ભારે ખેંચતાણ બાદ કોંગ્રેસ હાઇકમાન્ડે ગુજરાતની વધુ આઠેક બેઠકો પર ઉમેદવારો નક્કી કર્યાં છે. કોંગ્રેસે ચાર વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપી છે. જયારે બે યુવા ચહેરાઓને ચૂંટણી મેદાને ઉતાર્યા છે.જોકે, હજુ કેટલીંક બેઠકો પર દિલ્હીમાં મંથન ચાલી રહ્યુ છે. અમરેલીમાં વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીને ટિકિટ આપવામાં આવી છે. અલબત્ત આ અંગેની હવે ઔપચારિક જાહેરાત કરવાની બાકી છે. ગાંધીનગરમાં ધારાસભ્ય સી.જે.ચાવડાને ટિકિટ અપાઇ છે. હવે ગાંધીનગર બેઠકમાં અમિત શાહ અને સી.જે.ચાવડા વચ્ચે ચૂંટણી જંગ જામશે. આ બેઠક પર સી.જે.ચાવડાનુ નામ પહેલેથી નિશ્ચિત મનાઇ રહ્યુ હતું. આખરે હાઇકમાન્ડે આ નામ પર મંજૂરીની મહોર મારી હતી. ૪થી એપ્રિલે તેઓ ફોર્મ ભરશે.
અમરેલીમાં ચાર દાવેદારો વચ્ચે ખેંચતાણ જામી હતી. આખરે વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી પર પસંદગીનો કળશ ઢોળાયોછે. હવે પરેશ ધાનાણીનો ભાજપના ઉમેદવાર નારણ કાછડિયા સામે જંગ ખેલાશે. વિધાનસભાની ચૂંટણીમાં અમરેલી વિસ્તારમાં કોંગ્રેસ સપાટો બોલાવ્યો હતો. આ જોતા પરેશ ધાનાણીના નામ નક્કી કરાયુ છે. સુરેન્દ્રનગરમાં ધારાસભ્ય સોમાભાઇ પટેલને ટિકિટ આપવાનુ હાઇકમાન્ડે પસંદ કર્યુ છે. કોળી મતદારો પર પ્રભુત્વ હોઇ સોમા પટેલની પસંદગી કરાઇ છે. આ બેઠક પર ભાજપે વર્તમાન સાંસદ દેવજી ફતેપરાનુ પત્તુ કાપ્યુ છે જેનાથી તેઓ ભાજપ પર ખફા છે અને કેસરિયો ખેસ ઉતારી કોંગ્રેસમાં આવવાની તૈયારી કરી છે પરિણામે કોંગ્રેસને સીધો ફાયદો થવાની ગણતરી છે.
જામનગરમાં ભાજપે સાંસદ પૂનમ માડમને રિપિટ કર્યા છે એટલે કોંગ્રેસે આહિર સમાજના આગેવાન મુળુ કંડોરિયા પર પસંદગી ઉતારી છે.આ બેઠક પર પાટીદાર આંદોલનકારી હાર્દિક પટેલના નામની ય જોરશોરથી ચર્ચા ચાલી હતી. સુરતમાં બિઝનેસમેન અશોક અધેવડાના નામ પર સર્વસંમતિ સધાઇ છે. ભાજપના સાંસદ દર્શના જરદોશ માટે કોંગ્રેસ પાટીદાર કાર્ડ ખેલ્યુ છે. મૂળ ભાવનગરના પાટીદાર આગેવાનને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. ભરુચમાં ભારતીય ટ્રાયબલ પાર્ટી સાથે ગઠબંધન થઇ શક્યુ નથી. તે જોતા ધારાસભ્ય પી.ડી.વસાવાને ટિકિટ આપવા હાઇકમાન્ડે મન બનાવ્યુ છે. આદિવાસી વિસ્તારમાં પક્કડ ધરાવતાં પી.ડી.વસાવાની હવે ભાજપના મનસુખ વસાવા સામે ચૂંટણીની ટક્કર જામશે.
બનાસકાંઠામાં ય લાંબી ખેંચતાણના અંતે પરથી ભટોળને ટિકિટ અપાઇ છે. મંત્રી પરબત પટેલ સામે ટક્કર આપવા કોંગ્રેસે પરથી ભટોળને ટિકિટ આપી માસ્ટરસ્ટોક ખેલ્યો છે કેમકે,પરથી ભટોળનુ ઉત્તર ગુજરાતના સહકારી ક્ષેત્રમાં ખાસ્સુ એવુ પ્રભુત્વ છે.મોડી રાત્રે સમર્થકો પરથી ભટોળના ઘેર એકત્ર થયા હતાં. અમદાવાદ પૂર્વમાં કોંગ્રેસે નેશનલ મિડિયા કોર્ડિનેટર રોહન ગુપ્તાને ટિકિટ આપવા નક્કી કર્યુ છે. અમદાવાદ પૂર્વમાં યુવા નેતા તરીકે ઉભરેલાં રોહન ગુપ્તા ગુજરાત કોંગ્રેસના આઇટી સેલના વડા તરીકે પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે. કોંગ્રેસે અમદાવાદ પૂર્વમાં યુવા ચહેરાની પસંદગી કરી છે. હજુ ઘણી બેઠકોમાં પર સર્વસંમતિ સધાઇ શકી નથી જેના કારણે ઉમેદવારોની યાદી વિલંબમાં મૂકાઇ છે.