Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

BBA અને B.Com.ના પેપર પૂર્વ CM રૂપાણીના ભત્રીજા અને ભાજપના કોર્પોરેટરની કોલેજમાંથી ફૂટ્યા હતા

mehul rupani
, ગુરુવાર, 2 ફેબ્રુઆરી 2023 (12:33 IST)
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓક્ટોબર મહિનામાં લેવાયેલી બીબીએ અને બી.કોમ. સેમેસ્ટર 5ની પરીક્ષામાં તા.13ના રોજ બંને કોર્સના પેપર આગલી રાત્રે ફરતા થઇ ગયા હતા, રાજ્યમાં મહત્તમ પરીક્ષાના પેપર ફૂટી રહ્યા છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાના પણ પેપર ફૂટવાના મામલામાં 111 દિવસના અંતે યુનિવર્સિટીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, બંને પેપર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ભત્રીજા ડો.મેહુલ રૂપાણી અને ભાજપના કોર્પોરેટર ડો.નેહલ શુક્લની એચ.એન. શુક્લ કોલેજમાંથી ફૂટ્યાનો ધડાકો થતાં રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો, પોલીસે કોલેજના કર્મચારીઓ અને ટ્રસ્ટીઓની પૂછપરછ કરવાની કવાયત શરૂ કરી હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા.13 ઓક્ટોબરના રોજ બી.બી.એ. સેમેસ્ટર-5માં ડાયરેક્ટ ટેક્સ (નવો કોર્સ) અને બી.કોમ. સેમેસ્ટર-5માં ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ-1 વિષયની પરીક્ષા યોજાવાની હતી પરંતુ તા.12 ઓક્ટોબરની રાત્રીના આ બંને વિષયના પેપર ફરતા થઇ ગયા હતા, એટલું જ નહીં બંને પેપર દિવ્ય ભાસ્કર કાર્યાલય સુધી પહોંચ્યા હતા અને આ બંને પેપર ફૂટ્યાનો તા.13ના દિવ્ય ભાસ્કરમાં વિસ્તૃત અહેવાલ પણ છપાયો હતો, બી.બી.એ.નું પેપર લીક થયાની યુનિવર્સિટીના સત્તાધીશોને તે રાત્રીના જ જાણ થઇ જતાં તા.13ના સવારે બી.બી.એ. નું નવું પેપર પરીક્ષા કેન્દ્રમાં મોકલી અપાયું હતું અને તેની પરીક્ષા યથાવત્ રાખવામાં આવી હતી પરંતુ બી.કોમ.નું પણ પેપર લીક થયું હોય અને આ મામલે યુનિવર્સિટી તંત્ર નિદ્રાવસ્થામાં રહેતા બી.કોમ.નું તે પેપર રદ કરવામાં આવ્યું હતું અને પરીક્ષા પૂરી થયા બાદ તે વિષયની પરીક્ષા યોજવામાં આવી હતી.

યુનિવર્સિટીના બે પેપર લીક થતાં રાજ્યભરમાં તેનો દેકારો મચી ગયો હતો અને પરીક્ષા પદ્ધતિ સામે અનેક સવાલો ઉઠ્યા હતા, પરંતુ કોઇ કારણસર ફરિયાદ નોંધવામાં આવતી નહોતી જે બાબત શંકાસ્પદ હતી, અંતે તા.1 ફેબ્રુઆરીની રાત્રીના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર અમિત પારેખે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે એચ.એન.શુક્લ કોલેજના કર્મચારી તથા તપાસમાં ખૂલે તેના નામ આપ્યા હતા.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ પેપર ફોડવા અંગે જે કોલેજ સામે ફરિયાદ કરી છે તે એચ.એન.શુક્લ કોલેજમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ભત્રીજા ડો.મેહુલ રૂપાણી અને ભાજપના જ કોર્પોરેટર ડો.નેહલ શુક્લ ટ્રસ્ટી છે. પેપર ફોડવામાં ભાજપના જ ટોચના નેતાઓની કોલેજની વરવી ભૂમિકા બહાર આવતા ચકચાર મચી ગઇ હતી, ગાંધીગ્રામ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુનો નોંધાતા જ કોલેજના કર્મચારીઓ અને ટ્રસ્ટીઓની પૂછપરછ કરવામાં આવશે અને તપાસને અંતે જવાબદારની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે.સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર સતત ફૂટી રહ્યા છે, અને નોકરીવાંછુકોના સ્વપ્ન તૂટી રહ્યા છે આ મુદ્દે રાજ્ય સરકાર પર પસ્તાળ વરસી રહી છે અને સરકાર પેપર ફૂટવાની દરેક ઘટનામાં નાની માછલીઓ સામે કાર્યવાહી કરીને મામલાને રફેદફે કરી દે છે તેવા આક્ષેપો થઇ રહ્યા છે ત્યારેસૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાના બે પેપર ભાજપના જ ટોચના નેતાઓની કોલેજમાંથી ફૂટ્યાનો ગુનો નોંધાતા આગામી દિવસોમાં આ મામલે મોટા કડાકા ભડાકા થવાનાં એંધાણ વર્તાઇ રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અડાનીના FPO પરત લેવાની Inside Story