જયુપર જિલ્લાના શાહપુરામાં ભાબરુ નજીક રાત્રે 2 વાગ્યાની આસપાસ ઝાડ સાથે કાર અથડાતાં ભાવનગરના ચાર પોલીસ જવાન અને એક આરોપીનાં મોત નીપજ્યાં છે. મળતી માહિતી પ્રમાણે, ભાવનગર પોલીસના 4 જવાન હરિયાણાથી આરોપીને લઇને પરત ફરી રહ્યા હતા એ સમયે જયપુર-દિલ્હી નેશનલ હાઈવે પર આ દુર્ઘટના ઘટી હતી.
બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. 4 પોલીસ જવાનનાં મોત નીપજ્યાંની જાણ થતાં ગુજરાત પોલીસમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રાથમિક વિગતો અનુસાર, ભાવનગર પોલીસના ચાર કર્મચારી શક્તિસિંહ ગોહિલ, ભીખુભાઇ બુકેરા, ઇરફાન આગવાન અને મનુભાઈ આરોપીને પકડવા માટે હરિયાણા ગયા હતા. હરિયાણાથી આરોપીને પકડીને ચારેય પોલીસકર્મી ભાવનગર પરત ફરી રહ્યા હતા. પોલીસકર્મી જયપુર-દિલ્હી નેશનલ હાઈવે પર પહોંચ્યા ત્યારે કાર પરનો કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો અને ચાર આર્મી જવાન સહિત આરોપીનું મોત નીપજ્યું હતું.અકસ્માતની જાણ થતાં ત્યાંથી પસાર થતાં વાહન ચાલકો બચાવ કાર્ય કરવા માટે ઉભા રહ્યાં હતા અને સ્થાનિક પોલીસને બનાવ અંગે જાણ કરી હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સ્થાનિક પોલીસને મૃતકો ગુજરાતના ભાવનગરના અને પોલીસ વિભાગના કર્મચારી હોવાનું માલુમ થતાં ભાવનગર પોલીસને બનાવ અંગે જાણ કરવામાં આવી હતી.જયપુર પાસે અકસ્માતમાં ભાવનગરના પોલીસ કર્મીઓના મૃત્યુ અંગે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું છેકે, દિલ્હીથી પરત ફરતી વખતે જયપુર ભાબરુ નજીક બનેલી દુર્ઘટનામાં 4 પોલીસ કર્મી સહિત 5 લોકોના મોતની જાણકારી મળી છે. શોકાતુર પરિવારને મારી સંવેદના, ઇશ્વર મૃતકોની આત્માને શાંતિ પ્રદાન કરે.