Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બાળવાર્તા - અભિમાન કરવુ નહી

બાળવાર્તા - અભિમાન કરવુ નહી
, સોમવાર, 30 જુલાઈ 2018 (11:18 IST)
મિત્રો આજે અમે તમને એક એવી વાર્તા સંભળાવી રહ્યા છીએ જેના પરથી તમને બોધ મળશે કે ક્યારેય આપણા રૂપ રંગ કે આવડતનુ અભિમાન કરવુ નહી. અભિમાન કરનારને હંમેશા પછતાવુ પડે છે.  આવો સાંભળીએ આવી જ  એક વાર્તા ... 
 
એક સાબર હતું. તેને સાબરના ટોળામાં ગમે નહિ. 
 
કાયમ તે પોતાના સાથીદારોથી અલગ થઈ એકલું એકલું ફરે. એક દિવસ સાબર નદી કાંઠે ઉગેલું લીલું લીલું તાજું ઘાસ ચરતું હતું. ઘાસ ખાઈને સાબર પાણી પીવા નદી કિનારે ગયું. નદીનું પાણી કાચ જેવું ચોખ્ખું હતું. સાબરે પાણી પીવા જતાં પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું. તેને થયું, વાહ! કેવાં સુંદર મારાં શીંગડાં છે! માથે જાણે મુગટ પહેર્યો હોય તેવાં શોભે છે! પણ મારા આ પગ કેવા પાતળા! મને એ બેડોળ કરી મૂકે છે, એનું જ મને દુઃખ છે.
webdunia
પોતાના મોટા શીંગડાના અભિમાનથી તે પોતાના બીજાં સાથીઓથી જુદું પડી હંમેશ એકલું ફરતું. પોતાના સાથીઓનાં નાનાં શીંગડાં જોઈ તેની ઠેકડી ઉડાવતું. એક દિવસ તે ઘાસ ચરતું હતું. તે સમયે નજીકમાં જ ધ્રુજાવી દે એવી પરિચિત વાસ તેને આવી. તે કંઈ સમજે તે પહેલાં વાવાઝોડાં માફક ધસી આવતા બે ખૂંખાર ચિત્તા જોયા. 
 
સાબર તો છલાંગ મારતું જાય નાઠું. બંને ચિત્તા તેનો પીછો કરતા તેની પાછળ પડ્યા. પોતાનો જીવ બચાવવા સાબર આગળ ને આગળ દોડ્યે જાય. ઝડપથી દોડવામાં એના પાતળા પગે એને ખૂબ મદદ કરી. તે ચિત્તાથી ઘણું આગળ નીકળી ગયું ને ગીચ જંગલમાં આવી પહોંચ્યું. ત્યાં અચાનક જાણે કોઈએ તેને પકડી દોડતું અટકાવ્યું હોય તેવું લાગ્યું. 
 
સાબરે જોયું કે એનાં શીંગડાં એક ઝાડની ડાળીઓમાં ભરાઈ ગયાં છે. તેણે ડાળીઓમાંથી શીંગડાં કાઢવા ખૂબ મહેનત કરી પણ તેનાં વાંકાં ચૂકાં શીંગડાં એવા ભરાઈ ગયા કે તે નીકળ્યાં જ નહિ. સાબરને થયું, મારા આ દૂબળા પાતળા પગને મેં ખોટા વગોવ્યા ને! તેણે તો મને ચિત્તાના પંજામાંથી બચાવ્યું. પણ મને જે શીંગડાંનું અભિમાન હતું. એ શીંગડાં જ મારાં શત્રુ બન્યાં. ખરેખર તો જે ચીજ આપણને મદદ કરે તેમ હોય તેનું રૂપ કે દેખાવ ન જોવો જોઈએ અને જે ચીજ આપણને મુસીબતમાં મૂકી દે તેમ હોય તે ગમે તેટલી રૂપાળી હોય તો પણ તેનાથી ખૂબ સાવચેત રહેવું જોઈએ. 
 
આમ બરાબર વિચાર કરતું હતું ત્યાં જ તેના સારા નસીબે શીંગડું તૂટી ગયું અને તે પોતાના પાતળા પગની મદદથી નાસીને પોતાનો જીવ બચાવવામાં સફળ બન્યું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જમવાનું પીરસતી વખતે જરૂર અપનાવો આ ઉપાય