ગુજરાતમાં આગની અનેક ઘટનાઓ બાદ ફાયર સેફ્ટીનો મુદ્દો જબરદસ્ત ગાજ્યો હતો. હાઈકોર્ટે સરકારને ફાયર સેફ્ટિ મુદ્દે અનેક આદેશો પણ કર્યાં હતાં. ત્યારે રાજકોટ TRP ગેમઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ સરકાર સફાળી જાગી છે. આજે રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને જેની પાસે ફાયર NOC ના હોય તેની સામે ગુનો નોંધવા આદેશ કર્યો છે. આ નિર્ણયને પગલે કલેક્ટરોએ જિલ્લા પોલીસ વડાને સૂચના આપી દીધી છે. ગુના નોંધવા માટે સ્પષ્ટ ઉલ્લેખ કરી અને કડક પગલાં ભરવા આદેશ કરવામાં આવ્યો છે.
ધાર્મિક સહિત ભીડ ભેગી થાય તેવા તમામ સ્થળોની તપાસ થશે
રાજકોટની ઘટનામાં કાળીટીલી લાગ્યા બાદ સફાળી જાગેલી રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેક્ટરને આપેલી સૂચના અનુસાર, રાજકોટની ઘટનાનું રાજ્યમાં ફરીથી પુનરાવર્તન ન થાય તેની તકેદારીના ભાગરૂપે કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. રાજ્યના તમામ શહેરના મંદિર, મસ્જિદ, સ્કૂલ, કોલેજ, મોલ, થિયેટર, ફૂડ માર્કેટ, વસ્તી ગીચતા ધરાવતા માર્કેટ, ગેમ ઝોન સહિતનાં તમામ સ્થળો કે જ્યાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ભેગી થાય છે એ તમામ સ્થળોની ચકાસણી કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે.
મામલતદાર-નાયબ મામલતદાર અને પોલીસ સંયુક્ત રીતે તપાસ કરશે
રાજ્ય સરકારે કરેલા આદેશમાં દરેક જગ્યાએ સ્થાનિક મામલતદાર-નાયબ મામલતદાર અને પોલીસ સંયુક્ત રીતે ચકાસણી કરવા જશે અને જે તે એકમમાં ફાયર એનઓસીની ચકાસણી કરશે. જો કોઈ એકમ પાસે ફાયર એનઓસી નહિ હોય તો તે એકમ સામે તાત્કાલિક ગુનો નોંધવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. આ સૂચનાનો અમલ પણ તાત્કાલિક ધોરણે કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે.
અમદાવાદમાં એન્ટ્રી અને એક્ઝિટ અંગે સર્વે કરવા સૂચના આપી
અમદાવાદમાં ગઈકાલે કલેક્ટર દ્વારા વીડિયો કોલથી પ્રાંત અધિકારી અને મામલતદાર સાથે સમીક્ષા કરવામાં આવી છે. જેમાં સુચના પણ આપવામાં આવી છે કે ક્યાંય પણ એવી જગ્યા હોય જ્યાં ઉનાળામાં લોકો વધુ નાહવા જતા હોય જેમ કે નદી,તળાવ કે નહેર ત્યાં તકેદારી રાખવાની રહેશે. ટ્યુશન ક્લાસ, હોસ્પિટલ કે થિયેટર જ્યાં 50થી વધુ લોકોની અવરજવર થતી હોય એવી જગ્યાએ એન્ટ્રી અને એક્ઝિટ અંગે સર્વે કરવા સૂચના આપવામાં આવી છે.આજ સાંજ સુધીમાં તમામ માહિતી પ્રાંત અધિકારી અને મામલતદારે કલેક્ટરને આપવાની રહેશે.ક્યાંય પણ કોઈ વિગત ખૂટતી હોય તો તે તાત્કાલિક બંધ કરાવવાનું રહેશે.