Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

24 વર્ષની અમદાવાદી યુવતિએ કોર્પોરેટ લોયરની નોકરી છોડી આ કામ માટે એકઠું કર્યું ઓનલાઇન દાન

24 વર્ષની અમદાવાદી યુવતિએ કોર્પોરેટ લોયરની નોકરી છોડી આ કામ માટે એકઠું કર્યું ઓનલાઇન દાન
, શનિવાર, 17 ઑક્ટોબર 2020 (12:35 IST)
‘માસિક સંબંધિત નિર્ધનતા’ને દૂર કરવા અને મહિલાઓને સલામત સ્વચ્છતા સુલભ બનાવવા માટે અમદાવાદની ઉદ્યોગ સાહસિક વૃતિ પટેલ વંચિત પૃષ્ઠભૂમિમાંથી આવતી રજસ્વલા સ્ત્રીઓને ઇકો-ફ્રેન્ડલી સેનિટરી નેપ્કિન્સ ઉપલબ્ધ કરાવવા ઓનલાઇન ફંડ એકઠું કરી રહી છે. આ 24 વર્ષીય યુવતીએ મુંબઈમાં તેની કોર્પોરેટ લોયર તરીકેની નોકરી છોડી દીધી તેના વતન પાછી આવી ગઈ છે. તેમની પહેલ ‘ઇકોફ્લો’ મારફતે વૃતિનો ઉદ્દેશ્ય, માસિકધર્મમાં રહેલી સ્ત્રીઓને ઇકો-ફ્રેન્ડલી સેનિટરી નેપ્કિન્સ પૂરાં પાડવાની સાથે-સાથે માસિક સંબંધિત સલામત અને સ્વચ્છ વ્યવહારો અંગે જાગૃતિ ફેલાવવાનો પણ છે.
 
ઇકોફ્લોના ભાગરૂપે વૃતિનો ઉદ્દેશ્ય રૂ. 1 લાખ સુધીનું ભંડોળ એકઠું કરવાનો છે, જેમાંથી અત્યાર સુધીમાં ઓનલાઇન ક્રાઉડ ફન્ડિંગ પ્લેટફૉર્મ ઇમ્પેક્ટ ગુરુ મારફતે  44 દાતાઓએ આપેલા યોગદાનની મદદથી રૂ. 78,210 એકઠાં થઈ ચૂક્યાં છે.
webdunia
ImpactGuru.com એ તેના પ્લેટફોર્મ પર હોસ્ટ કરનારા તમામ પ્રકારના ફંડરેઇઝર્સ માટે 0% ઇમ્પેક્ટગુરુ પ્લેટફોર્મ ફીનો વિકલ્પ ઉપલબ્ધ કરાવતા તેણે ઇકોફ્લો ફંડરેઇઝર માટે પણ પ્લેટફૉર્મ ફી માફ કરી દીધી છે. ઇમ્પેક્ટગુરુ કોવિડ-19, કેન્સર, અંગ પ્રત્યારોપણ જેવી તબીબી ઇમર્જન્સીઓનો સામનો કરતા દર્દીઓ માટે અથવા બિન-નફાકારક સંગઠનોના કાર્યક્રમો માટે ભંડોળ એકઠું કરવામાં મદદરૂપ થઈ ચૂક્યું છે.
 
વૃતિ પટેલે જણાવ્યું હતું કે, ‘ક્રાઉડ ફન્ડિંગ દ્વારા એકઠાં કરવામાં આવેલ ભંડોળ વડે મને આશા છે કે, હું માસિક નિર્ધનતાનો અંત લાવવા દેશવ્યાપી અભિયાન છેડી શકીશ અને લોકોને વધુને વધુ પર્યાવરણને અનુરૂપ વિકલ્પો પ્રત્યે વાળવા પ્રોત્સાહિત કરી શકીશ.’
 
પરવડે તેવા અને વિઘટનક્ષમ સેનિટરી નેપ્કિન્સના ભારતના સર્વપ્રથમ સરકાર-માન્ય ઉત્પાદક આકાર ઇનોવેશન્સ સાથે સહભાગીદારી કરીને ઇકોફ્લો આ દશેરા પછી અમદાવાદમાં તેનું પ્રથમ સેનિટરી નેપ્કિન વિતરણ અભિયાન શરૂ કરવા માટે સજ્જ થઈ ગયું છે.
 
વૃતિ પટેલે આગળ જણાવ્યું હતું કે, ‘આ અભિયાન મારફતે અમારો ઉદ્દેશ્ય સ્વચ્છ, સરળ અને પરવડે તેવા સેનિટરી ઉત્પાદનો અંગે અને તેની સુલભતા અંગે જાગૃતિ પેદા કરવાનો છે. અમારા દ્વારા પૂરાં પાડવામાં આવતાં ઇકો-ફ્રેન્ડલી સેનિટરી નેપ્કિનનો ખાડામાં નિકાલ કરી શકાય છે, જે પર્યાવરણના વિવિધ પરિબળો પર આધાર રાખી 90-180 દિવસમાં ખાતર બની જશે.’
 
તેમનું વ્યાપક લક્ષ્ય લોકોને મુક્ત સંવાદમાં સાંકળી માસિક અંગે તેમને શિક્ષિત કરવાનું તથા માસિક સાથે સંકળાયેલ વર્જિતના લાંછનને દૂર કરવાનું છે. તેણે સમજાવ્યું હતું કે, ‘ભારતમાં રજસ્વલા સ્ત્રીઓની સ્થિતિ ત્યારે જ સુધરી શકશે જ્યારે માસિક સંબંધિત સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાશે. અમારો ઉદ્દેશ્ય માસિક શું છે અને તેની સાથે સંકળાયેલ વર્જિતનું લાંછન ખૂબ જ નુકસાન પહોંચાડે છે, તે અંગે તમામ વયની સ્ત્રીઓને શિક્ષિત કરવાનો છે. તેના સાથે-સાથે અમારો ઉદ્દેશ્ય રજસ્વલા સ્ત્રીઓને સેનિટરી નેપ્કિન પૂરાં પાડવાનો છે, જેથી ખાતરી કરી શકાય કે, તેઓ કપડાં, માટી કે રેતી જેવી અસ્વચ્છ પરંપરાઓનો ભોગ ન બને અને તેના પરિણામે ભારતમાં માસિક સ્વચ્છતાની સ્થિતિમાં સુધારો આવે.’
 
અત્યાર સુધીમાં વૃતિએ 2,000થી પણ વધુ કિશોરીઓને સમાવતા અનેક પરસ્પર સંવાદાત્મક સત્રોનું આયોજન કર્યું છે તથા તે માસિક સ્વચ્છતાના અસરકારક વ્યવસ્થાપન અને ચીરસ્થાયી માસિક ઉત્પાદનો અંગે તેમને શિક્ષિત કરવામાં અને તાલીમ આપવામાં મદદરૂપ થઈ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દાહોદ જિલ્લામાં ફરતો કોરોના વાયરસનો ‘યમદૂત’