શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા આશાવરી ફલેટમાંથી ઝડપાયેલી દારૂની મહેફિલના મામલે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ગઇ કાલે પત્રકાર પરિષદમાં રેડ પાડનાર મહિલા પીએસઆઇ સી.બી. જાડેજા અને ભોગ બનનાર મિત્ર વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે થયેલી વાતચીતની ઓડિયો ક્લિપ જાહેર કરી હતી. આ ઓડિયો ક્લિપમાં મહિલા પીએસઆઈનો જ અવાજ હોવાનું બહાર આવતાં સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.યુ.મસીએ ગઇ કાલે મોડી રાત્રે પીએસઆઇ સી.બી. જાડેજા સહિત ચાર સામે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.આ કેસમાં મધ્યસ્થી તરીકે કુંતલ શાહ નામની વ્યકિતનું નામ બહાર આવ્યું છે.
કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ગઇ કાલે આક્ષેપ કર્યો હતો કે રેડમાં પોલીસે બે સગર્ભા મહિલાઓ, બે મહિલાઓ અને નાના બાળકોને પોલીસ સ્ટેશન લઇ જવાની ધમકી આપી રૂ.૧૧ લાખનો તોડ કર્યો હતો. પોલીસ દ્વારા રૂ. ૪ લાખની માગણી કરાઇ હોવાની ઓડિયો ક્લિપ ગઇ કાલે અર્જુન મોઢવાડિયાએ પત્રકારો સમક્ષ રજૂ કરી હતી. જેમાં મહિલા પીએસઆઇ જાડેજાએ ભોગ બનનાર પરિવારના મિત્ર સાથે તેઓને જામીન પર વહેલા છોડવા અને મહિલાઓને છોડવા માટે પૈસાની વાત થઇ હોવાનું બહાર આવ્યું હતું.
આ આક્ષેપો સામે ગઇ કાલે ક્રાઇમ બ્રાન્ચને આ કેસની તપાસ સોંપવામાં આવી હતી. ગત રાત્રે ક્રાઇમ બ્રાન્ચના જેસીપી જે.કે. ભટ્ટે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે પાર્થ મોઢવાડિયા સહિત જે રપ લોકો વિરુદ્ધ મહેફિલનો કેસ કરવામાં આવ્યો હતો તે તમામ લોકોએ દારૂ પીધો હોવાનું મેડિકલ તપાસમાં બહાર આવ્યું હતું. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે જે પણ આક્ષેપો થયા તે અંગેની તપાસ કરવામાં આવશે.