સુરત અને વડોદરા મ્યુનિસિપલ કમિશનરની આંતરિક બદલી થઈ છે. બંછાનિધિ પાનીની વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્તિ થઈ છે. સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની છેલ્લા ત્રણ વર્ષથી સુરત મહાનગરપાલિકામાં કમિશનર તરીકે હતા. મનપાના કમિશનર તરીકે બંછાનીથી પાણીએ સુરત માટે કોરોના કાળ દરમિયાન વહીવટી તંત્રને સુનિયોજિત રીતે કામે લગાડતા કોરોના નિયંત્રણમાં શહેર ખૂબ આગળ રહ્યું હતું.બંછાનિધિ પાની કમિશનર વડોદરા કમિશનર તરીકે નિયુક્ત થયા છે. બંછાનિધિ પાની સુરત શહેર માટે અનેક પ્રકલ્પોને ઝડપથી પૂર્ણ કરવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા હતા.
નાની નાની બાબતોને બાદ કરતાં તેમનો કાર્યકાળ દરમિયાન સુરત શહેરમાં કોઈ મોટા આક્ષેપો તેમની ઉપર થયા નથી. કોરોના કાળ દરમિયાન સુરત શહેરમાં સૌથી વધુ ઝડપી વેક્સિનેશનની કામગીરી પણ તેમના દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી. જેની નોંધ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી લેવાઇ હતી. સુરત શહેર માટે કોરોના ખૂબ મોટો પડકાર હતો. કારણ કે અન્ય પ્રાંતના લોકો પણ અહીં ખૂબ મોટી સંખ્યામાં રહે છે. તેમના દ્વારા ત્રીપલ T ફોર્મ્યુલા અમલમાં મુકતા કોરોના કાળમાં સંક્રમણ ઓછામાં ઓછું ફેલાય તેમાં સફળતા મળી હતી.ત્રણ વર્ષ પૂર્ણ થતાં આંતરિક બદલીના ભાગ સ્વરૂપે સુરતના મનપા કમિશનર બંછાનિધિ પાની વડોદરાના કમિશનર તરીકે નિયુક્ત થયા છે અને સુરત શહેરમાં હવે શાલિની અગ્રવાલ કમિશનર તરીકે રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરત મુલાકાત બાદ બીજે જ દિવસે બદલીનો ઓર્ડર કરાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનમાં સુરત મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ કરી દેવાય હતી. મનપા કમિશનર બંછાનિધિ પાની સરકારના નજીકના અધિકારી તરીકે માનવામાં આવે છે.