છોટા શકીલ ગેંગના બે સાગરિતો દ્વારા ભાજપના નેતા ઉપર કરવામાં આવનાર હુમલાઓના પ્રયાસને રાજ્યની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોર્ડ દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યો છે અને હત્યાના કાવત્રરામાં સંકળાયેલા એક વ્યક્તિની ATS દ્વારા દબોચી લેવામાં આવ્યો છે.
ગુજરાત ૧૬૦૦ કિલોમીટર લાંબો દરિયાકિનારો અને જમીની સરહદ ધરાવતું રાજ્ય છે ત્યારે આવી આતંકવાદી પ્રવૃત્તિઓના ઈનપૂટસ રાજ્યના ATS પોલીસ વિભાગ અને SOGને મળતા હોય છે. જેના પરિણામ સ્વરૂપ રાજ્યના ATSની સતર્કતાના કારણે આ કાવતરું નિષ્ફળ બનાવવામાં સફળતા મળી છે.
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહજી જાડેજાએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે ATSને મળેલ માહિતી અનુસાર અમદાવાદ શહેરના રિલીફ રોડ પર આવેલી વિનસ હોટલ પર મોડી રાત્રે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન વિનસ હોટલમાં રોકાયેલ વ્યક્તિ કે જેના કમરના ભાગે લોડેડ ગન હતી અને પોલીસને જોતાં જ તેણે પોલીસ પર ફાયરિંગ કર્યું હતું પરંતુ અમારા બાહોશ પોલીસ અધિકારીઓએ તેનું નિશાન ચૂક કરાવીને તેને ઝબ્બે કરી લીધો છે. બીજો સાગરિત તેની સાથે હતો એ ફરાર છે તેને પણ ઝડપથી પકડી લેવામાં આવશે એ માટે ATS દ્વારા પ્રયાસો જારી છે.
એટીએસ દ્વારા છોટા શકીલની ગેંગનો જે શંકાસ્પદ વ્યક્તિ પકડી લેવાયો છે તેની તપાસ કરતાં તેના મોબાઈલમાંથી જે વિગતો મળી છે એ મુજબ રાજ્યના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી ગોરધન ઝડફિયા સહિત અનેક નેતાઓ ટાર્ગેટ પર હતા. વધુ તપાસ બાદ જ ક્લિયર થશે કે આ વ્યક્તિઓના મનસૂબા શું હતા. આ ષડયંત્રમાં કોઈ પણ વ્યક્તિ શંકાના દાયરામાં આવશે તો તેને રાજ્ય સરકાર છોડશે નહીં. આ બનાવને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધો છે અને રાજ્યના પોલીસ તંત્રને સરકાર દ્વારા સતર્ક કરી દેવાયું છે.