Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Loksabha Election 2024 - Gujarat માં આ બેઠકો પર ભાજપને પડકારનો સામનો કરવો પડી શકે, જાણો કોંગ્રેસ ક્યાં મજબૂત થઈ

શુ જાતિ આગળ લોકો મોદીને ભૂલી જશે ?

gujarat election
અમદાવાદ , સોમવાર, 6 મે 2024 (15:26 IST)
gujarat election
ગુજરાતમાં કેટલીક બેઠકો એવી છે કે જ્યાં ભાજપ દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરતાની સાથે વિવાદ જોવા મળ્યો હતો. બીજી બાજુ પુરૂષોત્તમ રૂપાલા અને નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના નિવેદનથી ક્ષત્રિય અને કોળી પટેલ સમાજ રોષે ભરાયો છે. ઉમેદવારો સામે નારાજગી અને સમાજમાં ફેલાયેલા રોષને કારણે રાજ્યની 9 જેટલી બેઠકો પર ભાજપને પડકારનો સામનો કરવો પડી શકે છે.રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, આણંદ, ખેડા, વડોદરા અને સાબરકાંઠા જેવી બેઠકો પર ક્ષત્રિય સમાજના આંદોલનની અસર થઈ છે. આ બેઠકો ભાજપ માટે છેલ્લી બે ટર્મમાં જીતવી સરળ બની હોવા છતાં આ વખતે ત્યાં પડકાર જોવા મળી રહ્યો છે. અહીં કોંગ્રેસના ઉમેદવાર પણ મજબૂર હોવાથી જબરદસ્ત ટક્કર દેખાઈ રહી છે. રાજ્યમાં નવેક બેઠકો પર ભાજપને આ વખતે કાંટાની ટક્કરનો સામનો કરવો પડશે. 
 
રાજકોટ 
રાજકોટ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર મૂળ અમરેલીના છે. ભાજપના પરષોત્તમ રૂપાલા કડવા પાટીદાર છે જયારે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી લેઉવા પાટીદાર છે. આ બેઠક પર રૂપાલાના ક્ષત્રિયો અંગેનાં નિવેદનના કારણે અને કડવા-લેઉવા પાટીદારની પત્રિકાના વિવાદ વચ્ચે રાજકોટની પ્રજા કોણે પોતાનો મત આપશે એ જોવું રહ્યું. રાજકોટથી સળગેલો ક્ષત્રિયોનો મુદ્દે હવે આખા ગુજરાતમાં ઘર કરી ગયો છે. જેના કારણે ભાજપના નેતાઓ પ્રચાર કરવામાં પાછા પડ્યાં છે. 
 
સુરેન્દ્રનગર 
સુરેન્દ્રનગરની બેઠક પર તળપદા કોળી અને ચુંવાળીયા કોળી જ્ઞાતિના ઉમેદવારનો વિવાદ થયો હતો. સ્થાનિકોની માંગ તળપદા કોળી ઉમેદવારની હતી પણ ભાજપે હળવદના ચુંવાળીયા કોળી ચંદુભાઈ શિહોરને ઉમેદવાર બનાવ્યા. કોંગ્રેસે ઋત્વિક મકવાણાને ટિકિટ આપી જે તળપદા કોળી સમાજના છે. અહીં સાડા ચાર લાખ કોળી મતદારમાં તળપદાનો હિસ્સો ત્રણ લાખ જેવો છે. આ સિવાય ક્ષત્રિયનો ભાજપ સામે વિરોધ પણ અહીં મતદાન માટે મહત્ત્વનું પરિબળ રહેશે.
 
સાબરકાંઠા 
સાબરકાઠામાં ભીખાજી ઠાકોરના બદલે કોંગ્રેસમાંથી શિક્ષિકા શોભના બારૈયાના નામની જાહેરાત થઈ. ત્યારે તેનો ભીખાજી ઠાકોરના ટેકેદારોએ વિરોધ કર્યો હતો.કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીને ઉમેદવાર બનાવ્યા છે. આ સિવાય ઇડર-વડાલી આ બેઠકમાં સૌથી મહત્ત્વનો વિસ્તાર છે. અહીં ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરા સામે ઉગ્ર વિરોધ છે. જેની અસર લોકસભાના મતદાનમાં જોવા મળે તેવી શક્યતા છે. અહીં 20 ટકા ઠાકોર મતદારો છે ત્યારે ક્ષત્રિય સમાજના ભાજપ સામેનાં વિરોધની પણ અહીં અસર જોવા મળી શકે છે.
 
બનાસકાંઠા 
બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર છે. જયારે ભાજપે રેખાબેન ચૌધરીને મેદાનમાં ઉતર્યા છે. રેખાબેનને ગેનીબેન જેટલા અનુભવી નથી. જેની અસર પણ મતદાન પર જોવા મળશે. અહીં 19 લાખ જેટલા ઠાકોર અને ચૌધરી મતદારો છે. દર વખતે આ સમાજ જ નક્કી કરે છે કે કોણ જીતશે. અહીં છેલ્લા દિવસોમાં પ્રચાર અને પ્રિયંકા ગાંધીની બેઠક તથા અને ક્ષત્રિય આંદોલનના કારણે ફાયદો કોંગ્રેસને મળી શકે છે. બીજી તરફ વડાપ્રધાનની સભા પણ મતદારો કોને મત આપશે એ રાજકીય નિષ્ણાંતો પણ વિચારતા થઈ ગયાં છે. હાલ તો પ્રચાર પ્રમાણે આ બેઠક પર ગેનીબેનની સ્થિતિ મજબૂત દેખાઈ રહી છે. 
 
આણંદ
કોંગ્રેસનાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સામે ભાજપે મિતેશ પટેલને મેદાને ઉતર્યા છે. ક્ષત્રિય આંદોલનની અસર આખા ગુજરાતમાં જોવા મળી, ત્યારે મિતેશ પટેલના પણ કેટલાક વીડિયો વાયરલ થયા બાદ અહીં પણ ભાજપ સામે નારાજગી જોવા મળી. અહીં કોંગ્રેસનું નેટવર્ક ઘણું મજબૂત છે.વડાપ્રધાન મોદીએ અહીં પ્રભુત્વ મેળવવા માટે જાહેર સભા કરી. પરંતુ ક્ષત્રિય આંદોલનની અસર, ગ્રામ્ય વિસ્તારમાં સત્તા પક્ષ માટે નારાજગી જેવા પરિબળો આણંદ બેઠક ભાજપ માટે એક પડકાર ઉભો કરી શકે છે.
 
પાટણ
પાટણ બેઠક પર ભાજપના ઉમેદવાર ભરતસિંહ ઠાકોર અને કોંગ્રેસના ઉમેદવાર ચંદનસિંહ ઠાકોર વચ્ચે સીધી લડાઈ છે. સમાજમાં ચંદનસિંહ ઠાકોર પ્રભુત્વ ધરાવે છે. અહીં ભાજપ માટે સિદ્ધપુર, ચાણસ્મા, અને ખેરાલું ગઢ છે તો રાધનપુર અને પાટણ પડકાર છે. વડગામમાં ક્ષત્રિય, લઘુમતી અને દલિત સમાજનું પ્રભુત્વ વધારે છે તો ક્ષત્રિય આંદોલનની અસર અને દલિતો તથા લઘુમતી નક્કી કરશે કે કોણ જીતશે.
 
જામનગર
જામનગર બેઠક પર આમતો ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ મજબૂતીથી જીતી શકે એમ છે. તેમની સામે કોંગ્રેસે એડવોકેટ જે.પી મારવિયાને મેદાનમાં ઉતાર્યા છે. પરંતુ હવે રૂપાલાનું નિવેદન પૂનમબેનને પ્રચાર દરમિયાન ભારે પડ્યું છે. પૂનમબેનની તમામ સભાઓમાં ક્ષત્રિયોએ હલ્લાબોલ કર્યો હતો. આ બેઠક પર જ્ઞાતિ સમીકરણો પર નજર કરીએ તો પાટીદાર 2.47 લાખ, મુસ્લિમ 2.36 લાખ, આહિર 1.74 લાખ, દલિત 1.62 લાખ, ક્ષત્રિય 1.35 લાખ, અને સતવારા સમાજના મતદારો 1.21 લાખ છે.  
 
ભરૂચ
ભાજપના સાંસદ મનસુખ વસાવાની છબી પણ લડાયક રહી છે. તેઓ વારંવાર સરકારી અધિકારીઓને ધમકાવતાં જોવા મળે છે.રાજકીય વિશ્લેષકોના મતે ભરૂચ અને અંકલેશ્વરના શહેરી મતદારોમાં ભાજપનું હજુ પણ પ્રભુત્ત્વ છે. એ સિવાય આદિવાસી મતદારોને ચૈતર વસાવા તરફ જતાં મનસુખ વસાવા કેટલા પ્રમાણમાં રોકી શકે છે તેના પર ભાજપની જીતનો આધાર છે. આમ આદમી પાર્ટીને આદિવાસી તથા મુસ્લિમ મતોના કૉમ્બિનેશનને કારણે આ બેઠક પર જીતની આશા છે. 36 વર્ષીય ચૈતર વસાવા આદિવાસી સમાજમાં અતિશય લોકપ્રિય મનાય છે.રાજકીય વિશ્લેષકોના મતે તેમની જીતનો આધાર મુસ્લિમ મતો અને કૉંગ્રેસના નેતાઓના સમર્થન પર રહેલો છે. 
 
વલસાડ 
દક્ષિણ ગુજરાતની વલસાડ લોકસભા બેઠક માટે એવી માન્યતા રહી છે કે અહીં જે પક્ષ જીતે તેની કેન્દ્રમાં સરકાર બને છે. અહીંથી કૉંગ્રેસે તેમના વર્તમાન વાંસદાના ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલને ટિકિટ આપી છે. જ્યારે ભાજપે અહીંથી નવા ચહેરા ધવલ પટેલને ટિકિટ આપી છે. કૉંગ્રેસના ઉમેદવાર અનંત પટેલની છબી એક ‘લડાયક’ આદિવાસી નેતા તરીકેની રહી છે. જેના કારણે કૉંગ્રેસને ફાયદો થશે તેવું વિશ્લેષકો માને છે.લાંબા સમયથી આદિવાસી સમાજના મુદ્દાઓ, પાર-તાપી પરિયોજના, સાગરમાલા પ્રોજેક્ટ જેવી અનેક લડાઈનું કૉંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે નેતૃત્ત્વ કર્યું છે.અહીં ભાજપને સંગઠનની તાકાત અને નરેન્દ્ર મોદીના નામ પર જ નિર્ભર રહેવાનું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હુગલીના પાંડુઆમાં ધમાકો એક ની મોત ઘણા ઈજાગ્રસ્ત