અમદાવાદમાં સાઇબર ક્રાઇમની ઓફિસમાં રોજની 60થી 70 છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ રહી છે, જેમાંથી 40થી 50 ઓનલાઇન પૈસાની છેતરપિંડીની હોય છે, જ્યારે 20 ફરિયાદ અશ્લીલ વીડિયો બતાવીને પૈસા પડાવ્યા હોવાની હોય છે. તે જોતાં દર વર્ષે 24થી 25 હજાર લોકો સાઇબર ક્રાઇમનો શિકાર બની કરોડો ગુમાવી રહ્યા છે, પરંતુ આ ગુનાઓની તપાસ કરવા માત્ર 6 જ પીઆઈ હોવાથી સાઇબર ક્રાઇમના ગુનાની તપાસ જે તે પોલીસ સ્ટેશનમાં અપાય છે, જેના કારણે આ ગુનાઓની તપાસ ખોરંભે ચડી રહી છે. જોકે સાઇબર ક્રાઇમના ગુના શોધવા સાઇબર ક્રાઇમ સેલ સક્રિય છે, પરંતુ તેમને સાઇબરના ગુનાની તપાસ કરવામાં સંખ્યાબંધ નિયંત્રણો નડી રહ્યા હોવાથી તેઓ આ ગુનાઓની યોગ્ય તપાસ કરી શકતા નથી.સોશિયલ મીડિયા પર અશ્લીલ ફોટો-વીડિયો બતાવીને સામેની વ્યક્તિને પણ ઓનલાઇન નિર્વસ્ત્ર કરાવી તેનો ફોટો પાડી, વીડિયો ઉતારી છેતરપિંડી કરતી ગેંગ એક વર્ષથી સક્રિય થઈ છે. હાલ અમદાવાદ સાઇબર ક્રાઇમમાં આ પ્રકારની છેતરપિંડીની રોજની 20 જેટલી અરજીઓ આવી રહી છે. સાઇબર ક્રાઇમના ગુનામાં ગુનેગારો ગુજરાત બહારનાં રાજ્યોમાંથી બેઠા બેઠા છેતરપિંડી કરતા હોય છે, જેથી સાઇબર ક્રાઇમની ટીમ ગુનેગારો સુધી પહોંચી શકતી ન હોવાથી મોટા ભાગની ઘટનાઓમાં 6 મહિના સુધી ફરિયાદો ન નોંધાતા ગુનેગારોને મોકળું મેદાન મળે છે.અમદાવાદ સાઇબર ક્રાઇમમાં હાલ રોજના 60થી 70 ભોગ બનનાર વ્યક્તિ છેતરપિંડીની ફરિયાદ કરવા પહોંચે છે. સાઇબર ક્રાઇમ આચરતા ગુનેગારો પોલીસથી વધુ જાણકાર હોવાથી તેમને પકડવામાં મુશ્કેલી પડતી હોવાનું સાઇબર ક્રાઇમના અધિકારીઓ જણાવી રહ્યા છે.