Raksha Bandhan Date 2024 - રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક છે. રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમા તિથિના રોજ ઉજવાય છે. આ દિવસે બહેનો પોતાના ભાઈના હાથ(કાંડા)પર રાખડી બાંધીને તેમની પાસે રક્ષાનુ વચન માંગે છે આ તહેવાર ભાઈ બહેનના મજબૂત સંબંધોને દર્શાવે છે. સાથે જ આ તહેવાર ભાઈ-બહેન વચ્ચે પ્રેમ અને વિશ્વાસને પણ મજબૂત કરે છે. આવો જાણીએ આ વર્ષે ક્યારે ઉજવાશે રક્ષાબંધનનો તહેવાર.
ક્યારે છે રક્ષાબંધન ?
આ વર્ષે શ્રાવણ પૂર્ણિમા તિથિ 19 ઓગસ્ટના સવારે 3 વાગ્યાથી 4 મિનિટ પર શરૂઆત થઈ જશે અને તેનુ સમાપન 19 ઓગસ્ટની રાત્રે 11 વાગીને 55 મિનિટ પર થશે. આવામાં રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટના રોજ ઉજવાશે.
રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત
19 ઓગસ્ટ, સોમવારે બપોરે 02.00 વાગ્યાથી સાંજના 7:00 વાગ્યા સુધી એટલે કે 5 કલાક સુધી વિશેષ શુભ મુહૂર્ત રહેશે. આ મુહૂર્ત દરમિયાન રક્ષાસૂત્ર બાંધવાથી ભાઈઓને સમૃદ્ધિ અને સૌભાગ્યની સાથે લાંબા આયુષ્યના આશીર્વાદ મળશે.
આ શુભ દિવસે 4 શુભ યોગ એકસાથે સર્જાઈ રહ્યા છે. આ વખતે રક્ષાબંધન સર્વાર્થ સિદ્ધિ યોગ, શોભન યોગ, રવિ યોગ અને સૌભાગ્ય યોગ વચ્ચે ઊજવાશે. આ સાથે જ આ દિવસે શ્રવણ નક્ષત્રનો અદભુત સંયોગ પણ બની રહ્યો છે. જો કે આ દિવસે ભદ્રાનો પડછાયો પણ રહેશે. રક્ષાબંધન પર ભદ્રાનો પડછાયો 19 ઓગસ્ટ સવારે 5:53થી શરૂ થશે, જે બપોરે 1:32 સુધી ચાલશે.
ભદ્રાકાળમાં રાખડી બાંઘવામાં આવતી નથી
રક્ષાબંધનનો તહેવાર ભદ્રાકાળમાં ઉજવાતો નથી. માન્યતાઓ મુજબ ભદ્રાકાળમાં કોઈપણ શુભ કાર્ય કરવામાં આવતુ નથી. એવુ કહેવાય છે કે ભદ્રાકાળમાં રાખડી બાંધવાથી બહેનના સંબંધોમાં ખટાશ આવી જાય છે. તેથી ભાઈ બહેનને રાખડી શુભ મુહુર્તમાં જ બાંધવી જોઈએ. સાથે જ ભદ્રાકાળમાં જ્યા પણ શુભ અને માંગલિક કાર્ય, હવન અને અનુષ્ઠાન કરવામાં આવે છે ત્યા સમસ્યાઓ થવા માંડે છે.
ભદ્રા કોણ છે?
ધાર્મિક પૌરાણિક કથાઓ અનુસાર, ભદ્ર કાળને સૂર્ય ભગવાન અને શનિદેવ સાથે ઊંડો સંબંધ માનવામાં આવે છે. ભદ્રા ભગવાન સૂર્યની પુત્રી અને શનિદેવની બહેન છે. ભદ્રા સ્વભાવે ખૂબ કઠોર ગણાય છે અને ભદ્રાનો સ્વભાવ તોફાની છે. વૈદિક કેલેન્ડર મુજબ સમયની ગણતરીમાં ભદ્રાને વિશેષ માનવામાં આવે છે. તેમના કઠોર સ્વભાવના કારણે શુભ કાર્ય હંમેશા ભદ્રા પહેલા કે પછી કરવાની સલાહ આપવામાં આવે છે.
ભદ્રાને શા માટે અશુભ માનવામાં આવે છે?
વૈદિક પંચાંગ અનુસાર ભદ્રાને અશુભ માનવામાં આવે છે. ભદ્રા કાળમાં કોઈ પણ શુભ કાર્ય કરવું શુભ માનવામાં આવતું નથી. પુરાણો અનુસાર, એવું કહેવાય છે કે ભદ્રાના કઠોર સ્વભાવને નિયંત્રિત કરવા માટે, બ્રહ્માજીએ તેને કાળગણના કે પંચાગના એક મુખ્ય અંગ વિષ્ટી કરણમાં સ્થાન આપ્યું છે. ભદ્રા વિવિધ સ્થળોએ થાય છે. જ્યારે ભદ્રા મોઢામાં હોય છે, ત્યારે કામનો નાશ થવા લાગે છે. ભદ્રા ગળામાં બેઠી હોય તો ધનનો નાશ થાય છે. બીજી તરફ જો ભદ્રા હૃદયમાં બેઠી હોય તો જીવન નાશ પામે છે, પરંતુ જો ભદ્રા પૂંછડીમાં હોય તો ત્યાં કરેલા કાર્યમાં સફળતા મળે છે. આવી સ્થિતિમાં કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા ભદ્રા કાલની સાથે ભદ્રાનું સ્થાન પણ જોવા મળે છે.
રક્ષાબંધનને લઈને માન્યતા
રક્ષાબંધનને લઈને વિવિધ માન્યતાઓ પણ છે. એક પ્રચલિત કથા મુજબ જ્યારે મહાભારતમાં ભગવાન કૃષ્ણની આંગળી કપાય ગઈ હતી તો દ્રોપદીએ તેમની આંગળીમાંથી લોહી રોકવા માટે પોતાની સાડીમાંથી એક ટુકડો ફાઈબર તેમની આંગળી પર બાંધી દીધુ હતુ. જેના પર ભગવાન કૃષ્ણએ દ્રોપદીની રક્ષાનુ વચન આપ્યુ હતુ.