ગુજરાતમાં વિજ્યાદશમીના દિવસે અલગઅલગ વિસ્તારના લગભગ 500 દલિતોએ બૌદ્ધધર્મ અંગીકાર કરી લીધો છે.
'ઇન્ડિનય એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર અમદાવાદ, મહેસાણા, તેમજ ઈડરમાં યોજાયેલા જુદાજુદા કાર્યક્રમોમાં દલિતોએ હિંદુ ધર્મ ત્યજીને બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો.
ગુજરાત બુદ્ધિસ્ટ એકૅડૅમીના સચિવ રમેશ બૅન્કરના જણાવ્યા અનુસાર અમદાવાદમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન 148 દલિતો હિંદુમાંથી બૌદ્ધ બની ગયા હતા.
પોતાનાં માતાપિતા અને ભાઈ સાથે બૌદ્ધ ધર્મ અંગીકાર કરનારાં અને વિજ્ઞાનપ્રવાહનો અભ્યાસ કરી રહેલાં વંદનાએ અખબારને જણાવ્યું, "અમે બૌદ્ધધર્મ અને ડૉ. આંબેડકરની વિચારધારાથી પ્રભાવિત છીએ. સમતા અને વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા બૌદ્ધધર્મ અને આંબેડકરના વિચારો મને અને મારા પરિવારને આકર્ષે છે."
બૌદ્ધધર્મમાં વિજ્યાદશમીનું ખાસ મહત્ત્વ છે. 14 ઑક્ટોબર, 1956ની વિજ્યાદશમીના દિવસે જ ડૉ. બાબા સાહેબ આંબેડકરે પોતાના લાખો અનુયાયીઓ સાથે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો.