ચૂંટણી પહેલાં ભાજપ નીતિન પટેલને મુખ્યપ્રધાનના ચહેરા તરીકે જાહેર કરે તેવી ખાનગી ચેનલોમાં ચર્ચા ચાલી રહી છે. આ પાછળ તર્ક અપાઈ રહ્યો છે કે, જે રીતે પાટીદાર સમાજ સરકારથી વિમુખ થયેલો દેખાય છે, તે જોતાં આગામી મુખ્યમંત્રી પટેલ હોય તેવું જો અગાઉથી જાહેર કરી દેવાય તો હાર્દિક પટેલની ચૂંટણીસભાઓથી થતા નુકસાનને પહોંચી વળાય. માધ્યમોમાં ચાલતી ચર્ચા મુજબ હાલમાં ભાજપ પાસે પાટીદાર સમાજ પર હાર્દિકની અસર ઓછી કરવા નીતિન પટેલ, રૂપાલા તેમજ જીતુ વાઘાણી જેવા પાટીદાર આગેવાનો છે.
તેમાં પણ નીતિન પટેલ મોદીના વિશ્વાસુ અને નજીકના ગણાય છે. મોદી વડાપ્રધાન બન્યા ત્યારે પણ તેમના અનુગામી તરીકે નીતિન પટેલનું નામ ચર્ચાતું હતું પરંતુ આનંદીબહેનને મુખ્યમંત્રી બનાવાયાં હતાં. બેનનાં રાજીનામાં બાદ પણ નીતિન પટેલનું જ નામ ચર્ચામાં હતું પરંતુ ફરીથી આ પદ પટેલથી છેટું રહ્યું હતું અને રૂપાણીને મુખ્યમંત્રી બનાવાયા હતા. હવે 53 પાટીદારોને ટિકિટ આપ્યા પછી પણ હાર્દિકના પાટીદાર મતો પરના પ્રભાવને દૂર કરવા માટે નીતિન પટેલને મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે ચૂંટણી પહેલાં જ જાહેર કરાય તેવી પ્રબળ સંભાવના ખાનગી ચેનલોએ વ્યક્ત કરી છે