્ષાના વિગતવાર કાર્યક્રમો જાહેર કરવામા આવ્યા છે. 21-22મીથી શરૂ થતી ઈન્ટર-ફાઈનલ પરીક્ષાઓ મોકુફ થયા બાદ હવે CA ઈન્ટરમીડિએટ અને ફાઈનલની પરીક્ષા ફાઉન્ડેશન પહેલા લેવાશે અને જે હવે એક જ દિવસે 5મી જુલાઈથી શરૂ થશે.ઈન્ટરમીડિએટમાં જુના અને નવા કોર્સમાં ગ્રુપ-1ની 6, 8,10 અને 12મી તથા ગ્રુપ-2ની 14,16 તથા 18મી જુલાઈએ લેવાશે. નવા કોર્સમાં ગ્રુપ-2માં એક પેપર 20મી જુલાઈએ પણ છે. જ્યારે ફાઈનલમાં જુન અને નવા કોર્સમાં ગ્રુપ-1માં 5,7,9 અને 11મી તથા ગ્રુપ-2માં 13,15,17 અને 19મી જુલાઈએ લેવાશે. ઈન્ટર-ફાઈનલ બાદ 24મી જુલાઈથી ફાઉન્ડેશનની પરીક્ષા શરૂ થશે. જેમાં નવી સ્કિમમાં 24મી,26,28મી અને 30મી પેપર 1થી પેપર-4ની પરીક્ષા લેવાશે. ઈન્સ્ટિટયુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા દ્વારા પણ CS કોર્સીસની પરીક્ષાઓની નવી તારીખો જાહેર કરી દેવાઈ છે. મે-જુન સેશનની પરીક્ષાઓ કે જે અગાઉ 1થી 10 જુન સુધી લેવાનાર હતી તે હવે 10 ઓગસ્ટથી શરૂ થનાર છે અને 20 ઓગસ્ટ સુધી લેવાશે. દેશભરમાં લેવાનારી CSની પરીક્ષાઓ અંતર્ગત ફાઉન્ડેશન, એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ પ્રોગ્રામની પરીક્ષાઓ લેવાશે.જેમાં ફાઉન્ડેશન કોર્સના પેપર 1-2ની પરીક્ષા 13 જુલાઈ અને પેપર 3-4ની પરીક્ષા 14 જુલાઈએ લેવાશે. ધોરણ 10 પછી ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ માટે આગામી 10મી જૂનથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરુ કરવાની જાહેરાત પ્રવેશ સમિતિ દ્વારા કરવામાં આવી હતી. હવે સમિતિ દ્વારા આ તારીખમાં ફેરફાર કરીને આગામી 17મીથી રજિસ્ટ્રેશન કરવાનું નક્કી કર્યું છે.ડિપ્લોમા સમિતિના મેમ્બર સેક્રેટરી તાજેરમાં આગામી 10મી જૂનથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરી હતી. ધોરણ 10ની માર્કશીટ આવી નથી ત્યારે આ પ્રકારની કાર્યવાહી શરુ કરવાનો કોઈ અર્થ નથી તેવી સંચાલકોની રજુઆત હતી. છતાંય રજિસ્ટ્રેશન થશે તેવું નક્કી કરાયું હતું.