ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ સહીતના અનેક રેકોર્ડ બુકમાં નામ દર્જ કરાવીને સુરતનું નામ દેશ અને વિદેશમાં જાણીતું કરનાર બાઇકિંગ ક્વિન્સ ફરી એક વખત સામાજિક સંદેશ સાથે સુરતથી કચ્છ રણોત્સવ સુધી 700 કિલોમીટરની સફરે જવા આજે(બુધવાર) નીકળી છે. બાઇકિંગ ક્વિન્સની 10 યુવતીઓ સુરતથી નીકળી ભુજ અને કચ્છના સફેદ રણ સુધી બાઈક પર જવા નીકળી છે. રસ્તામાં આવતાં વડોદરા અને અમદાવાદ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવશે. બાઇકિંગ ક્વિન્સના સ્થાપક ડો. સારિકા મહેતાની આગેવાનીમાં યુગ્મા દેસાઈ, દુરીયા તાપિયા, જીનલ શાહ, પારૂલ પટેલ, સોના મકવાણા, ભાવી ઘીવાલા, દિવ્યા બજાજ, કૃતિકા કહાર, વિદ્યા આહીર સુરતથી નીકળીને વડોદરા, અમદાવાદ, ગાંધીનગર થઇને કચ્છ સુધી લગભગ 700 કિલોમીટરથી વધુનું અંતર કાપશે. આ યાત્રા દરમિયાન એમનું સ્વાગત અને સન્માન વડોદરા અને અમદાવાદમાં થશે. પાંચમી તારીખે બાઇકિંગ ક્વિન્સ રણ ઉત્સવના કાર્યક્રમના મેહમાન બનશે. છઠ્ઠી તારીખે સવારે ગુજરાત પોલીસ દ્વારા ટ્રાફિક જાગૃતિ સપ્તાહ અંતર્ગત યોજાનારા ચાલક મિત્ર કાર્યક્રમની શરૂઆત કરશે. ભુજમાં યોજાનારા આ કાર્યક્રમમાં બાઇકિંગ ક્વિન્સ મુખ્ય મેહમાન બનશે અને ટ્રાફિક નિયમો અને સલામતીની વાતો પણ કરશે. એ જ દિવસે ભુજની વિવિધ શાળા અને સામાજિક સંસ્થાઓમાંની પણ મુલાકાત લેશે. બાઇકિંગ ક્વિન્સ માર્ગ સલામતીના સંદેશ સાથે આજે નીકળી છે. સાથે જ સમગ્ર યાત્રા દરમિયાન આ 10 યુવતીઓ પોતાનો તમામ ખર્ચ કેશલેસ જ કરીને કેશલેસ ટ્રાન્ઝેક્શન અંગેની જાગૃતિની વાત પણ કરશે. બાઇકિંગ ક્વીન્સની સુરત થી કચ્છ રણોત્સવ સુધીની યાત્રાને ગુજરાત પોલીસ, પ્રવાસન મંત્રાલય અને સેન્ટ્રલ મોલનો સહયોગ મળ્યો છે.