Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આમ આદમી પાર્ટીના નેતાઓ માર્ચથી ગુજરાતમાં ધામા નાંખશે

આમ આદમી પાર્ટીના નેતાઓ માર્ચથી ગુજરાતમાં ધામા નાંખશે
, શુક્રવાર, 3 ફેબ્રુઆરી 2017 (12:16 IST)
આમ આદમી પાર્ટી દ્વારા એકતરફ ભાજપ મુક્ત ગુજરાત આઝાદી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અને બીજી તરફ બુથ કક્ષા સુધીના સંગઠનની કામગીરી ચાલુ માસમાં જડબેસલાક થઇ જાય તે રીતે તૈયારી કરવામાં આવી રહી છે. ત્યારે માર્ચ મહિનાના અંતથી આપના દિલ્હીના નેતાઓ પીએમ નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ એવા ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે આવીને રાજકીય ફટકો મારવા તૈયારી કરી રહ્યા છે.

ગુજરાતમાં આપની ટીમ સંગઠન અને લોકોને દેખાય તેવા કાર્યક્રમો આપી રહી છે.  માર્ચ મહિનામાં પંજાબ અને ગોવાની ચૂંટણી કામગીરી પૂર્ણ થાય તે સાથે જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા તથા અન્ય મહત્વના નેતાઓ સંજયસિંઘ, કુમાર વિશ્વાસ વિગેરેના ગુજરાત પ્રવાસના કાર્યક્રમો નક્કી કરવામાં આવશે.

આપ દ્વારા ગોવા અને પંજાબ બાદ દેશમાં સૌથી વધુ મહત્વ ગુજરાતની ચૂંટણીને આપવામાં આવનારૂ છે જેથી આપના અનેક નેતાઓ ચૂંટણીના અંત સુધી રાજયમાં ધામા નાખશે. પંજાબમાં પણ અંદરખાને એવી વાત શરૂ કરવામાં આવી છે કે પંજાબમાં આપને વિજય મળવાની આશા છે અને જો આપને સત્તા મળશે તો પણ કેજરીવાલ પંજાબનું સુકાન નહીં સંભાળે કારણકે તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અગ્રતા આપી રહ્યા છે. પંજાબમાં જો ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી શકાય તો ગુજરાતમાં પણ પડકારજનક સ્થિતિ ઊભી કરવામાં આવી શકે છે તેવા વિશ્વાસ સાથે તૈયારી કરાશે.
દિલ્હીમાં આપનું શાસન આવ્યા બાદ જે રીતે ભાજપ અને આપ કટ્ટર રાજકીય હરીફ બન્યા છે તેને લઇને પણ આપ ગુજરાતમાં ખાતુ ખોલવા તૈયાર છે. ગુજરાતમાં કયા મુદ્દાઓને અગ્રતા આપવી, ભાજપ માટે આ ‌વખતે નબળી બાબતો કઇ છે અને ચોક્કસ કયા વિસ્તારોમાં જ પ્રચારનો વધુ મારો રાખવો તે બાબતો પણ આપની ટીમ અંદરખાને તૈયાર કરી રહી છે. ભાજપના ગત ચૂંટણી ઢંઢેરામાંથી કેટલા કામો થયા હતા અને કેટલા બાકી છે તે મુદ્દાઓ પણ શોધવામાં આવી રહ્યા છે. ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી છે ત્યારે આપના નેતાઓને પણ પ્રચાર અને તૈયારી માટે ઓછો સમય મળવાનો હોવાથી તેઓ ગુજરાત આવે ત્યારે તુરંત પ્રચાર માટે પૂરતો મસાલો મળી જાય તેની તૈયારી કરવામાં આવી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદનાં પ્લેટફોર્મ નંબર 10 પરથી દોડશે બુલેટ ટ્રેન