નજીકના ભવિષ્યમાં ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારો જોવા મળવાના છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખનું કોકડું એક મહિનામાં હાથ ધરવામાં આવે તેવી શકયતા જોવા મળી રહી છે. રાહુલ ગાંધી પોતાની ટીમમાં યંગ ફેસને સ્થાન આપવા જઈ રહ્યા હોવાનું જાણા મળી રહ્યું છે. રાહુલ ગાંધી માટે સંગઠનને બેઠું કરવાનો પડકાર સૌથી મોટો છે. ખાસ કરીને ગુજરાતના શહેરી વિસ્તારોમાં કોંગ્રસના સંગઠનના નામે કાગડા ઉડી રહ્યા છે. આ વખતે શહેરી વિસ્તારોમાં સંગઠનની પકડને મજબૂત બનાવવા માટે અન્ડર ફિફટી એવા આગેવાનો અને નેતાઓની શોધ કરવામાં આવી રહી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદ માટે ઓબીસી સમાજના યુવા નેતાને પ્રમોટ કરવામાં આવી શકે છે. સમગ્ર ગુજરાતમાં કોંગ્રસના સંગઠનને વેગવંતુ બનાવવા માટે રાહુલ ગાંધી પાસે સિનિયર અને જૂનિયર કોંગ્રેસીઓ વચ્ચે બેલેન્સ કરી ચાલી શકે તેવા નેતાના નામ ચર્ચામાં આવી ગયા છે. કોંગ્રેસે વિપક્ષના નેતાપદે પાટીદાર સમાજને પ્રતિનિધિત્વ આપ્યા બાદ ઓબીસી સમાજને પ્રમુખપદ આપવાની કવાયત હાથ ધરી દીધી છે. ભરતસિંહ સોલંકીને બદલવાનું મન કોંગ્રેસે બનાવી લીધું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભરતિસંહ સોલંકીને માણસોએ જે ભાંગરો વાટ્યો છે તે અંગે હાઈકમાન્ડને મોટાપ્રમાણમાં ફરીયાદો કરવામાં આવી છે. રાધનપુરમાંથી ચૂંટણી જીતી ધારાસભ્ય બનેલા અલ્પેશ ઠાકોર કોંગ્રેસના ટોચના નેતાઓની પ્રથમ પસંદગી હોવાનું માનવામાં આવે છે. અલ્પેશ ઠાકોરનું નામ ટીમ રાહુલ દ્વારા પ્રમુખપદ માટે આગળ ધરવામાં આવ્યું હોવાનું કોંગ્રેસના વર્તુળો જણાવી રહ્યા છે. અલ્પેશ ઠાકોર ઉપરાંત સિનિયર કોંગ્રેસી નેતા એવા જગદીશ ઠાકોરનું નામ પણ કોંગ્રેસમાં ચર્ચામાં લેવામાં આવી રહ્યું છે, ઓબીસી પ્રમુખ તરીકે ભરતસિંહ સોલંકીને પ્રમુખ પદે બેસાડવામાં આવ્યા હતા તો તેમના સ્થાને ઓબીસી સમાજના જ નેતાને પ્રમુખ બનાવવા માટેની વિચારણા ચાલી રહી છે.