Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રધાનમંત્રી આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની 28 ફૂટની પ્રતિમાનું અનાવરણ કરશે

modi
, ગુરુવાર, 8 સપ્ટેમ્બર 2022 (08:23 IST)
નવી દિલ્હી ખાતે ઇન્ડિયા ગેટ નજીક 8 સપ્ટેમ્બર 2022ના રોજ એટલે કે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. જેટ બ્લેક ગ્રેનાઇટ પથ્થરમાંથી તૈયાર કરવામાં આવેલી કુલ 28 ફૂટ ઊંચી આ પ્રતિમા માપ ઇન્ડિયા ગેટ પાસે કેનોપી નીચે રાખવામાં આવશે.
 
નેતાજીની જે ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવી રહ્યું છે તેને કુલ વજન 280 MT વજનના ગ્રેનાઇટના મોનોલિથિક બ્લૉકમાંથી કોતરણી કીરને તૈયાર કરવામાં આવી છે. 26,000 માનવ કલાકોના સઘન કલાત્મક પ્રયાસ પછી, ગ્રેનાઇટ મોનોલિથ પથ્થરને છીણીને કુલ 65 MT વજનની પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. પરંપરાગત ટેકનિકો અને આધુનિક સાધનોનો ઉપયોગ કરીને આ પ્રતિમા સંપૂર્ણપણે હાથ બનાવટથી તૈયાર કરવામાં આવી છે. પ્રતિમા તૈયાર કરનારા શિલ્પકારોની ટીમનું નેતૃત્વ  અરુણ યોગીરાજે કર્યું હતું.
 
પ્રધાનમંત્રીના હસ્તે જેનું અનાવરણ કરવામાં આવશે તે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાને, તે જ જગ્યાએ સ્થાપિત કરવામાં આવી રહી છે જ્યાં આ વર્ષની શરૂઆતમાં 23 જાન્યુઆરીના રોજ નેતાજીની 125મી જન્મજયંતિ નિમિત્તે પરાક્રમ દિવસની ઉજવણીના પ્રસંગે પ્રધાનમંત્રી દ્વારા જ નેતાજીની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
 
નેતાજીની 28 ફૂટ ઊંચી વિરાટ પ્રતિમા એ ભારતમાં સૌથી ઊંચા, વાસ્તવિક, મોનોલિથિક, હાથ બનાવટથી તૈયાર કરેલા શિલ્પોમાંની એક છે. પ્રધાનમંત્રીએ 21 જાન્યુઆરી 2022 ના રોજ ખાતરી આપી હતી કે, રાષ્ટ્ર પર નેતાજીના ઋણના પ્રતીક રૂપે ઇન્ડિયા ગેટ પર ગ્રેનાઇટથી બનેલી નેતાજીની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે.
 
તેલંગાણાના ખમ્મામથી નવી દિલ્હી સુધી 1665 કિલોમીટર દૂર આ મોનોલિથિક ગ્રેનાઇટનો પથ્થર લાવવા માટે 140 પૈડાંવાળી 100 ફૂટ લાંબી ટ્રક વિશેષરૂપે તૈયાર કરવામાં આવી હતી.
 
પ્રધાનમંત્રી જ્યારે નેતાજીની પ્રતિમાનું અનાવરણ કરવા માટે કેનોપી પર આવશે ત્યારે તેમના  આગમનની શરૂઆત પરંપરાગત મણિપુરી શંખ વદાયમ અને કેરળના પરંપરાગત પંચ વદાયમ અને ચંદા સાથે કરવામાં આવશે. નેતાજીની પ્રતિમાના અનાવરણની સાથે સાથે પરંપરાગત INA ગીતની ધૂન કદમ કદમ બઢાયેજા વાગશે.
 
એક ભારત- શ્રેષ્ઠ ભારત અને વિવિધતામાં એકતાની ભાવના પ્રસ્તૂત કરવા માટે દેશના તમામ ભાગોમાંથી 500 નર્તકો દ્વારા કર્તવ્ય પથ પર એક સાંસ્કૃતિક ઉત્સવ રજૂ કરવામાં આવશે. તેની ઝલક પ્રધાનમંત્રીને ઇન્ડિયા ગેટ પાસે સ્ટેપ એમ્ફી થિયેટર પર લગભગ 30 કલાકારો દ્વારા બતાવવામાં આવશે જેઓ સાંબલપુરી, પંથી, કાલબેલિયા, કરગામ જેવા આદિવાસી લોક કળા સ્વરૂપો અને નાસિક ઢોલ પથિક તાશા અને ડ્રમ્સ દ્વારા જીવંત સંગીત સાથે ડમી ઘોડા રજૂ કરશે. 1947માં ભારતના પ્રથમ સ્વતંત્રતા દિવસના શુભ અવસર પર પદ્મભૂષણ પં. શ્રી કૃષ્ણ રતનજાકરજી દ્વારા લખાયેલ મંગલ ગાન પં. સુહાસ વશી અને તેમની સાથે અન્ય ગાયકોની ટીમ દ્વારા રજૂ કરવામાં આવી રહ્યું છે. શ્રી આશિષ કેસકર પ્રસ્તૂતિ માટે સંગીત દિગ્દર્શક તરીકે રહેશે.
 
કર્તવ્ય પથ પરનો ઉત્સવ મુખ્ય કાર્યક્રમ પૂરો થયા પછી 8 સપ્ટેમ્બર, 2022ના રોજ રાત્રે 08.45 વાગ્યે શરૂ થશે અને 9, 10 તેમજ 11 સપ્ટેમ્બર, 2022ના રોજ સાંજે 7.00 થી 9.00 વાગ્યા સુધી ચાલુ રહેશે.
 
9, 10 અને 11 સપ્ટેમ્બર, 2022ના રોજ રાત્રે 08.00 વાગ્યે ઇન્ડિયા ગેટ ખાતે નેતાજીના જીવન પર આધારિત 10 મિનિટનો વિશેષ ડ્રોન શો રજૂ કરવામાં આવશે. સાંસ્કૃતિક ઉત્સવ અને ડ્રોન શો બંને જાહેર જનતા માટે વિનામૂલ્યે પ્રવેશ સાથે ખુલ્લા રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જિલ્લા ફેર બદલી કરીને ૨,૬૦૦ જગ્યાઓ ઉપર તાત્કાલિક અસરથી વિદ્યાસહાયકોની ભરતી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય : જીતુભાઈ વાઘાણી