દિલ્હી મહાનગરપાલિકા(એમસીડી)ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો વિજય લગભગ નક્કી થઈ ગયો છે. દિલ્હી રાજ્ય ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી એમસીડીમાં આપે 122 બેઠકો જીતી લીધી છે, જ્યારે 11 બેઠકો પર આપને લીડ હાંસલ છે. પાલિકામાં બહુમત હાંસલ કરવા માટે 126 બેઠકો જીતવી જરૂરી છે.
બીજી તરફ ભારતીય જનતા પક્ષે અત્યાર સુધી 97 બેઠકો જીતી લીધી છે, જ્યારે કૉંગ્રેસે 7 બેઠકો જીતી છે. આ સાત બેઠકોમાંથી ત્રણ વૉર્ડ પર 2017માં આપનો વિજય થયો હતો, જ્યારે એક વૉર્ડ ભાજપના નામે રહ્યો હતો.
નોંધનીય છે કે એમસીડીનું એકીકરણ કરાયા બાદ યોજાયેલી આ પ્રથમ ચૂંટણી છે. ચાર ડિસેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં 50.48 ટકા મતદાન થયું હતું.દિલ્હી રાજ્યના ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર દક્ષિણ દિલ્હીમાં સૌથી ઓછું મતદાન થયું હતું, જ્યારે 2020માં દિલ્હીના જે વિસ્તારોમાં રમખાણો થયા હતા ત્યાં સૌથી વધુ મતદાન નોંધાયું હતું.