મેડિકલ અને પેરામેડીકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે એક વર્ષ માટે સ્થાનિક પરીક્ષાઓ લેવા દેવાની માંગ કરતી ગુજરાત સહિતની તમામ રાજ્યોની અરજીને સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. આ સાથે જ કોર્ટે સ્પષ્ટ કર્યુ છે કે, ચાલુ વર્ષે મેડિકલ અભ્યાસક્રમોમાં સમગ્ર દેશમાં એક માત્ર નીટની પરીક્ષાના આધારે જ પ્રવેશ આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટે એક માત્ર રાહત એ આપી છે કે, નીટ-૧ની પરીક્ષામાં બેઠેલા વિદ્યાર્થીઓ આગામી ૨૪ જુલાઈએ લેવામાં આવનાર નીટ-૨ની પરીક્ષામાં બેસી શકશે. આ ઉપરાંત સ્થાનિક ભાષામાં નીટની પરીક્ષા લેવી સહિતની તમામ માંગોને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.
આ સાથે જ ગુજરાતમાં આવતીકાલે લેવામાં આવનાર ગુજકેટની પરીક્ષા લેવાના ભવિષ્ય સામે સવાલો
ઉભા થઈ ગયા છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાના પગલે ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં
નિરાશા વ્યાપી જવા પામી છે અને આ ચુકાદા બાદ રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલ અને
શિક્ષણમંત્રીએ મોડી રાત્રે તાત્કાલિક ધોરણે બેઠક બોલાવી છે. આ પહેલા શનિવારે હાથ ધરાયેલ
સુનાવણી દરમિયાન મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ સ્થાનિક ભાષાઓમાં પરીક્ષા એક વર્ષ માટે
લેવા-દેવા સામે પોતાને કોઈ વાંધો ન હોવાનો જવાબ રજુ કર્યો હતો. જેના પગલે વિદ્યાર્થીઓને
એક વર્ષ માટે નીટની પરીક્ષામાં રાહત મળશે તેવી આશાઓ બંધાઈ હતી. જોકે, કેન્દ્ર સરકારે આ
મામલે જવાબ રજુ કરવા માટે સોમવાર સુધીનો સમય માંગ્યો હતો. જે દરમિયાન સરકારે આજે
કોર્ટમાં જવાબ રજુ કર્યો હતો. કેન્દ્ર સરકારના જવાબ બાદ સુપ્રીમ કોર્ટે દિવસભર ચાલેલી
સુનાવણી બાદ મોડી સાંજે પોતાનો ચુકાદો જાહેર કર્યો હતો. જેમાં મેડિકલ અભ્યાસક્રમોમાં
ફરજીયાતપણે નીટની પરીક્ષાના આધારે જ પ્રવેશ આપવાની જાહેરાત કરી હતી અને તેનો ચાલુ
શૈક્ષણિક વર્ષથી જ અમલ કરવાનો આદેશ આપ્યો છે.