અમદાવાદમાં છેતરપિંડીના અનેક કિસ્સાઓ સામે આવ્યાં છે. મિત્રતા કેળવીને ધંધામાં રોકાણ કરાવવાના બહાને કરોડો રૂપિયા લઈ છેતરપિંડી આચરતા ગુનેગારો હવે સામે આવી રહ્યાં છે. અમદાવાદમાં ટ્રાવેલ્સનો ધંધો કરતાં વેપારીએ તેમના મિત્ર થકી એક વ્યક્તિના પરિચરમાં આવ્યાં હતાં. તેમણે સામે વાળાને ધંધામાં રોકાણ કરવા માટે 12.50 કરોડ રૂપિયા આપ્યા હતાં. આ પૈસાની પહોંચ માંગતાં સામે વાળાએ ગલ્લા તલ્લા કરવા માંડ્યા હતાં. ત્યારે પૈસા પરત માંગતાં સામે વાળાએ રિવોલ્વરથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. વેપારીએ પોતાની સાથે થયેલી આ છેતરપિંડીની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદામાં બોડકદેવ વિસ્તારમાં રહેતાં સંજય નૌતાણી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરે છે. તેમના મિત્ર પ્રજ્ઞેશભાઈ થકી વિજય ઠુમ્મર નામના વ્યક્તિ સાથે પરિચય થયો હતો. આ વિજય ઠુમ્મરે પોતે કોપર પ્લેટ ઈમ્પોર્ટેડ ટાઈલ્સ અને મેટલ્સનો ધંધો કરતો હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ સંજયભાઈ અને વિજય વચ્ચે અવારનવાર મુલાકાત થતાં મિત્રતા કેળવાઈ હતી. વિજયે સંજયને વિશ્વાસમાં લઈને તેના ધંધામાં રોકાણ કરવા કહ્યું હતુ અને સારો નફો આપવાની વાત કરી હતી.
ત્યાર બાદ સંજય નૌતાણીએ વિજયના ધંધામાં 12.50 કરોડ રૂપિયા રોક્યા હતાં અને તેની પહોંચ માંગતાં વિજયે કહ્યું હતું કે હું તમને પછી પહોંચતી કરી આપીશ. પરંતુ પહોંચ નહીં આપતાં સંજય નૌતાણીને કંઈક અજૂગતુ થયું હોવાનો ખ્યાલ આવ્યો હતો અને તેની પાસે પૈસા પરત માંગ્યાં હતાં. આ દરમિયાન વિજયે વોટ્સએપ પર પોર્ટ પર આવેલા માલની તસ્વીરો શેર કરતો હતો. પરંતુ પહોંચ આપતો નહોતો. એક વખત વિજયે સંજયને કહ્યું કે અયોધ્યામાં એક જમીન છે તેને મોર્ગેજ કરાવી આપો તેમાં જે પૈસા આવશે તેમાંથી તમારા પૈસા પાછા આપી દઈશ. ત્યારે સંજયે જમીન રાજ્ય બહારની હોવાથી ના પાડી હતી.