ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ઋષિકેશ પટેલે શનિવારે સાંજે રાજ્યના 15 જિલ્લામાં 24 નવાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સૈદ્ધાંતિક મંજૂરી અપાયાના સમાચાર સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર શૅર કર્યા હતા.
રાજ્યમાં ગ્રામીણ વિસ્તારોમાં સ્વાસ્થ્ય સંબંધિત સુવિધા મળી રહે તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે
મંત્રીએ જાહેર કરેલી માહિતી અનુસાર - રાજ્ય સરકાર દ્વારા વિવિધ જિલ્લાઓમાં વસતીના ધોરણ ઉપરાંત જીઓ સ્પેશિયલ ઍનાલિસિસ અને આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતરને ધ્યાને લઈ 24 નવાં પ્રાથમિક આરોગ્ય
કેન્દ્રોને સૈદ્ધાંતિક મંજૂર આપવામાં આવી છે.
મંત્રીએ ઍક્સ પર જાહેર કરેલા સંદેશમાં દાવો કર્યો હતો કે રાજ્યનાં વિવિધ ગામોમાં સ્વાસ્થ્ય સેવાઓને વધુ સુદૃઢ અને સુવિધાયુક્ત બનાવવા માટે આ 'જનહિતલક્ષી નિર્ણય' લેવાયો છે.
નોંધનીય છે કે ભારત સરકારના ધારાધોરણો અનુસાર અને વર્ષ 2011ની ગ્રામ્ય વસતી પ્રમાણે હાલ રાજ્યમાં 1,499 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો છે.