રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર મહાનગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, એમાં ઘટનાસ્થળે જ હર્ષ દાવડા નામના યુવાનનું મોત નીપજ્યું હતું. ઓવરબ્રિજ નજીક મહાનગરપાલિકા દ્વારા રસ્તા પર કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં મોટો ખાડો ખોદવામાં આવ્યો છે, પરંતુ ડાઇવર્ઝન મૂકવામાં ન આવતાં બાઇકચાલક હર્ષ ખાડામાં પડ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું. ખાડામાં લોહીનું ખાબોચિયું પણ ભરાઈ ગયું હતું. પોલીસે હર્ષના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
હર્ષના પિતાએ ચોધાર આંસુ સાથે રડતાં રડતાં જણાવ્યું હતું કે મને છાતીમાં દુખાવો ઊપડ્યો છે.રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જથી ઇન્દિરા સર્કલ તરફ જતા રસ્તા પર ઓવરબ્રિજ શરૂ થતી જગ્યાએ ઓવરબ્રિજ પર હેવી વાહન ન જાય એ માટે ગડર મૂકવાની કામગીરી ચાલી રહી છે. આ માટે એક મોટો ખાડો ખોદવામાં આવ્યો છે. આજે સવારના સમયે હર્ષ દાવડા નામનો યુવાન બીજા વાહનને ઓવરટેક કરવા જતો હતો એ સમયે ખાડામાં પટકાયો હતો. ખાડામાં પડતાંની સાથે જ યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.મૃતક હર્ષના પિતાએ કહ્યું હતું કે મારો દીકરો સવારે જોબ કરવા માટે ઘરેથી નીકળ્યો હતો. ત્યાર બાદ કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો કે તમારા દીકરાનો ઇન્દિરા સર્કલ પાસે અકસ્માત થયો છે. આથી હું તાત્કાલિક ભાગ્યો અને ત્યાં જઈને જોયું તો દીકરો ખાડામાંથી બહાર પડ્યો હતો. 108 પણ પડી હતી, તેમણે મને કહ્યું કે હવે તમારો દીકરો જીવતો નથી. આ ઘટનાને લઈને સિટી એન્જિનિયરને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સ્થળ પર ચેકિંગ કરવાનું કહેવામાં આવ્યું છે.