ધ્યાન સિદ્ધ કરનાર સાધકે આહાર, વિહાર તથા વિચાર જેવા કેટલાંક નિયમોનું પાલન કરવું પડે છે. આત્મયોગમાં સ્થિર થયેલાં યોગી આસપાસની પરિસ્થતિઓથી વિચલિત નથી થતાં. તે પોતાની આંતરીક શાંતિમાં મગ્ન રહે છે. સંસારના મોટાભાગના મનુષ્યો દુખી થાય છે તેનું કારણ તેઓ પરિસ્થતિઓનું બુધ્ધિપૂર્વક વિશ્લેષણ કરવામાં નિષ્ફળ રહે છે તેમ ગીતા આચમન ઉત્સવના છઠ્ઠા દિવસે પૂજ્ય ભૂપેન્દ્રભાઈ પંડ્યાએ જણાવ્યું હતું.
ભગવદ્દ ગીતા યોગ શાસ્ત્ર છે, યોગનું વિજ્ઞાન છે. વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વમાં લોકો ભારતની જે બાબતોથી પ્રભાવિત છે તેમાં યોગ અગ્રેસર છે. જોકે લોકોમાં યોગની અત્યંત મર્યાદિત વ્યાખ્યા કે સમજ પ્રચલિત છે. લોકોના મનમાં યોગ ફિટનેસ(શારીરિક તંદુરસ્તી)ના સાધન તરીકે જ લોકપ્રિય છે તેમ જણાવતાં ઈન્દ્રવદન એ મોદી ટ્રસ્ટના ઉપક્રમે યોજાઈ રહેલી ગીતા અધ્યાયમાળા-જીવનસંહિતાના આચમન દરમિયાન પૂજ્ય ભૂપેન્દ્રભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે ખરેખર તો તે શારીરિક અને માનસિક એમ સર્વાંગી તંદુરસ્તીનું માધ્યમ છે.
ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 48માં શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ યોગની વ્યાખ્યા આપતાં જણાવે છે કે યોગ એ મનનાં સમત્વનો ભાવ છે. મનની સંતુલિત અવસ્થા યોગ છે. બીજા અધ્યાયના 50માં શ્લોકમાં યોગની અન્ય એક વ્યાખ્યા આપતાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે કર્મમાં કુશળતા યોગ છે. તમે જે કોઇ કાર્ય કરો તે શ્રેષ્ઠ રીતે કરો, સંપૂર્ણ લગનથી અને ભાવપૂર્વક કરો છો તો તે યોગ છે. છઠ્ઠા અધ્યાયના 23માં શ્લોકમાં યોગની અન્ય એક વ્યાખ્યા ભગવાને કરી છે જે મુજબ દુખના સંયોગનો વિયોગ યોગ છે.
ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે સંસારમાં દુખનો સંયોગ તો થશે જ પરંતુ તેનો વિયોગ મનુષ્યએ સ્વયં કરવાનો છે. સંસારમાં દુખદ ઘટનાઓ તો ઘટતી જ રહેવાની છે પરંતુ આ ઘટનાઓથી કેવી રીતે વિચલિત ના થવું તે યોગાભ્યાસ શીખવાડે છે. યોગાભ્યાસ માટે ધ્યાન સિદ્ધ કરવું આવશ્યક છે. ગીતામાં ધ્યાન કેવી રીતે કરવું તે દર્શાવ્યું છે. સંકલ્પથી ઉત્પન્ન તમામ કામનાઓનો ત્યાગ કરી ઇન્દ્રિયોના સમૂહનું તમામ પ્રકારે નિયમન કરી ધૈર્યયુક્ત બુધ્ધિથી મનને સંસારમાથી હટાવી લઈ મનને સ્થિર કરવાથી ધ્યાનાસ્થ થવાય છે. પરિસ્થિતી દુઃખદ હોવાં છતાં જો તમે ના ઇચ્છો તો તે તમને અસર નથી કરી શકતી. બ્રહ્માનંદનો આસ્વાદ પામનાર કદી દુઃખી નથી થતો તેમ શહેરમાં આયોજીત ગીતા પ્રવચન માળા દરમિયાન પૂજ્ય ભુપેન્દ્ર પંડ્યાએ જણાવ્યું હતું.