Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

યુપીએસસીએ સનદી સેવા માટે પૂજા ખેડકરની ઉમેદવારી રદ કરી

Pooja Khedkar
, ગુરુવાર, 1 ઑગસ્ટ 2024 (18:24 IST)
સંઘ લોકસેવા આયોગે (યુપીએસસી) સનદી સેવામાં પૂજા ખેડકરની ઉમેદવારીને તાત્કાલિક અસરથી રદ કરી દીધી છે. આ સિવાય તેમના પર ભવિષ્યની તમામ પરીક્ષા તથા નિમણૂકોમાં સામેલ થવા પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
 
ઉપલબ્ધ રેકૉર્ડ્સને ચકાસતા પૂજાએ સીએસઈ-2022ના નિયમોનો ભંગ કર્યો હોવાનું યુપીએસસીની તપાસમાં જણાઈ આવ્યું હતું. આના માટે યુપીએસસીએ વર્ષ 2009થી 2023 સુધીના પંદર વર્ષના ગાળાના પંદર હજાર કરતાં વધુ ઉમેદવારોના રેકૉર્ડ્સ ચકાસ્યા હતા.
 
પૂજા ખેડકર વર્ષ 2022માં આઈએએસ માટે પસંદ થયાં હતાં. તા. 18 જુલાઈ, 2024ના યુપીએસસી દ્વારા પૂજાને કારણદર્શક નોટિસ કાઢવામાં આવી હતી તથા ઓળખ બદલીને નિર્ધારિત કરતાં વધુ વખત પરીક્ષામાં બેસવા સંદર્ભે સવાલ પૂછવામાં આવ્યા હતા.
 
પૂજાએ તા. 25 જુલાઈ સુધીમાં જવાબ આપવાનો હતો, જેના જવાબમાં પૂજાએ જરૂરી દસ્તાવેજ એકઠા કરવા માટે ચોથી ઑગસ્ટ સુધીનો સમય માગ્યો હતો. ત્યારે યુપીએસસીએ પૂજાને તા. 30મી જુલાઈ સુધીમાં કારણદર્શક નોટિસનો જવાબ આપવાની મુદ્દત આપી હતી.
 
જોકે, પૂજા નિર્ધારિત સમય સુધીમાં જવાબ દાખલ નહોતાં કરાવી શક્યાં અને યુપીએસસીએ તેના રેકૉર્ડ્સ ચકાસ્યા હતા અને પૂજા દોષિત જણાઈ આવ્યાં હતાં.
 
એ પછી વર્ષ 2022માં તેમની પસંદગીને રદ ઠેરવવામાં આવી હતી અને ભવિષ્યમાં કોઈ પરીક્ષામાં બેસવા કે નિયુક્તિ માટે પણ કાયમી નિષેધ મૂકવામાં આવ્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં 8 IPSને પોસ્ટિંગ આપ્યા બાદ 233 PSIને અપાયુ PIનું પ્રમોશન