Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદના સરખેજમાં ચાઈનીઝ દોરી વેચતા વેપારીની ધરપકડ, પોલીસે 2520 રીલ કબજે કર્યાં

અમદાવાદના સરખેજમાં ચાઈનીઝ દોરી વેચતા વેપારીની ધરપકડ, પોલીસે 2520 રીલ કબજે કર્યાં
, ગુરુવાર, 29 ડિસેમ્બર 2022 (17:28 IST)
ઉત્તરાયણના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. અમદાવાદમાં ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરી અને તુકલના વેચાણ અને ઉપયોગ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ ઉપરાંત માર્ગ અકસ્માતના બનાવો અટકાવી શકાય તે માટે રસ્તા ઉપર પગંત પકડવાનો પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદના સરખેજમાં પોલીસે બાતમીને આધારે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં એક વેપારીની ધરપકડ કરી છે. વેપારી પાસેથી બે લાખની કિંમતની 2520 રીલ ચાઈનીઝ દોરી કબજે કરવામાં આવી છે. ઉત્તરાયણનો પર્વ નજીક હોવાથી માર્કેટમાં પતંગ દોરીની ધૂમ ખરીદી થઈ રહી છે. આ દરમિયાન રાત્રે પેટ્રોલિંગ કરી રહેલ પોલીસકર્મીઓને બાતમી મળી હતી કે સરખેજમાં ચાઈનીઝ દોરીનો એક વેપારી દ્વારા વેપાર કરવામાં આવી રહ્યો છે. પોલીસે અડધી રાત્રે બાતમીના સ્થળે જઈને દરોડો પાડતાં અબ્દુલગની શેખ નામના વ્યક્તિ પાસેથી એક ગોડાઉન ભરાય એટલી સંખ્યામાં ચાઈનીઝ દોરીના રીલ મળી આવ્યા હતાં. પોલીસે અબ્દુલગની શેખ પાસેથી 2520 રીલ દોરી જેની કિંમત 2 લાખ 54 હજાર થાય છે તે કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ બાબતે વધુ એક આરોપી જે કડીનો છે અને તેનું નામ ભગવાનભાઈ છે તે હાલમાં ફરાર થઈ ગયો છે. પોલીસે તેને પકડવા માટે પણ પ્રયાસો હાથ ધર્યાં છે. ઉતરાયણના  તહેવાર દરમિયાન લોકોના અને પક્ષીઓના જીવને ધ્યાને રાખીને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.  જે અંતર્ગત ચાઈનીઝ દોરી અને તુક્કલની સાથે-સાથે નાયલોન દોરી પર લગાવવામાં આવતા કાચ સામે પણ ચોક્કસ પગલા લેવા અરજદારે રજૂઆત કરી હતી. આવી દોરીઓ સામાન્ય જનજીવન અને પશુપક્ષીઓ માટે ખુબ જ હાનિકારક સાબિત થાય છે. આ સાથે અરજદારે વર્ષ 2022 જાન્યુઆરી માસ દરમિયાન દોરીથી ઘવાયેલા પક્ષીઓનો એક ડેટા પણ કોર્ટ સમક્ષ મુક્યો છે. જેમાં જાન્યુઆરી માસ દરમિયાન કુલ 4124 પક્ષી સારવાર માટે લવાયા હતા. જેમાંથી 663 પક્ષીઓના મોત નિપજ્યા હતા. 3321 પક્ષીઓેને સારવાર બાદ મુક્ત કરવામાં આવ્યા. આજીવન ઈજા થઈ હોય તેવા 140 પક્ષીઓ હજુ પણ ટ્રસ્ટની સારવાર હેઠળ છે. જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ 2007થી પક્ષીઓની વિનામુલ્ય સારવાર કરી રહ્યું છે. જેમાં દર મહીને અંદાજીત 5000 પશુપક્ષીઓની સારવાર કરવામાં આવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નાણામંત્રાલયે જાહેર કર્યા આંકડા, વિકાસની સાથે સાથે સરકારનું દેવું પણ વધ્યું