Parasotam Rupala- રાજકોટની લોકસભા બેઠક ઉપર પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભાના પૂર્વ સાંસદ પુરુષોત્તમ રૂપાલાનું નામ જાહેર થયું ત્યારે આ બેઠક ભાજપના જ ફાળે જશે તેવી અટકળો અને અનુમાનો રાજકીય નિષ્ણાતો વ્યક્ત કરવા લાગ્યા હતા. જો કે નામ જાહેર થયાના થોડા જ દિવસ બાદ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈને અપાયેલા નિવેદન બાદ આ બેઠક ઉપર ભારેલા અગ્નિ જેવી સ્થિતિ નિર્માણ પામી ગઈ છે. ત્યારે હવે આ બળતાંમાં ઘી હોમાયું છે. કારણ કે, રૂપાલાને આ ચૂંટણી ન લડવા માટે ભાજપના જ એક નેતાએ પત્ર લખ્યો છે.
તેઓએ પત્રમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને યાદ કર્યા છે.મળતી માહિતી મુજબ, રૂપાલાની ટિકિટ પરત ખેંચવાની માગ સાથે જામનગર જિલ્લા ભાજપના મહામંત્રી પ્રવીણસિંહ જાડેજાએ કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાને પત્ર લખ્યો છે. જેમાં તેમણે રૂપાલાને સ્વૈચ્છિક રીતે ઉમેદવારી પાછી ખેંચવા રજૂઆત કરી છે. પ્રવીણસિંહ જાડેજાએ પત્રમાં લખ્યું કે,એક કાર્યક્રમ દરમિયાન તમે રાજા રજવાડા અને ક્ષત્રિય સમાજની અસ્મિતા પર પ્રહાર સમાન નિવેદનના કારણે રાજ્યમાં ઉભી થયેલ ગંભીર પરિસ્થિતિથી તમે જાણે છો.તમે સિનિયર, અનુભવી અને પ્રભાવી આગેવાન છો, પરંતુ આ નિવેદન મારી દ્રષ્ટિએ પક્ષના શિસ્ત ભંગનું ઉત્તમ ઉદાહરણ છે. કારણ કે, પક્ષ માટે નુકસાનકારક કોઈ વાત કે નિવેદન કરવું એ પક્ષની શિસ્તબદ્ધતા અને અનુશાસનનો ભંગ કાર્ય સમાન હોય છે. તમે સ્વૈચ્છિક રીતે ઉમેદવારી જતી કરીને સમગ્ર ભારતના ક્ષત્રિય સમાજની ગરિમાનું સન્માન કરશો અને ચૂંટણીમાં પાર્ટીને થનારા નુકસાનીને અટકાવશો તેવી અપેક્ષા રાખું છું.