નોટબંધી વખતે અમદાવાદની એડીસી બેંક દ્વારા પાંચ જ દિવસમાં 745 કરોડની નોટ બદલવા મુદ્દે રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યા હતા અને રણદીપ સૂરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સ(ટ્વીટ) કર્યા હતા. જેમાં બેંક અને બેંકના હોદ્દેદારોની બદનક્ષી થઇ હોવા મામલે બેંકના ચેરમેન અજય પટેલે કોર્ટમાં કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સૂરજેવાલા સામે બદનક્ષીની ફરિયાદ દાખલ કરી હતી. કોર્ટે રાહુલ ગાંધી અને સૂરજેવાલા સામે સમન્સ ઇશ્યૂ કર્યા હતા. આ મામલે આજે મુદત હતી. જોકે, રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહ્યા ન હતા અને મુદત માગતી અરજી કરી હતી જે અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. રાહુલ ગાંધીએ કેસમાં હાજર રહેવામાંથી મુક્તિ માગતી અરજી પણ કરી છે. આ મામલે વધુ સુનાવણી 12મી જુલાઇના રોજ યોજવામાં આવશે.
એડીસી બેંકના ચેરમેન અજય પટેલે અને બેંકે રાહુલ ગાંધી અને રણદીપ સૂરજેવાલા સામે કોર્ટમાં આઇપીસીની કલમ 500 મુજબ ફરિયાદ દાખલ કરી એવી રજૂઆત કરી છે કે, કોંગ્રેસના રાહુલ ગાંધીએ 745 કરોડની નોટ બદલી અંગે ટ્વીટ કરી શાહજાદા ખા ગયા તેમ દર્શાવ્યું હતું. તે તદન ખોટી વાત છે, તેમણે આવું કરી અમારી બેંકની પ્રતિષ્ઠા અને ડિરેક્ટરોની પ્રતિષ્ઠાને હાની પહોંચાડી અને કૌભાંડી ચીતર્યા છે, જ્યારે રણદીપ સૂરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સ કરી 10થી 14 નવેમ્બર દરમિયાન બેંકમાં 745 કરોડની જૂની નોટ બદલી નવી નોટો લેવામાં આવી હોવાનું જણાવ્યું છે. તે તદન ખોટું અને પાયાવિહોણું છે.
આ ઉપરાંત તેમણે ટ્વીટ પણ કર્યા હતા જેમાં બેંક તથા ડિરેક્ટરોને કૌભાંડી તરીકે જાહેર કર્યા છે. આવી ફરિયાદ બાદ કોર્ટે સીઆરીપીસીની કલમ 202 મુજબ તપાસનો આદેશ કર્યો હતો. જેમાં ફરિયાદી અને સાક્ષીઓના નિવેદન બાદ રાહુલ ગાંધી અને રણદીપ સૂરજેવાલા સામે કોર્ટે સમન્સ ઇશ્યૂ કર્યા કર્યા હતા. આ મામલે આજે મુદત હતી. જોકે, રાહુલ ગાંધી હાજર રહ્યાં ન હતા. તેમના એડવોકેટે મુદત અરજી કરી એવી રજૂઆત કરી હતી કે, નહેરુજીની 55મી વરસી હોવાથી તેઓ હાજર રહી શકે તેમ નથી તેથી મુદત આપવી જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે આગામી મુદતે હાજર રહેવાની શરતે મુદત આપી હતી.
રાહુલ ગાંધીને સમન્સની બજવણી થતા તેમના તરફે એડવોકેટ હાજર રહ્યાં હતા. જોકે, રણદીપ સૂરજેવાલાને હજુ સુધી સમન્સની બજવણી થઇ શકી નથી. જેથી હવે આગામી મુદતે સમન્સની બજવણી થાય તો તેઓ અથવા તેમના એડવોકેટ હાજર રહે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, અન્ય કિસ્સામાં રાહુલ ગાંધીએ જબલપુરની જાહેર સભામાં ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ખૂનના આરોપી હોવાના વિવાદાસ્પદ નિવેદનો આપ્યાં હતાં. જેથી ખાડિયાના ભાજપાના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે પણ રાહુલ ગાંધી સામે બદનક્ષીનો કેસ કર્યો છે. જેમાં કોર્ટે સમન્સ ઇશ્યૂ કરી વધુ સુનાવણી 9મી જુલાઇ પર મુલતવી રાખી છે.