Navneet Rana- નવનીત રાણા, રવિ રાણા કોણ છે?
, રવિવાર, 24 એપ્રિલ 2022 (15:22 IST)
લોકસભાની વેબસાઇટ પર અપાયેલ જાણકારી પ્રમાણે નવનીત રાણાનો જન્મ મુંબઈમાં થયો હતો અને તેમણે બી. કૉમ સુધીનો અભ્યાસ કર્યો છે.
તેઓ રાજકારણમાં આવ્યા એ પહેલાં મૉડલિંગ કરી ચૂક્યાં છે જે બાદ તેમણે હિંદી, તેલુગુ, કન્નડ, મલયાલમ અને પંજાબી ફિલ્મોમાં કામ કર્યું. એવા પણ સમાચાર હતા કે તેઓ વર્ષ 2019માં મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણી જીતનારાં એકમાત્ર અભિનેત્રી હતાં.
નવનીત રાણાના પતિ અપક્ષ ધારાસભ્ય છે અને નવનીતને રાજકારણમાં લાવવામાં તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. એવું કહેવાય છે કે બંનેની મુલાકાત યોગગુરુ સ્વામી રામદેવના આશ્રમમાં થઈ હતી.
વર્ષ 2011માં બંનેએ લગ્ન કરી લીધાં. તેમણે સામૂહિક વિવાહ કાર્યક્રમમાં લગ્ન કરી લીધાં હતાં. આ કાર્યક્રમમાં લગભગ 3,200 યુગલોએ લગ્ન કર્યાં હતાં. એવું કદાચ પ્રથમ વખત બન્યું હતું કે કોઈ અભિનેત્રીએ સામૂહિક લગ્ન કાર્યક્રમમાં લગ્ન કર્યાં હોય. તેમનાં લગ્નમાં તત્કાલીન મુખ્ય મંત્રી પૃથ્વીરાજ ચવ્હાણ, ઉદ્યોગમંત્રી નારાયણ રાણે, સ્વામી રામદેવ, સહારા સમૂહના અધ્યક્ષ સુબ્રતો રોય, અભિનેતા વિવેક અને સુરેશ ઓબરૉય સામેલ થયા હતા. નવનીત અને રવિ રાણાનાં એક પુત્ર અને પુત્રી છે.
વર્ષ 2014માં નવનીતે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ની ટિકિટ મેળવીને અમરાવતીના સાંસદપદ માટે ચૂંટણી લડી હતી. પરંતુ તેમને ભારે હારનો સામનો કરવો પડ્યો હતો.
આ બાદ વર્ષ 2019માં એનસીપી તરફથી તેમને ફરી ચૂંટણી લડવાનો પ્રસ્તાવ મળ્યો પરંતુ તેમણે તેનો સ્વીકાર ન કર્યો. અમરાવતીથી તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં.
37 વર્ષનાં નવનીત રાણા કેટલીક સમિતિઓમાં પણ રહી ચૂક્યાં છે. 13 સપ્ટેમ્બર 2019થી 13 સપ્ટેમ્બર 2020 સુધી તેઓ કૃષિસંબંધિત સ્થાયી સમિતિનાં સભ્ય રહ્યાં છે. તે બાદ હાલ તેઓ વિદેશ મામલની સ્થાયી સમિતિ અને નાણામંત્રાલય અને કૉર્પોરેટ મામલાના મંત્રાલયની સલાહકાર સમિતિનાં સભ્ય છે.
આગળનો લેખ