રાજદ્રોહના આરોપનો સામનો કરી રહેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના સંયોજક હાર્દિક પટેલની મંગળવારે હાઈકોર્ટમાં જામીન અરજીની સુનાવણી થઈ હતી, જેમાં તેણે લોકશાહી ઢબે આંદોલન ચલાવવાની પણ ઉશ્કેરણીજનક ઉચ્ચારણો નહીં કરે તેવી બાંયધરી આપી હતી. જોકે, રાજ્ય સરકારે હાર્દિકની બાંહેધરી અંગે યોગ્ય જવાબ મેળવી રજૂઆત કરવાનો સમય માગતાં કોર્ટે વધુ એક દિવસનો સમય આપ્યો હતો. આથી કેસની વધુ સુનાવણી બુધવારે નિયત કરાઈ છે, જેને પગલે હાર્દિકની જેલમુક્તિનું ભાવિ વધુ એક દિવસ પાછું ઠેલાયું છે.
હાર્દિક પટેલ સામે અમદાવાદ અને સુરત પોલીસ મથકે નોંધાયેલા રાજદ્રોહના ગુનામાં જામીન મેળવવા માટે કરાયેલી અરજીમાં મંગળવારે હાઈકોર્ટે હાર્દિકના એડ્વોકેટ ઝુબીન ભરડા અને રફિક લોખંડવાલાને પ્રશ્ન કર્યા હતા કે, અન્ય આરોપીઓની જેમ હાર્દિક કોર્ટને કોઈ બાંહેધરી આપવા ઇચ્છે છે? જેમાં તેમના તરફે રજૂઆત કરાઈ હતી કે, તેઓ બંધારણ દ્વારા અપાયેલા અધિકાર અને સ્વતંત્રતા વિરુદ્ધ કોઈ બાંહેધરી આપવા તૈયાર નથી. જોકે કેટલીક શરતો માન્ય હોવાનું પણ જણાવ્યું હતું.
જોકે કયા પ્રકારની બાંહેધરી આપવા તૈયાર છે તે બાબતે હાર્દિકને પૂછીને જવાબ આપવા માટે હાઈકોર્ટે એડ્વોકેટને સૂચન કરતાં બપોર બાદ કેસની સુનાવણી મુલતવી રહી હતી. બપોર બાદ હાર્દિકે એડવોકેટ મારફત બાંયધરીની કેટલીક શરતો કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. હાર્દિક દ્વારા અપાયેલી બાંયધરી બાદ હવે શું કરવું તે બાબતે રાજ્ય સરકાર બુધવારે રજૂઆત કરશે. હાર્દિકની બાંયધરી કબૂલ રાખી તેને જામીન મળે તો સરકારને વાંધો છે કે કેમ? તે બાબતે સરકાર આજે કોર્ટ સમક્ષ સ્પષ્ટતા કરશે.
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ જેલમાંથી મુક્ત થાય એવી આશા સેવાઇ રહી છે. કેમ કે ગયા અઠવાડીયે હાર્દિકના સાથી ત્રણ સાથીદારોને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આજે રાજદ્રોહના કેસમાં આરોપી એવા હાર્દિક પટેલની જામીન અરજી પર હાઇકૉર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવવાની છે. હાઇકૉર્ટના નિર્ણય પર સમગ્ર ગુજરાતની નજર છે. કેમ કે ,આ પહેલાં જ હાઇકૉર્ટ દ્વારા રાજદ્રોહમાં આરોપી એવી હાર્દિકના ત્રણ સાથીદારોને જામી મંજૂર કર્યા છે. ગયા અઠવાડીયે થયેલી સુનાવણીમાં હાઇકૉર્ટે હાર્દિકના વકીલને પૂછયું હતું કે, તમે કૉર્ટમાં કોઇ લેખિતમાં ખાતરી કે બાંહેધરી આપવા માંગો છો?