Big disaster in AAP before Lok Sabha elections
અર્જુન રાઠવાએ અચાનક રાજીનામું શા માટે આપ્યું તે પાછળનું કોઈ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી
અર્જુન રાઠવા ગત વિધાનસભાની ચૂંટણી છોટાઉદેપુર બેઠક પરથી લડ્યા હતાં
અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા ભર્તીની મોસમ શરૂ થઈ ગઈ છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પક્ષપલટો કરવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં બહુ ગાજેલી આમ આદમી પાર્ટીના મોટા માથા પાર્ટી છોડતા હવે પક્ષમાં સળવળાટ શરૂ થઈ ગયો છે. આમ આદમી પાર્ટીના વાઈસ પ્રેસિડેન્ટ અને આદિવાસી નેતા અર્જુન રાઠવાએ પોતાના તમામ પદો પરથી રાજીનામું ધરી દીધું છે. તેમણે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રભારી તથા રાષ્ટ્રીય સંગઠન મંત્રી ડો. સંદીપ પાઠકને રાજીનામું લખીને મોકલી આપ્યું છે. અર્જુન રાઠવાના રાજીનામા બાદ તેઓ કયા પક્ષમાં જોડાશે તેની કોઈ સ્પષ્ટતા સામે આવી નથી.
અર્જુન રાઠવાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું
પ્રાપ્ત વિગતો પ્રમાણે આમ આદમી પાર્ટીના વાઈસ પ્રેસિડેન્ટ અને આદિવાસી નેતા અર્જુન રાઠવાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે ઈસુદાન ગઢવી અને ડો. સંદિપ પાઠકને લખેલા રાજીનામા પત્રમાં કહ્યું છે કે, હું મારી ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ તેમજ રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય તરીકેની જવાબદારીમાંથી તેમજ સામાન્ય સભ્યપદેથી રાજીનામું આપું છું. જે સ્વીકારવા વિનંતી છે. તેમણે અચાનક રાજીનામું શા માટે આપ્યું તે પાછળનું કોઈ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
2014માં છોટા ઉદેપુર લોકસભાની ચૂંટણી લડી છે
લોકસભાની ચૂંટણી નજીક આવતાં જ પાર્ટીના અનેક નેતાઓ પાર્ટી છોડી રહ્યાં છે. પ્રો. અર્જુન રાઠવા આગામી સમયમાં અન્ય કોઈ પાર્ટીમાં જોડાશે તે અંગેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. તેમણે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે 2014માં છોટા ઉદેપુર લોકસભાની ચૂંટણી લડી છે. 2022માં પણ તેઓ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. આદિવાસી વિસ્તાર છોટા ઉદેપુરમાં જન્મેલા અર્જુન રાઠવાએ યુ.કેથી એમ.એ નો અભ્યાસ કર્યો છે. તેમણે એમ.ફીલની ડીગ્રી મેળવી છે. તેઓ છેલ્લા 17 વર્ષથી આદિવાસીઓના પ્રશ્ને કાર્યરત છે. જ્યાં પાવી જેતપુર આર્ટસ કોલેજમાં તેવો લાંબા સમયથી અંગ્રેજીના પ્રોફેસર છે.