Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેબિનેટની બેઠકમાં નિર્ણયઃ શ્રમિક અન્નપૂર્ણા યોજનામાં પાંચ રૂપિયામાં ભોજન અપાશે

annpurna yojna
, બુધવાર, 28 ડિસેમ્બર 2022 (21:05 IST)
ગુજરાત સરકારની આજે કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં કોરોના સંદર્ભે ચર્ચાઓ કરવામાં આવી હતી. તે ઉપરાંત જળ અભિયાન તથા રોજગારીને લઈને પણ ચર્ચાઓ થઈ હતી. ગુજરાતમાં આગામી સમયમાં યોજાનાર પતંગ મહોત્સવને લઈને પણ તૈયારીઓ અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં શાળામાં બેગલેસ શિક્ષણ અંગે પણ સમીક્ષા હાથ ધરાઈ હતી.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં મે 2018થી શરૂ થયેલી સુજલામ-સુફલામ જળ અભિયાનના અત્યાર સુધીમાં પાંચ તબક્કા સફળતાપૂર્વક પૂર્ણ થયા છે.આ અભિયાનમાં છેલ્લા પાંચ વર્ષમાં રાજયભરમાં  જળસંગ્રહ માટેના 74510 કામો પૂર્ણ થયા છે. જેનાથી જળ સંગ્રહ ક્ષમતામાં 86199 લાખ ઘનફુટ વધારો થયો અને રાજ્યના 33 જિલ્લાઓમાં 26981 તળાવો ઉંડા કરવામાં આવ્યા છે. ગત વર્ષ 2022માં સુજલામ સુફલામ જળ અભિયન દ્વારા અત્યાર સુધીમાં સૌથી વધું 17812 કામો પૂર્ણ થયા હતા. જેમાં 20.81 લાખ માનવદિનની રોજગારી શ્રમિકોને મળી હતી. જ્યારે 24418 લાખ ઘન ફૂટ જળસંગ્રહ ક્ષમતામાં વધારો થયો હતો. રાજ્યના યુવાનોને રોજગારી મળી રહે તેવા ઉમદા હેતુથી સરકાર દ્વારા તમામ સરકારી વિભાગોમાં ખાલી જગ્યાઓ- મંજૂર મહેકમને  સમયબદ્ધ આયોજન દ્વારા વહેલી તકે ભરવાનો નિર્ણય સરકારે કર્યો છે. રાજ્યમાં યુવાનોને વધુમાં વધુ રોજગારી ઉપલબ્ધ થાય અને વહીવટમાં વધુ સરળતા આવે તેવા હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના વિવિધ ભરતી બોર્ડ સાથે પરામર્શ કરીને વહેલી તકે આ તમામ મંજૂર મહેકમ ભરાય તે પ્રકારની આયોજનબધ્ધ કામગીરી હાથ ધરવામાં આવશે.

ગુજરાતમાં બંધકામ શ્રમિકો અને તેમના પરિવારજનો માટે કાર્યરત  શ્રમિક અન્નપૂર્ણા યોજનાની સેવાઓનું વિસ્તરણ કરીને આવતીકાલ તારીખ 29 ડિસેમ્બરથી રાજ્યમાં વધુ નવા 28 જેટલા કડિયાનાકા પર આ સુવિધાનો શુભારંભ કરાવવામાં આવશે. આમ હવે રાજ્યના કુલ 51 કડિયાનાકા –વિતરણ કેન્દ્રો પર આ યોજનાની સેવાઓ ઉપલબ્ધ બનશે. ગુજરાતના બાંધકામ શ્રમિકો માટે પોષણયુક્ત ભોજન મળી રહી તેવા ઉમદા હેતુથી શરૂ કરવામાં આવેલ શ્રમિક અન્નપૂર્ણા યોજના કાર્યરત છે. આ યોજના હેઠળ નોંધાયેલા બાંધકામ શ્રમિકો અને તેના પરિવારજનોને પ્રતિ વ્યક્તિ માત્ર પાંચ રૂપિયાના નજીવા દરે સાત્વિક અને પોષણયુક્ત ભોજન આપવામાં આવે છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ની જોગવાઈ હેઠળ આવતા પ્રિ- વોકેસનલ વિદ્યાર્થીઓ કે જેઓ 6 થી 8 ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છે, તેઓ માટે 10 બેગલેસ ડેની જોગવાઈ કરવામાં આવી છે.જેનો હેતુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સમજણના કૌશલ્ય સાથે જોડવાનો છે. જેમાં જુદા જુદા સ્થાનિક વ્યવસાયો અંતર્ગત વિદ્યાર્થીઓને જીવંત અનુભવો પૂરા પાડવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને બેંક, ઉદ્યોગો, યુનિવર્સિટી, આઈટીઆઈ જેવી સંસ્થાઓની મુલાકાત કરાવવામાં આવશે. જેના થકી વિદ્યાર્થીઓના જ્ઞાન,સમજણને કૌશલ્ય સાથે જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા સ્થાનિક ઉદ્યોગો, કળા, સંસ્કૃતિ જ્ઞાન-વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત સ્થાનિક ઔધોગિક સંસ્થાઓના અનુભવો દ્વારા કૌશલ્યવર્ધન અને ભાવી કારકિર્દી વધુ ઉજ્જવળ બનશે. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓના રસ અને વલણને જાણી શકાશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમરેલીના ગુરુકુળમાં વિદ્યાર્થીઓને માર માર્યાની આચાર્ય સામે ફરિયાદ