Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લદ્દાખ માં LAC પર થયેલ અથડામણમાં 20 જવાન શહીદ, ચીનને પણ થયુ ઘણુ નુકશાન

લદ્દાખ માં LAC પર થયેલ અથડામણમાં 20 જવાન શહીદ, ચીનને પણ થયુ ઘણુ નુકશાન
, બુધવાર, 17 જૂન 2020 (06:00 IST)
પૂર્વી લદ્દાખમાં ગાલવાન ખીણમાં વાસ્તવિક નિયંત્રણ લાઇન (LAC) પર ભારત અને ચીની સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં 20 ભારતીય સૈનિકોનાં મોત નીપજ્યાં છે. સરકારી સૂત્રોના હવાલેથી માહિતી પ્રાપ્ત થઈ છે. જોકે, ચીનને થયેલા નુકસાનની ચોક્કસ સંખ્યા જાણવા મળી નથી. એવું કહેવામાં આવે છે કે ચીનને પણ નુકસાન થયું છે. 40 થી વધુ સૈનિકો કાં તો માર્યા ગયા છે અથવા ઘાયલ થયા છે.
 
શહીદ થનારા સૈનિકોમાં 16 બિહાર રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર કર્નલ બી સંતોષ બાબુ, 81 ફીલ્ડ રેજિમેન્ટના હવાલદાર કે પલાની, અને 16 બિહાર રેજિમેન્ટના હવલદાર સુનિલ કુમાર ઝા શામેલ છે. 
 
ચીન સાથેના તાજેતરનાં વર્ષોના સૌથી લોહિયાળ સંઘર્ષ અંગે ભારતીય સેનાએ જણાવ્યું : "ગલવાન ઘાટીમાં જ્યાં 15/16 જૂનની રાત્રે હિંસક અથડામણ થઈ હતી, ત્યાં બંને દેશની સેના અલગ થઈ ગઈ છે." "ઝીરો-ડિગ્રી તાપમાનમાં ઊંચાઈએ ફરજ બજાવનાર 17 સૈનિક ઘર્ષણ સમયે ઘાયલ થયા હતા, જેઓ મૃત્યુ પામ્યાં છે, જેના કારણે મરણાંક 20 થયો છે."
 
"ભારતની સેના દેશની સીમાઓના રક્ષણ તથા સંપ્રભુતાના રક્ષણ માટે કટિબદ્ધ છે.
 
ભારત અને ચીન વચ્ચે પૈંગૉન્ગ સરોવર અને ગલવાન નદી વિસ્તારમાં સીમા પર કોઈ રેખા નથી. અત્યંત ઠંડા વિસ્તારમાં આ સરોવર લદ્દાખ ક્ષેત્રમાં 4,350 મીટરની ઊંચાઈ પર આવેલું છે. ભારતીય સેનાના વડા મથક તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવાયું છે કે ચીનની સેનાને પણ નુકસાન વેઠવું પડ્યું છે. જોકે. હજી સુધી ચીનના કેટલા સૈનિક માર્યા ગયા કે ઘાયલ થયા એને લઈને સ્પષ્ટ જાણકારી સામે નથી આવી.
 
સેનાના મુખ્યાલય તરફથી આપવામાં આવેલા નિવેદન પ્રમાણે બંને દેશોના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ હાલ મામલાને ઉકેલવા માટે ઘટનાસ્થળે બેઠક યોજી રહ્યા છે. ગલવાન ખીણ ભારત ચીનની લદાખ સીમારેખાનો વિસ્તાર છે અને સૈન્ય તણાવ ઘટાડવા માટે બન્ને દેશના મેજર-જનરલ સ્તરના અધિકારીઓ વાતચીત કરી રહ્યા છે.
 
પત્રકારોના પ્રશ્નોનો જવાબ આપતા ભારતીય વિદેશમંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું, "ભારત અને ચીન પૂર્વ લદ્દાખમાં સીમાવર્તી વિસ્તારમાં સૈનિક અને વ્યૂહાત્મક માધ્યમોથી તણાવ ઘટાડવા અંગે વાતચીત કરી રહ્યા છે."
 
તેમણે ઉમેર્યું, "છ જૂને સિનિયર કમાન્ડરોની બેઠક બહુ સારી રહી હતી અને તેમાં તણાવ ઘટાડવા માટેની પ્રક્રિયા પર સહમતી બની હતી. એ બાદ ઘટનાસ્થળે હાજર કમાન્ડરોની બેઠકો પણ શરૂ થઈ હતી, જેથી એ સહમતીને ગ્રાઉન્ડ લેવલ પર લાગુ કરી શકાય, જે અધિકારીઓ વચ્ચે સધાઈ હતી."
 
તેમણે કહ્યું, "અમને આશા હતી કે બધું જ સરળતાથી થઈ જશે. જોકે, ચીની પક્ષ એ સહમતીથી હઠી ગયો કે ગલવાન ખીણમાં લાઇન ઑફ ઍક્ચ્યુલ કંટ્રોલનું સન્માન કરવામાં આવશે."
 
સોમવાર રાતના ઘર્ષણ અંગે તેમણે જણાવ્યું કે "15 જૂનની મોડી સાંજે અને રાતે હિંસક ઘર્ષણ થયું હતું. આનું કારણ એ હતું કે ચીની પક્ષે એક તરફી હાલની પરિસ્થિતિને બદલવાનો પ્રયાસ કર્યો હતો. બન્ને તરફથી લોકો ઘાયલ થયા, જેને ટાળી શકાયું હોત, જો ચીની પક્ષે ઉચ્ચસ્તરે બનેલી સહમતીનું યોગ્ય રીતે પાલન કર્યું હોત."
 
શબ્દોમાં દુઃખ વ્યક્ત નથી કરી શકતો : રાહુલ ગાંધી
 
રાહુલ ગાંધીએ ચીનસરહદ પર ભારતીય સૈનિકોનાં મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.
 
તેમણે ટ્વીટ કરીને લખ્યું, "સૈન્યના જે અધિકારી કે જવાનોએ આપણા દેશ માટે પોતાનો જીવ ગુમાવ્યો, તેમના માટે હું કેટલો દુઃખી છું એ શબ્દમાં જણાવી શકું એમ નથી. તેમના તમામ સ્નેહીજનો પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું. આ મુશ્કેલ સમયમાં અમે તમારી સાથે છે."
 
ચીનના પક્ષે નુકસાન?
 
ચીનના સરકારી અખબાર 'ગ્લોબલ ટાઇમસ'ના અધિકૃત ટ્વિટર હૅન્ડલથી કરાયેલા ટ્વીટમાં સ્પષ્ટતા કરાઈ છે કે ચીનના પક્ષે થયલા વાસ્તવિક નુકસાનને ગ્લોબલ ટાઇમ્સે રિપોર્ટ કર્યો જ નથી. ટ્વીટમાં છાપાએ એવું પણ કહ્યું કે ગ્લોબલ ટાઇમ્સ આ મામલે નુકસાનની સંખ્યાની પુષ્ટિ કરી શકે એમ નથી.
 
ગ્લોબલ ટાઇમ્સના એડિટર હુ શીજીને ટ્વીટ કરીને આ ઘર્ષણમાં ચીનના પક્ષને પણ નુકસાન થયું હોવાનું જણાવ્યું છે. જોકે, તેમણે ચીનને નબળું નહીં ગણવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
 
"મને જે જાણવા મળ્યું એ અનુસાર ગલવાન ખીણમાં થયેલા શારીરિક ઘર્ષણમાં ચીનના પક્ષે પણ નુકસાન થયું છે. હું ભારતીય પક્ષને કહેવા માગીશ કે અહંકારી ન બનો અને ચીનના સંયમને નબળાઈ ન ગણો. ચીન ભારત સાથે સંઘર્ષ ઇચ્છતું નથી પણ અમે એનાથી ડરતા પણ નથી."
 
વાતચીતથી ઉકેલ લવાશે : ચીન
 
ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સ અનુસાર ચીનના વિદેશમંત્રીએ કહ્યું છે કે વર્તમાન વિમાનનો ઉકેલ વાતચીતના આધારે જ થશે અને આ માટે બન્ને દેશો તૈયાર થઈ ગયા છે. ચીનના વિદેશમંત્રી અનુસાર બન્ને રાષ્ટ્રો સરહદ પર શાંતિપૂર્ણ સ્થિતિ કાયમ રાખવા માટે તૈયાર થયાં છે.
 
વડા પ્રધાનની બેઠકમાં સામેલ થશે સંરક્ષણમંત્રી
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ વાગ્યાથી વિવિધ મુખ્ય મંત્રીઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગ થકી બેઠક કરી રહ્યા છે. આ બેઠકમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહ પણ હાજર રહેશે.
 
ભારત પર આરોપ
 
ચીને મંગળવારે ભારત પર બંને દેશો વચ્ચેની વિવાદિત સરહદને ઓળંગવાનો આરોપ મૂક્યો. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને કહ્યું કે ભારતીય ટુકડીઓએ સોમવારે બે વાર સીમા રેખા ઓળંગી અને એ રીતે ચીનના સૈનિકોને ઉશ્કેરી તેમની પર હુમલો કર્યો જેના પરિણામે બંને બાજુએ સેનાઓ વચ્ચે ગંભીર અથડામણ થઈ.
 
સમાચાર સંસ્થા એએફપી અનુસાર બેજિંગે આ ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભારતીય સૈનિકોએ સરહદ ઓળંગીને ચીનના સૈનિકો પર હુમલો કર્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રથયાત્રા નીકાળવા સંદર્ભે રાજ્ય સરકારે સેન્ટ્રલ તથા સ્ટેટ IB પાસે રીવ્યુ મંગાવ્યો